104 વર્ષમાં પ્રથમ વખત રાજકોટની ગરુડની ગરબી નહીં થાય, અન્ય જાણિતી ગરબીના આયોજકો પણ આ વર્ષે આયોજન નહીં કરે

0
152
 • રાજકોટમાં રાજાશાહી વખતના ગઢ ઉપરથી લાકડાંના ગરુડમાં બેસી રોપ-વેથી બાળાઓ નીચે રાસે રમવા આવે છે

કોરોના મહામારીએ વર્ષોથી ચાલતી અનેક પરંપરાઓ અટકાવી છે. પ્રાચીન ગરબીઓ અને અર્વાચીન રાસોત્સવ આ વર્ષે નહીં યોજવા સરકારે નિર્ણય કર્યો છે ત્યારે રાજકોટની સૌથી પ્રાચીન અને રાજાશાહી વખતમાં આશરે 1916માં લાખાજીરાજ બાપુએ શરૂ કરાવેલી અને અવિરત દર વર્ષે દરબારગઢ પાસે યોજાતી ગરુડની ગરબીની પ્રાચીન પરંપરા આ વર્ષે ખંડિત થઈ છે. કોરોના મહામારીને કારણે અને નાની બાળાઓની તેમજ રોજ ગરબી જોવા આવતા 10 હજાર લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આયોજકોએ આ વર્ષે ગરબી નહીં યોજવા નિર્ણય કર્યો છે. આયોજકોના આ નિર્ણયથી 104 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ગરુડની પ્રાચીન ગરબી બંધ રહેશે.

ગરુડમાં બેસતી બાળાઓને બીમારી ન થવાની માન્યતાએ સમયે દરબારગઢની ઉપરથી મા જગદંબા નીચે ગરબી રમવા આવે છે તેવી પ્રચલિત માન્યતાના આધારે આજે પણ બાળાઓને ગરુડમાં બેસાડીને સ્ટેજ પર લવાય છે. વર્ષોથી એવી પણ માન્યતા છે કે, ગરુડમાં બેસીને સ્ટેજ પર આવીને રાસ રમતી બાળાઓને આજીવન કોઈ ગંભીર બીમારી થતી નથી. એને માતાજીનું સત માનવામાં આવે છે.

પ્રચલિત રાસ

 • મશાલ રાસ
 • ત્રિશૂલ રાસ
 • રાંદલમાનો રાસ
 • મહાકાળીનો રાસ
 • મહિષાસુર રાસ
 • કાન-ગોપી રાસ
 • હનુમાન, વાનર અને અન્ય પાત્રો

70 વર્ષ પહેલા છોકરાઓ પણ ગરુડની ગરબીમાં રાસ રમતાઅગાઉના સમયમાં છોકરાઓ પણ ગરુડની ગરબીમાં રાસે રમતા હતા. લાખાજીરાજ બાપુના સમયમાં આ વિસ્તારના છોકરાઓ પણ ગરુડની ગરબીમાં ભાગ લેતા હતા અને ધામધૂમથી માતાજીની આરાધના થતી હતી એ સમયનો ફોટો પણ ગરબીમાં ભાગ લેનારાઓ સાચવીને રાખતા હતા.

રોજ 10 હજાર લોકો આવે છે104 વર્ષ જૂની ગરુડની ગરબી આ વર્ષે નહીં યોજાય. કારણ કે, અહીં દરરોજ 10 હજાર લોકો ગરબી જોવા આવતા હોય છે એટલે ગરબીનું આયોજન નહીં કરીએ. > અજયભાઇ ભટ્ટી, આયોજન મંડળના સભ્ય

 • પવનપુત્ર: 1977માં શરૂ થયેલી સોરઠિયાવાડી સર્કલે યોજાતી પવનપુત્ર ગરબી આ વર્ષે પ્રથમ વખત કોરોના મહામારીને કારણે નહીં યોજીએ. – રઘુભાઈ બોળિયા, સંચાલક
 • કરણપરા: 1987માં શરૂ કરાયેલી કરણપરાની ગરબીમાં એક સમયે એકસાથે 90 બાળા રાસે રમતી. આ વર્ષે ગરબી નહીં કરીએ. – કિરીટભાઈ પાંધી, આયોજક સભ્ય
 • આશાપુરા મંદિર:1935માં સ્થાપના થઇ. અત્યારની સ્થિતિ જોતા નાની-નાની બાળાઓ સામે જોખમ લઇ શકાય નહીં એટલે અમે ગરબી તો નહીં કરીએ. શુકન સાચવીશું. – યજ્ઞેશભાઈ, આશાપુરા મંદિર
 • જંક્શન: 1971માં સ્થપાયેલી ન્યૂ ગરબી મંડળને આ વર્ષે 51 વર્ષ પૂર્ણ થયા છે. કોરોનાને કારણે આ વર્ષે ગરબીનું આયોજન અને ઉજવણી મોકૂફ રાખી છે. – અશ્વિનભાઈ સેદાણી, ગરબી મંડળના સભ્ય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here