મારા દાદીની અણમોલ નિશાની સમી સોનાની બંગડી મેળવીને અમે બહુ જ રાજી થયા

0
242

ધૃવ પટેલ કોરોનાના દર્દીઓની અણમોલ નિશાની તેમના સ્વજનોને પરત આપીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ સ્થાપિત કરતા સિવિલ હોસ્પિટલના નર્સિંગ કર્મચારીઓ
કોરોના બીમારી સબબ પંડિત દીનદયાળ હોસ્પિટલ ખાતે દાખલ થયેલા દર્દીઓની કિમતી વસ્તુઓ તેમના સગાંને પરત આપી કોરોના વોર્ડના આરોગ્ય કર્મચારીઓ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડી રહયા છે.


રાજકોટના નાગરિક ધૃવ પટેલના દાદીમાને કોરોના થવાથી પંડિત દીનદયાળ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરાયા હતા. અચાનક આવી પડેલી આ આપત્તિને લીધે ધૃવભાઇનો પરિવાર હતપ્રભ થઇ ગયો હતો અને ઉતાવળમાં દાદીમાનો ડીસ્ચાર્જ લેતી વખતે દાદીમાની અણમોલ નિશાની સમી સોનાની બે તોલાની ચાર બંગડી તેમના કુટુંબીજનો હોસ્પિટલ ખાતે જ ભુલી ગયા હતા. એક લાખ રૂપિયાથી વધુ કિમતની આ જણસ પરત લેવા માટે તેમના સ્વજનોને હોસ્પિટલના નર્સિંગ વિભાગમાંથી બે થી ત્રણ વાર ફોન કરવામાં આવ્યા હતા. આ બાબતે ધૃવ પટેલે હોસ્પિટલના સમગ્ર સ્ટાફનો ખરા હ્રદયથી આભાર માન્યો હતો, અને કહયું હતું કે, કે અન્ય ખાનગી હોસ્પિટલમાં મારા દાદીમાએ સારવાર લીધી હોત તો અમે મારા દાદીની આટલી મોંઘી બંગડીઓ જિંદગીમાં કદાચ પાછી ન પણ મેળવી શકયા હોત. સિવિલ હોસ્પિટલના સહકારથી જ અમે મારા દાદીમાની મૂલ્યવાન નિશાની પરત મેળવી શકયા છીએ. અમારા કુટુંબ માટે આ બહુ ભાવનાત્મક બાબત છે. જે બદલ અમે સિવિલ હોસ્પિટલના ખૂબ આભારી છીએ.
નર્સિંગ સુપ્રીન્ટેડેન્ટશ્રી હિતેષભાઇ ઝાંખરિયા અને શ્રી નિરૂપમાબેન મહેતાએ કહયું હતું કે, પોતાના સ્વજનોના મૃત્યુથી ભાંગી પડેલા કોરોના દર્દીઓના સગાં-વ્હાલાંઓ તેમના સ્વજનોની ચીજવસ્તુઓ પરત લેવાનું ભુલી જાય છે. સફાઇ દરમ્યાન જમીન પરથી કે ગાદલાની નીચેથી અથવા તો લોકરમાંથી દર્દીઓની કિંમતી વસ્તુઓ નર્સિંગ સ્ટાફને મળતી હોય છે, જે સંબંધિત દર્દીના નામની ચિઠ્ઠી લગાવીને સાચવી રાખવામાં આવે છે. ત્યાર બાદ તેમનાં સગાંઓને ઓળખકાર્ડ બતાવીને આ વસ્તુઓ પરત લઇ જવા માટે જણાવવામાં આવે છે. આ વસ્તુઓમાં મોબાઇલ, રોકડ રકમ, સોનાનાં મૂલ્યવાન ઘરેણાં, ચશ્માં, લોકેટ વગેરેનો સમાવેશ થાય છે. દર્દીઓનાં સ્વજનો ઘણી વાર દર્દીના મૃત્યુના આઘાતમાંથી બહાર નથી આવ્યા હોતા, આવા સંજોગોમાં એકથી વધુ વાર તેમને ફોન કરવો પડે છે, તો પણ હોસ્પિટલનો સ્ટાફ કંટાળ્યા વગર તેમને ફોન કરીને તેમની વસ્તુઓ તેમના સુધી અવશ્ય પરત પહોંચાડે છે.


કોરોના મહામારીએ માનવજીવનના ઘણાં પાસાઓને ઉજાગર કર્યા છે. કિંમતી વસ્તુઓ તેમના મુળ માલિક સુધી પહોંચડવાની નર્સિંગ સ્ટાફની દરકાર પણ આનો જ એક હિસ્સો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here