ઇન્જેક્શન વેચી નખાયા તો જેને આપવાના હતા તે દર્દીનું શું થયું હશે?, તપાસમાં વિસરાતો મુદ્દો

0
127
  • સિવિલમાં રેમડેસિવિર ઇન્જેક્શન દર્દી સુધી પહોંચાડવા સિસ્ટમ બનાવાઇ હતી, તેનો ભંગ થયો
  • તબીબની ભલામણ વગર ઇન્જેક્શન સ્ટોરમાંથી નીકળે જ નહીં, ડોક્ટરની સંડોવણીની શંકા

કોરોનાના દર્દીને અપાતા રેમડેસિવિર ઇન્જેક્શનની સિવિલ હોસ્પિટલના હંગામી કર્મચારીએ ચોરી કરી તેને કાળાબજારથી વેચ્યા હતા, આ મામલામાં પોલીસે યુગલ સહિત પાંચની ધરપકડ કરી હતી, સિવિલના કોરોનાવોર્ડમાં દાખલ દર્દીને રેમડેસિવિર અને ટોસિલિઝુમેબ ઇન્જેક્શન આપવાના હોય તો તેની સિસ્ટમ બનાવવામાં આવી છે, ત્યારે ઇન્જેક્શનની ચોરી કરનાર નર્સિંગ બોયની કેફિયત શંકાસ્પદ છે. દર્દીના નામે જ ઇન્જેક્શન સ્ટોરરૂમમાંથી નીકળ્યા હતા તો ચોરી થયેલા ઇન્જેક્શન દર્દીને અપાયા નહોતા?, જે દર્દીના નામે ઇન્જેક્શન ઇશ્યૂ થયા હતા તે દર્દીનું શું થયું? તે તપાસનો વિષય બન્યો છે.

ઇન્જેક્શન ચોરીના ગુનામાં ઝડપાયેલા સિવિલ હોસ્પિટલના નર્સિંગ બોય હિમત કાળુ ચાવડાએ પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી કે, પોતે સિવિલના કોવિડ-19ના વિભાગના ચોથામાળે એ વિંગમાં ફરજ બજાવતો હતો, રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂરિયાત હતી તેના કરતા વધારે ઇન્જેક્શનની જરૂરિયાત છે તેવી ચિઠ્ઠી લખી વોર્ડના એડમિન પાસેથી વધારાના પાંચ ઇન્જેક્શન મેળવ્યા હતા અને તે ઇન્જેક્શન વેચી દીધા હતા. પોલીસે હિમત ચાવડાની વાત માન્ય રાખી તપાસ પૂર્ણતા તરફ લઇ જવામાં આવી રહી છે, બીજીબાજુ દિવ્ય ભાસ્કરની ટીમે સિવિલ હોસ્પિટલના સત્તાધીશો સાથે વાત કરતા નવી જ હકીકત બહાર આવી હતી.

સિવિલના કોરોના વોર્ડમાં દાખલ દર્દીને રેમડેસિવિર કે ટોસિલિઝુમેબ ઇન્જેક્શન આપવાની જરૂરિયાત હોય તો ડોક્ટર દ્વારા દર્દીના કેસ પેપરમાં તે લખવામાં આવતું હતું અને તેના આધારે દર્દીના નામજોગ સ્ટોરરૂમમાંથી ઇન્જેક્શન ઇશ્યૂ કરવામાં આવે છે, નર્સિંગ બોય હિમત ચાવડાએ જે પાંચ ઇન્જેક્શન ચોરી કર્યા હતા તે પાંચેય ઇન્જેક્શન ચોક્કસ દર્દીના નામે જ સ્ટોરરૂમમાંથી ઇશ્યૂ કરવામાં આવ્યા હતા, તો જે દર્દીને રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂરિયાત હતી તેને આપવાને બદલે નર્સિંગ બોય હિમત ચાવડા બારોબાર ઇન્જેક્શન ઉઠાવી ગયો હતો?, ડોક્ટરની સહમતી વગર હંગામી કર્મચારી આવું કૌભાંડ આચરી શકે તે બાબત શંકાસ્પદ છે તો ડોક્ટરની પણ વરવી ભૂમિકા હોય શકે, અને જે દર્દીને ઇન્જેક્શન આપવાના હતા તે દર્દીને ઇન્જેક્શન અપાયું નહોતું તો તે દર્દીની હાલત શું છે?, હાલમાં એ દર્દી ક્યાં છે? સહિતના મુદ્દે તપાસ કરવામાં આવે તો ઇન્જેક્શન ચોરીના મસમોટા કૌભાંડનો પર્દાફાશ થઇ શકે.

