જસદણના ૭ થી ૮ વેપારીઓ પાસેથી ૧પ.૬૩ લાખનો માલ સામાન લઇ બે શખ્સો રફુચકકર

0
137

ભાડાની દુકાનમાં વિશાલ ટ્રેડીંગ નામે પેઢી ચાલુ કરી અલગ અલગ વેપારીઓ પાસેથી માલ ખરીદી ધુંબો માર્યોઃ ઘનશ્યામ પટેલ અને પ્રદીપ સોની સામે પોલીસમાં ફરીયાદ

જસદણમાં બે ગઠીયાઓ અને તેની ટોળકીએ ભાડાની દુકાનમાં પેઢી ચાલુ કરી જસદણના ૭ થી ૮ વેપારીઓ પાસેથી ૧પ.૬૩ લાખનો માલ-સામાન ખરીદી ધુંબો મારી રફુચકકર થઇ જતા પોલીસમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્ય વિગતો મુજબ જસદણના વેપારી વિષ્ણુભાઇ સવશીભાઇ કુકડીયાએ ઘનશ્યામ પટેલ તથા પ્રદીપ સોની અને તપાસમાં ખુલે તે શખ્સો સામે જસદણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ એક સંપ કરી અગાઉથી ગુન્હાહિત કાવત્રુ રચી જસદણ જળશકિત સર્કલ પાસે આટકોટ બાયપાસ રોડ રૂદ્રાક્ષ કોમ્પલેક્ષમાં વિશાલ ટ્રેડીંગ નામની પેઢી ચાલુ કરી ફરીયાદી તથા જસદણના અન્ય ૬ થી ૭ વેપારીઓને વિશ્વાસમાં લઇ ફરીયાદી તથા અન્ય વેપારીઓ પાસેથી ઇલેકટ્રીક, ઇલેકટ્રોનીકસ ચીજ વસ્તુ, લોખંડ સીમેન્ટ તેમજ રેડીમેન્ટની ચીજ વસ્તુઓ કુલ ૧પ.૬૩ લાખની ખરીદી કરી. માલ-સામાનના રૂપિયા રોકડા નહિ ચુકવી તેમજ આરોપી ઘનશ્યામ પટેલે જસદણ સ્થિત કોર્પોરેશન બેન્ક ખાતાના ચેકોમાં સોની પીસી નામની સહી કરી જુદી-જુદી રકમના ચેકો ફરીયાદી તથા અન્ય વેપારીઓને આપ્યા હતા. પરંતુ આ તમામ ચેકો બેન્કમાં વટાવતા બાઉન્સ થતા ફરિયાદી તથા વેપારીઓ સાથે છેતરપીંડી કરી હતી. જસદણ પોલીસે આ ફરીયાદ અન્વયે ઉકત બન્ને શખ્સો તથા તેની ટોળકી સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

છેતરપીંડીનો ભોગ બનેલ જસદણના વેપારીઓ આરોપીની પેઢીએ જતા ત્યાં અલીગઢીયા તાળા જોવા મળ્યા હતા. જસદણના જેન્તીભાઇ નામના વેપારી પાસેથી આ ઠગટોળકીએ ૭૬૭ લાખનો માલ ખરીદી ધુંબો માર્યો હતો. આરોપી ઘનશ્યામ પટેલ જસદણના વેપારીઓને ફોન કરી વિશ્વાસમાં લઇ માલ સામાનની ખરીદી કરતો હતો. આરોપીની પેઢીની ઓફિસે અશોક નામનો શખ્સ બેસતો હતો અને તે રાજકોટના ઘનશ્યામ પટેલ તથા પ્રદીપ સોની આ પેઢીના માલીક હોવાનું જણાવતો હતો. જસદણ પોલીસે આ ઠગ ટોળકીની શોધખોળ હાથ ધરી છે.

અહેવાલ- કરશન બામટા, આટકોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here