કેશોદ: પ્રાંત કચેરીથી નજીક સરકારી ખરાબાની જમીનમાં ચાલતી ખનીજચોરી, તંત્રનાં આંખ આડા કાન!

  0
  410

  (રીયાઝ પરમાર દ્વારા) તા.૭,કેશોદ: કેશોદ શહેરમાં માંગરોળ રોડ ઉપર આવેલ પ્રાંત કચેરી થી સો ડગલાં દૂર સરકારી ખરાબાની જમીનમાં જેસીબી મશીનથી માટી ખોદીને ઓફિસ ટાઈમમાં સરેઆમ ખનીજચોરી ભૂમાફિયાઓ દ્વારા કરવામાં આવે છે. કેશોદ તાલુકા સેવા સદન કચેરી માં મામલતદાર કચેરી અને નાયબ કલેકટરની કચેરી આવેલી છે ત્યારે બાજુમાં સરકારી ઉધોગનગરની પડતર જમીનમાંથી ધોળે દિવસે COVID-19નાં લોકડાઉનનો ફાયદો ઉઠાવી ભૂમાફિયાઓ દ્વારા ડમ્પરો ભરીને બાજુમાં નવનિર્મિત ડીવાયએસપી કચેરી પાસેનાં વરસાદી પાણીના નિકાલની જગ્યાએ ભરતી કરવામાં આવી હતી. કેશોદ મામલતદાર અને નાયબ કલેકટર ઓફિસની તદન નજીક કોઈ પણ જાતના કાયદો-વ્યવસ્થાનો ડર રાખ્યા વગર ગેરકાયદેસર મશીનરીનો ઉપયોગ કરી ભૂમાફિયાઓ મોટા પ્રમાણમાં ખનીજચોરી કરીને તંત્રની આબરૂના લીરા ઉડાવતા નજરે પડ્યા હતાં. સામાન્ય રીતે માટી ચોરી કોઈ ખેડૂત ખાતેદાર દ્વારા કરવામાં આવતી હોય તો તંત્ર સંકલન કરી વાહનો ડીટેઈન કરવાની અને આરટીઓ મારફત દંડ વસૂલ કરી ભયનું સામ્રાજ્ય ઉભું કરે છે. લોકડાઉનમાં તંત્ર ભાગદોડ માં વ્યસ્ત છે ત્યારે તકનો લાભ લઇ ભૂમાફિયાઓ દ્વારા સરકારી ખરાબાની જમીનમાં જેસીબી મશીનથી માટી ખોદીને ખનીજચોરી કરવામાં આવી રહી છે.

  તાજેતરમાં કેશોદ તાલુકાના હાંડલા અને ચાદીગઢ વચ્ચે આવેલ નદીનાં કિનારે થી માટીચોરી મામલે ખાણ ખનીજ શાખા દ્વારા પોલીસ સાથે રાખી ટ્રેકટરો જપ્ત કરી સંતોષ માન્યો હતો. પીપળીની ધાર તરીકે ઓળખાતી સરકારી ખરાબાની જમીનમાં ખોદકામ કરી માટી ચોરી કરવામાં આવે છે, જે અંગે ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. કેશોદ શહેરમાં સ્ટોન ક્રસર અને રેતીના ધંધા સાથે સંકળાયેલા મોટા માથાઓ સેટીગ કરાવવામાં કાબેલ હોવાનાં આક્ષેપ થઈ રહ્યાં છે. કેશોદના મામલતદાર અને નાયબ કલેકટર કચેરીનાં નાક નીચે ખનીજ ચોરી કરી ભૂમાફિયાઓ દ્વારા નાક કાપવામાં આવ્યું છે ત્યારે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કે પગલાં ભરવામાં આવશે ખરા !!!

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here