જેતપુરના ઇતિહાસવિદ જીતુભાઇ ધાંધલે ખાસ ‘ન્યુઝ અપડેટ’ સાથે દુર્લભ તસ્વીર શેર કરી.
દુનિયાભરમાં સાડીના ઉદ્યોગથી ખ્યાતિ મેળવનાર જેતપુર શહેર, ઇતિહાસમાં મોહનદાસ કરમચંદ ગાંધી સાથે પણ જોડાયેલું હશે તેવું કદાચ આજની પેઢીને અંદાજ સુધ્ધા નહીં હોય. હાલ જેતપુરનું નવાગઢ તે સમયનું દિલાવરગઢ હતું ત્યાં મહાત્મા ગાંધી આઝાદીપૂર્વે કસ્તુરબા અને તેના અંગત સાથીઓ સાથે ઉતર્યા હતા અને જેતપુરના મહેમાન બન્યા હતા. જૂનાગઢના નવાબના તાબા હેઠળનું દિલાવરગઢ ગામ એટલે હાલનું નવાગઢ જ્યાં બાપુ ત્યાંના રેલવે સ્ટેશને ઉતર્યા હતા.તે સમયની રજવાડાની વાત કરીએ તો રબારીકા,મંડલીકપુર,ઝાલાનસર,માખીયાળા,રાજગોરવાળી,વાવડી,ખજૂરી ગુંદાળા, વાડાસડા, મોણપર, સેલુકા, પાંચ પીપળા,લુણાગરી, પ્રેમગઢ અને પેઢલા દિલાવરગઢના તાબામાં આવતા હતા.

આ પ્રસંગની રસપ્રદ વાત કરતા જેતપુરના જાણીતા ઇતિહાસવિદ અને ‘એક હતો ભુપત’ પુસ્તકના લેખક જીતુભાઇ ધાંધલ જણાવે છે કે જ્યારે મોહનદાસ ગાંધી આફ્રિકાની લડત પુરી કરીને સ્વદેશ પાછા ફર્યા ત્યારે મુંબઈ રેલવે માર્ગે કાઠિયાવાડ આવ્યા હતા. તારીખ ૨૧ જાન્યુઆરી ૧૯૧૫ના દિવસે મહાત્મા ગાંધી, કસ્તુરબા ગાંધી અને બેરિસ્ટર શુક્લ એટલે કે દલપતરામ ભગવનજી વગેરે દિલાવરગઢ રેલવે સ્ટેશને ઉતર્યા હતા. જેના સ્વાગતમાં જેતપુરના રાજવી શ્રી મુળુવાળા સુરીગવાળા (C.I.E), સ્વછતાના હિમાયતી જેતપુરના ડો. દિનશા બરજોરજી,દેવચંદ પારેખ સહિત મોટી સંખ્યમાં નાગરિકોએ તેમનું સ્વાગત કર્યું હતું.
જેતપુરના દેવચંદભાઈના પિતા ઓતમચંદ કામદારની મેડીવાળા સ્થળે ગાંધીજી,કસ્તુરબા,બેરિસ્ટર શુક્લ અને સાથીઓ સાથે રાત્રી રોકાણ કર્યું હતું. હાલનું લાદી રોડ પર આવેલું સંત કંવરરામ મંદિર તે સમયની ઓતમચંદ કામદારની મેડી તરીકે ઓળખાતી હતી જ્યાં ગાંધીજીએ રાત વાસો કર્યો હતો. હજારો વાર જેતપુર વાસીઓ આ ઐતિહાસિક સ્થળ પાસેથી પસાર થયા હશે પણ ઇતિહાસથી અજાણ લોકોને કદાચ સપને પણ ખ્યાલ નહિ હોય કે આ તે જ જગ્યા છે કે જ્યાં ગાંધી રોકાયા હતા.
અહેવાલ- રાહુલ વેગડા, જેતપુર