કોરોના ઇફેક્ટ: સ્ટેન્ડિંગમાં ૬૦ સેકન્ડમાં ૬૨ નિર્ણય

0
218

રાજકોટ શહેરમાં બેકાબુ બનેલા કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે આજે બપોરે ૧૨ કલાકે મહાપાલિકામાં ચેરમેન ઉદય કાનગડના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કોરોના ઇફેક્ટ જોવા મળી હતી. ભારતીય જનતા પાર્ટીની સંકલન બેઠક બાદ યોજાયેલી સ્ટેન્ડિંગ બેઠકમાં ૧૧-૪૫ કલાકે નગરસેવકો માસ્ક પહેરીને આવ્યા હતા, ૧૧-૫૦ મિનિટે કોન્ફરન્સ રૂમમાં પ્રવેશતા પૂર્વે હાથ સેનિટાઇઝ કર્યા હતા ત્યારબાદ ૧૧-૫૫ કલાકે સોશિયલ ડિસ્ટન્સ જાળવીને કોન્ફરન્સ રૂમમાં બેઠા હતા. ૧૨-૦૦ના ટકોરે મિટિંગ શરૂ થઈ હતી અને ૧૨-૦૧ મિનિટે પૂર્ણ થઇ ગઇ હતી.


કોરોના વાયરસના સંક્રમણની સ્થિતીના કારણે સ્ટેન્ડીંગ કમિટી રૂમમાં મીટીંગ યોજવાના બદલે કમિશનર બ્રાન્ચના વિશાળ કોન્ફરન્સ રૂમમાં કમિટીની બેઠક યોજવામાં આવી હતી, સ્ટેન્ડીંગ કમિટી રૂમમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હોય મ્યુનિસિપલ કમિશનર બ્રાન્ચના કોન્ફરન્સ રૂમમાં મીટીંગ યોજવાનું શરૂ કરાયું છે આ પણ કોરોનાકાળનો એક બદલાવ છે. દરમિયાન આજે ૬૦ સેકન્ડમાં આ બેઠક પૂર્ણ થઈ હતી અને તેમાં ૬૨ દરખાસ્તો અંગે નિર્ણયો લેવાયા હતા.


એજન્ડામાં રહેલી કુલ ૬૧ દરખાસ્તો તેમજ તે ઉપરાંતની એક અરજન્ટ બિઝનેસ દરખાસ્ત સહિત ૬૨ દરખાસ્તો અંગે નિર્ણય લેવાના હતા જેમાં નવ દરખાસ્તોમાં રિ-ટેન્ડર કરવા નિર્ણય લેવાયો હતો , એક દરખાસ્ત નામંજૂર કરાઇ હતી. જ્યારે અન્ય ૫૧ દરખાસ્તો મંજૂર કરાઇ હતી અને કુલ રૂપિયા ૪૫ કરોડ, ૧૮ લાખ, ૯૪ હજાર ૫૪૨ના વિકાસકામો મંજુર કરાયા હતા. કોરોના વાયરસના સંક્રમણની પૂર્વેના સમયગાળામાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શાસક પક્ષના સભ્યો પણ આંતરિક બૌધ્ધિક ચર્ચા વિચારણા કરતા, દરખાસ્તોનું વાંચન થતું હતું, ક્યારેક ક્યારેક વિપક્ષ પણ ચર્ચામાં ઝુકાવી વિરોધ કરતો હતો પરંતુ કોરોના આવ્યા બાદ આ બધું બંધ થઈ ગયું છે! મીટીંગ એક ઔપચારિકતા સમાન બની ગઈ છે અને નિશ્ચિત સમય મર્યાદામાં કાયદા મુજબ યોજવાની થતી હોય તે માટે બેઠક યોજાય છે. મોટાભાગના નિર્ણયો અગાઉથી જ શાસક પક્ષ દ્વારા પાર્ટી લેવલે સંકલન બેઠકમાં અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા લેવાઇ ગયા હોય છે, સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ફક્ત તે નિર્ણયોને અનુમોદન આપવાનું હોય છે. જોકે આજે મળેલી બેઠકમાં વિપક્ષી સભ્યએ આઠેક દરખાસ્તોમાં લેખિત વિરોધ વ્યક્ત કર્યો હતો.એકંદરે મહાપાલિકામાં પણ અનેક નગરસેવકો અને અધિકારીઓ કોરોનાગ્રસ્ત બન્યા હોય હવે બેઠક યોજતા કે તેમાં ભાગ લેતા પણ અધિકારીઓ અને નગરસેવકો ભય અનુભવી રહ્યાં છે. બીજી બાજુ મહાપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા હોય નગરસેવકોને સક્રિય થયા વિના છૂટકો રહ્યો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here