આ સિસ્ટમથી ઈન્જેકશન દર્દી સુધી પહોંચે છે

  • કોરોના વોર્ડમાં દાખલ દર્દીને રેમડેસિવિર ઇન્જેક્શન આપવાની જરૂરિયાત ફરજ પરના ડોક્ટરને લાગે તો એ ડોક્ટર દર્દીના કેસ પેપર પર રેમડેસિવિર ઇન્જેક્શન આપવું તેવી નોંધ કરે છે.
  • ડોક્ટરની નોંધ બાદ ફરજ પરના નર્સિંગ સ્ટાફ દ્વારા એ દર્દીનું નામ, બેડ નંબર, અને દર્દીના આધારકાર્ડ સહિતની વિગતો સાથેનું ફોર્મ હોસ્પિટલના સ્ટોરરૂમમાં પહોંચાડે છે.
  • વોર્ડમાંથી નિયત ફોર્મમાં આવેલી વિગતો ચકાસ્યા બાદ સ્ટોરરૂમમાંથી દર્દીના નામજોગ ઇન્જેક્શન વોર્ડમાં પહોંચાડવામાં આવે છે.
  • ઇન્જેક્શનના બોક્સ પર પણ દર્દીનું નામ લખવામાં આવે છે.
  • દર્દીના નામવાળુ ઇન્જેક્શનનું બોક્સ નર્સિંગ સ્ટાફ સંભાળે છે અને ડોક્ટરે આપેલી સૂચના મુજબ દર્દીને ઇન્જેક્શન આપવામાં આવે છે.
  • જ્યારે કોઇ સંજોગોમાં દર્દીને ઇન્જેક્શન આપવામાં આવ્યું ન હોય તો તેની પણ નોંધ કરીને એ ઇન્જેક્શન સ્ટોરરૂમમાં પરત આપવામાં આવે છે.
  • ડોક્ટરની ભલામણ અને દર્દીના આધારકાર્ડ વગર ઇન્જેક્શન સપ્લાય થતું નથી.

ચોરી કરનારે કહ્યું તે પોલીસે માની લીધું
ઇન્જેક્શન ચોરી અને તેના કાળાબજારના ગુનામાં ક્રાઇમ બ્રાંચની ટીમે સિવિલ હોસ્પિટલના નર્સિંગ બોય હિમત ચાવડાની ધરપકડ કરી તેને રિમાન્ડ પર લીધો હતો, આરોપી હિમતે કેફિયત આપી હતી કે, જરૂરિયાત હતી તેના કરતા વધુ ઇન્જેક્શનની જરૂરિયાત બતાવી વધારા ઇન્જેક્શન મેળવી લઇ પાંચ ઇન્જેક્શનની ચોરી કરી હતી, પરંતુ ક્યાં દર્દીના નામે સ્ટોરરૂમમાંથી ઇન્જેક્શન નીકળ્યા હતા?, તે ઇન્જેક્શન દર્દીને અપાયું હતું કે નહીં?, જો નહોતું અપાયું તો તે દર્દીનું શું થયું? સહિતના મુદ્દે પોલીસે તપાસ કરવાનું ટાળ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here