જાહેરમાં માસ્ક ઉતારી સિગારેટ પીતા યુવાન પાસેથી પોલીસે 1200 રૂપિયાનો દંડ વસુલ્યો

0
194

તમાકુ અધિનિયમ ભંગ બદલ 200 અને માસ્ક ન પહેરવા બદલ 1000 રૂપિયાનો દંડ વસુલ્યો

કોરોના વાયરસને લઈને રાજકોટમાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી જાહેરમાં માસ્ક ન પહેરનારા લોકો પાસેથી દંડ વસુલ કરવામાં આવી રહ્યો છે. આજે શહેરના કોઠારીયા મેઈન રોડ પર નિલકંઠ સીનેમા સામે ખોડિયાર હોટેલ પાસે મનિષ દેવળભાઈ ચૌધરી નામનો શખ્સ માસ્ક ઉતારી જાહેરમાં સીગારેટ પીતો હતો. આથી ભક્તિનગર પોલીસે તેની વિરૂદ્ધ તમાકુ અધિનિયમ અન્વયે તેમજ જાહેરનામા ભંગ મુજબ કાર્યવાહી કરી હતી. તમાકુ અધિનાયમ ભંગ અન્વયે 200 રૂપિયા અને માસ્ક ન પહેરવા બદલ 1000 રૂપિયા એમ 1200 રૂપિયાનો દંડ વસુલ્યો હતો. આમ રાજકોટમાં જાહેરમાં સીગારેટ પીવાનો પોલીસે પ્રથમ ગુનો નોંધાયો હતો.

કોરોના સંક્રમણને અટકાવવા પોલીસ સક્રિય
ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણ વધતું અટકાવવા માટે રાજકોટ શહેર પોલીસ પહેલેથી જ સક્રિય છે. શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા પણ અનેક વખત રાજકોટવાસીઓને અપીલ કરવામાં આવી છે કે લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે, લોકો માસ્ક ફરજીયાતપણે પહેરે. તેમજ કોરોના વધુ ન ફેલાય તે માટે જાહેર જગ્યામાં થૂંકવા પર પણ પાબંધી લાદવામાં આવી છે. તેમ છતાં અનેક બેજવાબદાર લોકો તંત્ર દ્વારા આપવામાં આવતી સુચનાનું પાલન ન કરીને અનેક લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે તો બીજી તરફ આવા લોકો દ્વારા કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે પોલીસ પણ આવા લોકોને આ નિયમના ભંગ બદલ ઝડપી પાડી તેમની પાસેથી દંડ વસુલી રહી છે

રાજકોટને સ્વસ્થ બનાવવા યુદ્ધના ધોરણે મહાનગરપાલિકાની કામગીરી
કોરોના વાયરસ સામે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા શ્રેણીબદ્ધ કામગીરી થઇ રહી છે. રાજકોટ શહેરને કોરોનામુક્ત કરવા માટે મનપા દ્વારા સઘન કામગીરી ઝુંબેશ ચાલી રહી છે. રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણની ચેઈન તોડવા મનપા દ્વારા ઘરે ઘરે જઈને સેવાઓ આપવામાં આવે છે. જેમાં 29 સપ્ટેમ્બરે 1031 સર્વેલન્સની ટીમ દ્વારા 44978 ઘરનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાંથી 33 વ્યક્તિઓને શરદી, ઉધરસ, તાવના લક્ષણો જોવા મળ્યા હતા અને તેમને સારવાર પણ આપવામાં આવી હતી. મનપા દ્વારા 50 ધન્વંતરી રથ કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં 29 સપ્ટેમ્બર રોજ સરેરાશ 225ની ઓ.પી.ડી. સહિત 11257 વ્યક્તિઓએ સેવાનો લાભ લીધો હતો. ઉપરાંત મનપાના આરોગ્ય કેન્દ્ર ખાતે 2493 વ્યક્તિઓની ઓ.પી.ડી. નોંધાઈ છે.

104 સેવામાં 185 ફોન આવ્યા
શહેરીજનો માટે શરૂ કરેલી 104 સેવા અંતર્ગત 29 સપ્ટેમ્બરે કુલ 185 ફોન આવ્યા હતા અને તમામ વ્યક્તિઓને સેવા ઉપલબ્ધ કરાવી છે. જેમાં ફોન કરનારને સરેરાશ માત્ર 50 મિનીટમાં સેવા ઉપલબ્ધ કરાવી હતી. આ જ રીતે 108 સેવામાં 66 ફોન આવ્યા હતા અને તેમાં પણ સરેરાશ માત્ર 17.55 મિનીટમાં સેવા ઉપલબ્ધ કરાવી હતી. હોમ ક્વોરન્ટીન રહેલા દર્દીમાં માટે મનપા દ્વારા કાર્યરત 30 સંજીવની રથ દ્વારા 28 સપ્ટેમ્બરના રોજ 1277 ઘરની હેલ્થ ચકાસણી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here