નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની જાહેરાત: મોટા મેદાનમાં ગરબાને મંજૂરી નહીં, શેરી ગરબાનો નિર્ણય અનલોક-5ની ગાઈડલાઈનના આધારે લેવાશે

0
184

ગુજરાતમાં આ વર્ષે વ્યાવસાયિક ધોરણે યોજાતા અર્વાચીન દાંડીયારાસને મંજૂરી આપવામાં આવશે નહીં. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે પત્રકારો સાથેની વાતચીતમાં આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે અનલોક-5ની ગાઈડલાઈનના આધારે શેરી ગરબાનો નિર્ણય લેવામાં આવશે.

મેદાનમાં હજારો લોકો દાંડીયા રાસ રમે તેમાં માસ્કના નિયમનો ભંગ થઈ શકે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મોટાપાયે અર્વાચીન દાંડીયારાસમાં જે રીતે હજારો લોકો એક મેદાનમાં એકત્ર થઈને નવરાત્રિ ઉજવણીનો આનંદ માણે છે તેમાં માસ્કના નિયમનો ભંગ થઈ શકે છે. સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાશે નહીં, તેથી નિષ્ણાંત તબીબોનો પણ અભિપ્રાય એ છે કે આ પરિસ્થિતિમાં કોરોનાનું સંક્રમણ ફેલાવાનો ખતરો વધી જાય છે અને તેથી નવરાત્રિ આયોજનને મંજૂરી આપવી જોઈએ નહીં. વ્યાવસાયિક ધોરણે દાંડીયારાસને મંજુરી મળવાની કોઈ શકયતા નથી. જો કે શેરી-ગરબીઓ જે યોજાય છે તેના પર હજુ નિર્ણય લેવાયો નથી.

સરકારનું વલણ સ્પષ્ટ છેઃ નીતિન પટેલ
નીતિન પટેલે આગળ જણાવ્યું કે અનલોક-5ની કેન્દ્રની માર્ગદર્શિકા આવશે તેના પરથી શેરી ગરબા અંગે નિર્ણય લેવાશે. પટેલની આ જાહેરાત સૂચક છે અને હવે અર્વાચીન રાસોત્સવ નહી યોજાય તે નિશ્ચિત થયું છે. સરકારે પણ દર વર્ષે જે યુનિવર્સિટી મેદાનમાં વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ યોજે છે તે પણ રદ કર્યા છે. આથી સરકારનું વલણ સ્પષ્ટ છે. હવે શેરી ગરબા અંગે હવે નિર્ણય લઈશું.

26 સપ્ટેમ્બરે સરકારે વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ રદ્દ કર્યો
અગાઉ રાજ્યના તમામ મોટા ગરબા આયોજકો ગરબા રમાડવાનો ઇનકાર કરી ચૂક્યા છે. દિવ્ય ભાસ્કરે આ સમાચાર 12 સપ્ટેમ્બરે પ્રસિદ્ધ કર્યા હતા. આ પછી જ ચર્ચા શરૂ થઈ હતી કે સરકાર શું નિર્ણય કરે છે? ત્યાર બાદ 26 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે કોરોનાના કારણે જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાનારા વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવને રદ કરાયો છે.

રાજકોટના સૌથી મોટા સહિયર અને સરગમ ક્લબ ગ્રુપ દ્વારા રાસોત્સવ નહીં યોજાય
રાજકોટમાં કોરોના સંક્રમણ વધવાના કારણે તાજેતરમાં જ શહેરના બે અર્વાચીન રાસ ગરબા સંચાલકોએ આ વર્ષે આયોજન રદ કરવાની જાહેરાત કરી છે. રાજકોટ મોટા ગણાતા સહિયર અને સરગમ ગ્રુપના સંચાલકો દ્વારા નવરાત્રિ રદની જાહેરાત કરી છે.

ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબા રદ
સમગ્ર ગુજરાતમાં જેની નામના છે એવી ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રી યોજાશે નહીં. ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાન્ત જહાએ થોડા દિવસ પહેલા આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, કોરોનાનું સંક્રમણ હજુ યથાવત છે, આવનારા સમયમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું ચૂસ્ત પાલન અનિવાર્યપણે કરવાનું છે. આવા સંજોગોમાં નાગરિકોની સલામતી એ આપણી પ્રાથમિકતા છે અને એટલે ગાંધીનગર કલ્ચરલ ફોરમે આ વર્ષે નવરાત્રી મહોત્સવ નહીં યોજવાનો નિર્ણય લીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here