જામનગર: કોરોનાને ક્લિનબૉલ્ડ કરી સતત ચાર વખત પ્લાઝમા ડોનેટ કરનાર નીતિનભાઈ

0
303

જામનગર: કોરોનાને કારણે લોકોમાં ભય જોવા મળી રહ્યો છે ત્યારે જામનગરના નીતિનભાઈએ કોરોનાને ક્લિનબૉલ્ડ કરી સાજા-નરવા થયાં બાદ અન્ય લોકોને પ્રેરણા મળે તે માટે સતત ચોથી વખત પ્લાઝમા ડૉનેશન કરી અન્ય દર્દીઓ માટે નવો રાહ ચીંધ્યો છે.

જામનગરમાં સ્વામિનારાયણનગર વિસ્તારમાં રહેતાં અને એલઆઇસીના વિકાસ અધિકારી તરીકે કામ કરતાં નીતિનભાઈ સોનૈયા કોરોના સંક્રમિત દર્દી ખરા અર્થમાં કોરોના વોરિયર બન્યાં છે. જેઓએ કોરોનાની બીમારીને મ્હાત આપીને અન્ય કોરોના સંક્રમિત દર્દીઓની સારવારમાં મદદરુપ થવા માટે સતત ચોથી વખત જીજી હોસ્પિટલમાં પ્લાઝમા ડોનેટ કર્યું છે. જેનું જામનગરના કોરોના સેવિયર ગ્રુપ દ્વારા અદકેરું સન્માન કરવામાં આવ્યું છે.

જામનગરમાં સ્વામિનારાયણ નગરમાં રહેતાં અને એલઆઇસીના વિકાસ અધિકારી તરીકે કામ કરતાં નિતીન મણિલાલ સોનેયા (ઉ.વ. 51) કે જેઓ ગત 30મી જૂને કોરોના સંક્રમિત બન્યાં હતાં અને 14 દિવસની કોરોનાની સારવાર પછી તેઓ કોરોના ને મ્હાત આપીને ઘેર પરત ફર્યા હતાં.

ત્યાર પછી તેઓને જામનગરના જિલ્લા કલેકટર રવિશંકર દ્વારા પ્લાઝમા ડોનેટ કરવા માટેની અપીલ સાથેની ક્લિપ જોવા મળી હતી. જેનાથી પ્રેરાઈને સૌપ્રથમ જામનગરની જીજી હોસ્પિટલની બ્લડબેંકમાં પ્રથમ વખત પ્લાઝમા ડોનેટ કર્યા હતાં. તેના આધારે બે કોરોના સંક્રમિત દર્દીઓને પ્લાઝમા ચઢાવવામાં આવ્યાં હતાં. ત્યાર પછી તેઓને જીજી હોસ્પિટલના તજજ્ઞ તબીબો તરફથી સમજ આપવામાં આવતા પ્લાઝમા દર પંદર દિવસે ડોનેટ કરી શકાય છે તેવી માહિતી મળી હતી.

જેથી અત્યાર સુધીમાં તેઓએ સતત ચાર વખત પ્લાઝમા ડોનેટ કર્યા છે અને તેના આધારે કુલ આઠ કોરોના સંક્રમિત દર્દીઓને પ્લાઝમાનો ઉપયોગ કરી લેવામાં આવ્યો છે.

નિતિનભાઈ સોનૈયા કે જેઓ સમગ્ર સૌરાષ્ટ્રમાં એક માત્ર એવા કોરોના વોરિયર્સ છે, કે જેમણે સતત ચાર ચાર વખત પ્લાઝમા ડોનેટ કર્યું છે અને હજુ પણ તેઓ પ્લાઝમા ડોનેટ કરવા માટે તત્પર છે. જેથી તેઓને જામનગરના કોરોના સેવિયર ગ્રુપ દ્વારા સર્ટિફિકેટ અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

જામનગરના ઓર્થોપેડિક સર્જન ડો. કે.એસ. મહેશ્વરીની રાહબરી હેઠળ ચાલતાં કોરોના સેવિયર ગ્રુપના બીપીનભાઈ શેઠ, મોનાબેન શેઠ, ઉપરાંત બ્લડ બેન્કમાં પ્લાઝમાના દર્દીઓ ને ખૂબ જ સહાયક એવા જીજ્ઞાબેન તન્ના, વેપારી અગ્રણી બીપીનભાઈ કનખરા, કોર્પોરેટર કેતનભાઇ નાખવા, પત્રકાર ભરતભાઇ રાવલ વગેરેની ઉપસ્થિતિમાં નીતિનભાઈ સોનિયા નું સર્ટીફીકેટ અને બેઝ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

અહેવાલ:-સાગર સંઘાણી, જામનગર