- પેટા ચૂંટણીને લઈ સાંજ સુધીમાં નિર્ણય: આજે ચૂંટણી પંચની મહત્વની બેઠક
ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકોની પેટા ચૂંટણીની ગમે તે ઘડીએ જાહેરાત થઈ શકે છે. ચૂંટણીપંચમાં આઠ બેઠકોની ચૂંટણી કોરોનાની મહામારી વચ્ચે કેવી રીતે યોજવી તેની આજ સાંજ સુધીમાં દિલ્હીથી જાહેરાત કરવામાં આવશે. ચૂંટણીપંચે તૈયારી શ કરી છે તેવી જ રીતે મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસ દ્વારા બેઠકોનો દૌર ચલાવવામાં આવી રહ્યો છે. ગઈકાલે કમલમમાં સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી તેવી જ રીતે છેલ્લા ત્રણ ચાર દિવસથી કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનેએ પણ બેઠકોનો દૌર ચલાવ્યો હતો.
ગુજરાત વિધાનસભાની ગઢડા, લીંબડી, ડાંગ, ધારી, કરજણ, મોરબી, અબડાસા અને કપરાહા આ આઠ બેઠક કોંગ્રેસના હાથમાં હતી પરંતુ ભાજપ્ની રણનીતિ અને રાજ્યસભાની બેઠકો જીતવા પાડેલા ખેલના પરિણામો આ બેઠકો ગુમાવવી પડી હતી.
આ આઠ બેઠકો પર કોંગ્રેસ દ્વારા સક્ષમ ઉમેદવારની શોધ ચલાવવામાં આવી રહી છે. આ માટે બેઠક દીઠ આગેવાનોને જવાબદારી સોંપવામાં આવી હતી જેની પ્રાથમિક ત્રણ નામોની યાદી હાઈકમાન્ડ સમક્ષ મોકલી આપવામાં આવી છે.
હાલના કોરોના સંજોગોમાં વર્તમાન ગુજરાત અને કેન્દ્રની ભાજપ સરકારની કામગીરી ખરડાયેલી છે. એકબાજુ ગરીબી, મોંઘવારી, પ્રષ્ટાચાર અને બેરોજગારીના મામલે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે તેને ધ્યાનમાં રાખીને પેટા ચૂંટણીની રણનીતિ કોંગ્રેસ દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા કૃષિ કાયદાના વિરોધમાં દેશવ્યાપી વિરોધનો વંટોળ ઉપડયો છે. તેવા સંજોગોમાં વધુને વધુ બેઠકો જીતવા કોંગ્રેસ કમર કરી રહ્યું છે. ભાજપ્ના આગેવાનો દ્વારા પણ ગઈકાલે કમલમ ખાતે આગેવાનોની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં કૃષિ બિલના સંદર્ભે ગામડે-ગામડે જઈ ખાટલા બેઠક કરવામાં આવશે. આ બેઠકોના પરિણામે કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારના વિરોધમાં પ્રચારને ખાળશે. તો વિધાનસભાની આઠેય બેઠકો પૈકીના પાંચ બેઠકોના ઉમેદવારો મોટાભાગે નિશ્ર્ચિત છે. જયારે બાકીની બેઠકો પર નામની યાદી તૈયાર કરી દેવામાં આવી છે.