‘‘ઈનોવેશન પાયલોટ પ્રોજેકટ’’ અંતર્ગત
૧૧૫ ગામોના કાર્યકરોને પ્રમાણપત્ર આપીને કરાયા સન્માનિત
પોષણયુક્ત આહારની કમીને કારણે બાળકો, કિશોરીઓ, સગર્ભા માતા અને ધાત્રી માતાઓમાં લોહતત્વની ઉણપ જોવા મળતી હોય છે. જેના લીધે લોહીમાં હિમોગ્લોબીનનું પ્રમાણ ઘટી જવાથી પાંડુ રોગ(એનીમીયા) જેવી બીમારી આવે છે. જેને કારણે કામ કરવાની ક્ષમતા ઘટી જાય છે અને સગર્ભા માતાઓ અને નવજાત શિશુમાં મૃત્યુનું જોખમ વધી જાય છે. ત્યારે મહિલાઓને આ બધી સમસ્યાઓથી બચાવવા માટે ઓગસ્ટ-૨૦૧૯થી રાજકોટ જિલ્લાના તાલુકાઓમાં ‘‘ઈનોવેશન પાયલોટ’’ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે.
આ પ્રોજેકટના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ગઢકા સેજાના ખેરડી ગામની કિશોરીઓ, સગર્ભા માતાઓ અને ધાત્રી માતાઓને લોખંડની કડાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ રાષ્ટ્રીય પોષણ માહ – ૨૦૨૦ અન્વયે વીડિયો દ્વારા એનિમિયા પ્રિવેન્શનની સમજ અને પોષણ માહની પત્રિકાનું વિતરણ કરીને પોષણ કીટ આપવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે, જિલ્લાના સણોસરા, ગઢકા, સરધાર અને બેડલા સહિત ચાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ૧૧૫ ગામોમાં ઈનોવેશન પાયલોટ પ્રોજેકટ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં ૨૧ આંગણવાડી કેન્દ્રોમાં કિચન ગાર્ડન પણ બનાવવામાં આવ્યું છે.

આ તકે આઈ.સી.ડી.એસ.રાજકોટના પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવે દ્વારા ઉપસ્થિત કિશોરીઓ અને સગર્ભા માતાઓને એનિમિયા એટલે શું અને તેની અટકાયતના પગલાઓ વિશે સમજ આપવામાં આવી હતી. સાથો સાથ ઈનોવેશન પાયલોટ પ્રોજેકટમાં કામ કરતાં આંગણવાડી કાર્યકરોને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કિશોરીઓએ ‘‘ઈનોવેશન પાઈલોટ પ્રોજેકટ’’ અંતર્ગત તેમને મળેલા લાભ વિશે પોતાના પ્રતિભાવો રજુ કર્યા હતા.