અમદાવાદમાં M.sc આઈટી યુવકની લોકડાઉનમાં નોકરી ગઈ તો દેવું ભરવા વેબ સિરીઝ જોઈ કાકાના ઘરે લૂંટનો પ્લાન ઘડ્યો, CCTV ફૂટેજે ભાંડો ફોડ્યો

0
130
  • પહેલા બાઇક ચોરી, કપડાં બદલ્યા અને ત્યારબાદ ચોરીને અંજામ આપીને કપડાં બદલી નાખતો
  • CCTVમાં અડધા રસ્તા સુધી બાઇક દેખાતી પણ પછી પોલીસને માલૂમ પડ્યું કે આરોપી કપડાં અને બાઇક બદલતો હતો

કોરોનાનાં કારણે અનેક લોકોને પોતાની રોજગારી ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે એવા અનેક લોકો છે જે આ કપરા સમયમાં દેવા ભરવા માટે ખોટા માર્ગે વળી રહ્યા છે. જેમાં અમદાવાદની M.sc આઈટીનો અભ્યાસ કરેલો યુવાન લોકડાઉનમાં નોકરી ગુમાવી ચુક્યો હતો અને તેને હવે દેવું ભરવા માટે રૂપિયાની જરૂર હતી. આ યુવાનને રૂપિયા મેળવવા માટે કોઈ રસ્તો ન મળતા તેને વેબ સિરીઝ પરથી પ્લાન બનાવીને દૂરના કાકાના ઘરે લૂંટને અંજામ આપ્યો હતો. પરંતુ CCTV ફૂટેજે તેની લૂંટનો ભાંડો ફોડી નાંખ્યો હતો. આખરે પોલીસે આરોપીને પકડ્યા બાદ દરેક બાબત પરથી પડદો ઊંચક્યો છે.

લૂંટમાં યુવકે 3 વખત કપડાં બદલ્યા અને ચોરીનું બાઈક વાપર્યું
લોકડાઉન દરમિયાન 30 હજારનું દેવું ચૂકવવા માટે શહેરનો એક આઈટી એન્જિનિયર યુવક લૂંટારુ બની ગયો છે. યુવકના માથે દેવું થઈ જતા ચિંતામાં મુકાયેલા શખ્સે લૂંટને અંજામ આપ્યો હતો. CCTV ફૂટેજના આધારે સોલા પોલીસે લૂંટ કરનાર શખ્સની ગણતરીના કલાકમા ધરપકડ કરી છે. પોલીસને પણ લૂંટમાં ગોથે ચડાવનાર આ યુવક લૂંટ કરીને પોલીસથી બચવા માટે એક નહીં બે નહીં પરંતુ 3 વખત કપડાં બદલ્યા હોવાનું તેમજ લૂંટ માટે બાઈક પણ ચોરીનું વાપર્યું હતું.

સોલા પોલીસે લૂંટના આરોપીની ધરપકડ કરી
શહેરના સોલા વિસ્તારમાં આવેલા સોમવિલા બંગ્લોઝમાં 28 સપ્ટેમ્બરે લૂંટની ઘટના બની હતી. જેમાં ડોક્ટર પરિવારના સભ્યોને બંધક બનાવી છરીની અણીએ રૂપિયા 52 હજારની લૂંટ કરવામાં આવી હતી. લૂંટના બનાવની સોલા પોલીસે તપાસ કરી હતી અને CCTV ફૂટેજ સહિતના પૂરાવાના આધારે લૂંટના એક આરોપી નીરવ પટેલની ધરપકડ કરી છે. નીરવની પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી છે, જેમાં તેણે લૂંટ પહેલા એક બાઈકની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત લૂંટમાં પોલીસને ચકમો આપવા ત્રણ વખત કપડા પણ બદલા હોવાનું સામે આવ્યું છે.

આર્થિક સંકડામણના કારણે દૂરના કાકાના ઘરે લૂંટ કરી
નીરવ પટેલની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે, તેણે M.sc આઈટી સુધીનો અભ્યાસ કર્યો છે અને અગાઉ રિલાયન્સ ઇન્સ્યોરન્સમાં જોબ કરતો હતો. પરંતુ લોકડાઉન સમય આર્થિક સંકડામણ વધી જતા પોતાના દૂરના કાકાના ઘરે લૂંટનું કાવતરું રચ્યું હતું. એટલું જ નહીં લૂંટનું તમામ માર્ગદર્શન તેણે ક્રાઈમના પ્રોગ્રામો અને વેબ સિરીઝ જોઈ જોઈ મેળવ્યું હતું. તેના આધારે લૂંટ પહેલા અને લૂંટ બાદ આયોજનપૂર્વક બાઈક ચોરી કરી કપડાં બદલી લૂંટને અંજામ આપ્યો હતો. પોલીસને બાઈક ચોરી કરતા અને બનાવ બાદના CCTV મળતા પોલીસ આરોપી સુધી પહોંચી હતી.

મોજશોખથી જીવન જીવતા યુવાનને આર્થિક તંગીએ લૂંટારું બનાવ્યો!
પ્રેમ લગ્ન કરી સુખી જીવન જીવનાર અને ફરવાનો શોખીન નીરવ લોકડાઉન પહેલા એક સામાન્ય જીવન જીવતો હતો. પરંતુ લોકડાઉન સમયે સર્જાયેલી આર્થિક તંગીએ નીરવને એક કાવતરાખોર લૂંટારું બનાવી દીધો છે. એટલું જ નહીં રૂપિયાની જરૂરિયાત માટે તેણે લૂંટ જેવા ગંભીર ગુનાને અંજામ આપ્યો હતો. ત્યારે સવાલ એ છે કે, લૂંટની ઘટનામાં જવાબદાર નીરવ છે કે પછી લોકડાઉન બાદ સર્જાયેલી તેની આર્થિક તંગી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here