આપણે બહુ જલ્દી અભિપ્રાય બાંધીએ પરંતુ તે સતત બદલાતા રહે છે

0
84

અનુપમ નૈસર્ગિક રમણિયતા ધરાવતી લીલુડી ગિરિમાળા વચ્ચે તુલસીશ્યામ ખાતે શ્યામબાપા સન્મુખ ડુંગર પર બિરાજમાન એવા સમર્પણ, પ્રતિક્ષા અને ધૈર્યના સુંદર વિગ્રહ સમાન મા રુક્ષ્મણીનાં મંદિરનાં પાવન સાનિધ્યમાં માનસ- વૃંદા શિર્ષક અંતર્ગત રામકથાનું ગાન પૂજ્ય બાપુના શ્રીમુખેથી થઈ રહ્યું છે.આજે બીજા દિવસની કથાના પ્રારંભે પૂજ્ય બાપુએ શિવપુરાણમાં ભગવાન શિવજીએ દેવર્ષિ નારદજીને સંભળાવેલી અસુર જલંધર અને સતિ વૃંદાની કથાનો તેમજ દેવી ભાગવતમાં મળતી તુલસી અને શંખચૂડની કથાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે શાસ્ત્રો અને પુરાણોમાં તો અનેક પ્રકારની કથાઓ મળે છે. જેને સમજવા માટે ગુરુ આવશ્યક છે. ગુરુગમ વિના શાસ્ત્રોને સમજવાં સહેલાં નથી.  આપણા જેવાને તો ગુરુ જ માર્ગ બતાવે. બાપુએ માર્મિક રીતે જણાવ્યું કે ગુરુની પરીક્ષા ન કરવી, પરખ જરૂર કરવી.પરીક્ષા કરવા જઇશું તો ગુરુને પારખી નહીં શકાય. ગુરૂ, શાસ્ત્ર, સાધુ અને મહાદેવ એ ચારની કદી પરીક્ષા ન થઈ શકે.ગુરુ સ્મરણમાં સદૈવ ભાવવિભોર બની જતા પૂજ્ય બાપુએ જણાવ્યું કે ગુરુની એક નજર તાળું ખોલી નાખે. કોઈ બુદ્ધ પુરુષ આપણી સામે જોઈને મુસ્કુરાય તો જનમ જનમનો કાટ નીકળી જાય. એવા ગુરુને ઓળખવા શી રીતે? એ સંદર્ભમાં બાપુએ કહ્યું કે ગુરુ એ છે જેનું રક્ષા કવચ વિવેક છે.પદ પૈસો કે પ્રતિષ્ઠા નહીં પણ કેવળ વિવેક જ આપણી રક્ષા કરી શકે છે વિવિધ જેની માન્યતા છે તે ગુરુ છે.એનામાં વિવેકની પ્રધાનતા છે એવા વિપ્ર પણ રક્ષા કવચ બની શકે.પરંતુ એ રક્ષાકવચ તૂટી પણ શકે. ગુરુ અતૂટ અને અભેદ્ય એવું રક્ષા કવચ છે.વિવેક કથાથી સત્સંગથી જ પ્રાપ્ત થઈ શકે છે.


જય વિજય નો સંદર્ભ વર્ણવતા પૂજ્ય બાપુએ કહ્યું કે તલગાજરડી દ્રષ્ટિએ તો જ્યાં જય વિસર્જિત થઈ જાય એ જ વિજય છે. જય જય કાર રુપી અહંકારનું વિસર્જન એ જ વિજય.ગુરુ નું બીજું લક્ષણ બતાવતા બાપુએ કહ્યું કે મહાપુરુષ બાળકની જેમ ખેલ કરે છે- નૃત્ય કરે છે! એવા બુદ્ધ પુરુષની ક્રિડા, કરુણા માટે હોય છે- ખેલખેલમાં તે કરુણા કરી નાખે છે. ક્રિડા જ્યારે ક્રિયામાં પરિવર્તીત થાય, ત્યારે એનો ભાર લાગે છે. કારણ કે પછી ક્રિયા અથર્ત્િ કર્મ- નાં ફળની અપેક્ષા જાગે છે. ગુરુ કોઈ પાસે કશી અપેક્ષા વિના, કેવળ કરૂણા કરવા માટે ક્રિયા નહીં પણ ક્રિડા કરે છે.પૂજ્ય બાપુએ કહ્યું કે ચાર જગ્યાએ કદી ખોટું ન બોલવું – એક તો સાધુની સભામાં, બીજું પોતાના ગુરૂની પાસે, ત્રીજું ગોસાઈ એટલે કે જેણે ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો છે એવા પાસે અને ચોથું તુલસીશ્યામ જેવા તીર્થસ્થાનમાં. આમ તો ક્યાંય પણ ખોટું બોલવું ન જોઈએ. પરંતુ આ ચાર સ્થાનોમાં તો ક્યારેય ખોટું ન બોલવું. બાપુએ કહ્યું કે ઈષ્યર્િ અને દ્વેષની રેન્જ બહુ લાંબી હોય છે, જે દેવલોક સુધી પણ પહોંચે છે! આપણે કોઈના વિશે બહુ જલદી અભિપ્રાય બાંધીએ છીએ પરંતુ આપણા અભિપ્રાયો બદલાતા રહે છે. એટલે કદી કોઈનામાં દોષ  જોવો નહીં. કથાના ક્રમમાં નામ વંદનાનું સંક્ષિપ્ત ગાન કરીને પૂજ્ય બાપુએ બીજા દિવસની  કથામા પોતાની વાણીને વિરામ આપ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here