રાજુલામાં 2 કલાકમાં પોણા ચાર ઈંચ, ખાંભામાં 1 કલાકમાં ત્રણ ઈંચ, બાબરા પંથકમાં 1 કલાકમાં બે ઈંચ, ગોંડલમાં 2 ઇંચ વરસાદથી યાર્ડમાં મગફળીની ગુણો પલળી

0
108
  • ધોધમાર વરસાદને કારણે ગોંડલ માર્કેટ યાર્ડના ગ્રાઉન્ડમાં પડેલી મગફળી પલળી, ખાંભાની ધતારવાડી નદીમાં પૂર, બાબરાના બજારમાં પાણી ઘૂસ્યા
  • કપાસ, મગફળી સહિતના પાકનો સોથ વળી જતા ખેડૂતોની દિવાળી બગડી
  • ગોંડલમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી બપોર બાદ વરસાદી માહોલ જામી રહ્યો છે. આજે સવારથી બપોર સુધી અસહ્ય બફારો અને ગરમીને કારણે લોકો કંટાળ્યા છે. ત્યારે બપોર બાદ ઉનાના વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા. શાકભાજી, મગફળી, કપાસ ડુંગળી સહિતના પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે. જ્યારે ગોંડલમાં યાર્ડના ગ્રાઉન્ડમાં રાખેલી મગફળી પલળી ગઈ છે. ખાંભામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી સ્થાનિક નદીઓમાં પૂર આવ્યું હતું. ખાંભાના નાનુડી, ઉમરીયા, નવા માલકનેશ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં એક કલાકમાં 1થી 3 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજુલામાં બે કલાકમાં પોણા ચાર ઈંચ વરસાદથી રસ્તા પર નદીની જેમ પાણી વહ્યું હતું. ગોંડલમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળી પલળી
ગોંડલ શહેર તેમજ ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો છે. સવારથી અંદાજે 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદ શરૂ થયો હતો. ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ગોંડલ પંથકના માહોલમોવિયા, નાના માંડવા, મોટા માંડવા, રામોદ, ડોડીયાળા, વાસાવડ સહિતના ગામોમાં ભારે વરસાદ વરસ્યો છે. રામોદમાં છેલ્લા એક કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. બીજી બાજુ સૌરાષ્ટ્રનું અગ્રિમ ગણાતું ગોંડલ માર્કેટ યાર્ડ કે જ્યાં સિઝન દરમિયાન મોટા પ્રમાણમાં મગફળીની આવક થતી હોય છે. ત્યારે છેલ્લા 2 દિવસમાં 90,000થી પણ વધુ ગુણીની આવક થઈ હતી. પરંતુ સાંજે ધોધમાર વરસાદને કારણે ગોંડલ માર્કેટ યાર્ડના ખુલ્લા ગ્રાઉન્ડમાં રાખેલી મગફળી પલળી ગઈ હતી. મગફળી પલળી જતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

ખાંભાની ધતારવાડી નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ

ખાંભાની ધતારવાડી નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ

ખાંભા પંથકમાં ઉપાડેલી મગફળી પલળી
ખાંભા પંથકમાં ચાર દિવસના વિરામ બાદ આજે ફરી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ચાર દિવસ સુધી વરસાદ ન વરસતા ખેડૂતોએ મગફળી ઉપાડવાની કામગીરી આરંભી હતી. પરંતુ આજે પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી નાખ્યું છે. ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ગોંડલ પંથકમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ખાંભા તાલુકા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદે તારાજી સર્જી છે. ખાંભામાં આવેલી ધતારવાડી નદીમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેને કારણે નદીકાંઠાના આસપાસના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખાંભા, પીપળવા, ગીદારડી, લાસા સહિત આસપાસના ગામોમાં ભારે વરસાદ ખાબક્યો છે.

ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા

ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા

બાબરા પંથકમાં બે ઈંચ વરસાદ
બાબરા પંથકમાં આજે પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. બાબરાના પાનસડા, થોરખાણ, ગરણી, ઘુઘરાળા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તેમજ ઉપાડેલી મગફળી પણ નિષ્ફળ ગઈ છે. બીજી તરફ કપાસમાં આવેલો નવો ફાલ પણ ભારે વરસાદને કારણે ખરી પડ્યો છે. બાબરા અને જંગવડ ગામ વચ્ચે એક કલાકમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત લાઠી શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસતા રોડ-રસ્તા પાણી પાણી થઈ ગયા હતા.ધારી પંથકમાં આજે બપોર બાદ અચાનક જ વરસાદી વાતાવરણ છવાયું હતું અને ધારીમાં છાંટા પડયા હતા. ધારીના ગોવિંદપુરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતોએ કાઢેલી મગફળીના પાથરા પલળી ગયા હતા. બાબરા તાલુકામાં પણ વરસાદ મન મૂકીને વરસ્યો છે. બાબરા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. ચમારડી ગામમાં ભારે વરસાદથી બજારોમાં પાણી ઘૂસ્યાં છે. સતત વરસાદથી મગફળી અને કપાસના વાવેતરને નુકસાન પહોંચવાની શક્યતા છે. જેને લઇને ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે.

ભારે વરસાદથી ખાંભામાં સ્થાનિક નદીમાં પૂર આવ્યું

ભારે વરસાદથી ખાંભામાં સ્થાનિક નદીમાં પૂર આવ્યું

સતત 40 દિવસ બાદ શેત્રુંજી ડેમના તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા
સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ પાંચ વર્ષ બાદ ઓવરફ્લો થયો અને ઉપરવાસમાં વરસી રહેલા વરસાદના પગલે ડેમમાં પાણીની આવક વધતા સતત 40 દિવસથી વધતા ઓછા પ્રમાણમાં દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા હતા. હવામાન વિભાગ દ્વારા આ મહિનાના અંતમાં ચોમાસું વિદાય લેશે તેવી આગાહી કરવામાં આવી છે. ત્યારે સતત 40 દિવસથી શેત્રુંજી ડેમના દરવાજા ખુલ્લા હતાં તે બંધ કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here