ગેંગરેપ પીડિતાના ભાઈએ સંતાઈને ફોન કર્યો, કહ્યું- અમારો આખો પરિવાર નજરકેદ છે, અમે ઘરમાંથી બહાર નીકળી શકતા નથી, બાથરૂમ પણ જવા દેતી નથી પોલીસ

0
382
  • પીડિતાના ભાભીએ કહ્યું, અમારા પરિવારને કોઈ રિપોર્ટ આપ્યો નથી, ના મેડિકલ રિપોર્ટ કે ન તો પોસ્ટમાર્ટમ રિપોર્ટ, અમને કહેવામાં આવ્યું છે કે કોઈ રિપોર્ટ આવશે તો તમે લોકો તો વાંચી જ નહીં શકો
  • પરિવારે કહ્યું, અમે રાતે અંતિમ સંસ્કાર અંગે ચર્ચા કરી તો DM અમને સમજાવવા લાગ્યા, પોસ્ટમાર્ટમ કેવી રીતે થાય છે, માથામાં હથોડા મારે છે, માથું ફોડી દે છે

ગત રાતે પીડિતાના ભાઈએ પોલીસથી સંતાઈને અમને ફોન કર્યો. તેનો અવાજ દબાયેલો હતો. જાણે તે કંઈક કહેવા માગતો હોય, પણ કહી ન શક્યો. અચાનક ફોન કપાઈ ગયો. થોડીક વાર પછી અમે ફરીથી બીજા નંબર પર ફોન કર્યો તો તેણે કહ્યું, અમારો પરિવાર નજરકેદ છે. અમને ઘરમાંથી નીકળવા દેતા નથી. બાથરૂમ સુધી નથી જઈ શકતા. કોઈની સાથે વાત નથી કરી શકતા. તંત્ર અમારી પણ દબાણ કરી રહ્યું છે.

પીડિતાના ગામને હવે સીલ કરી દેવાયું છે અને SIT સિવાય કોઈને પણ અહીં જવાની મંજૂરી નથી. મીડિયાને પણ ગામથી દૂર કરી દેવાયું છે.

ફોન પર વાત કરતાં કરતાં પીડિતાનાં ભાભીએ જણાવ્યું, DM સાહેબ કલાક-બે કલાક અહીં બેઠા અને ડરાવતા-ધમકાવતા રહ્યા. તેઓ અમને એટલું ડરાવી રહ્યા હતા કે હવે અમને તેમનાથી બીક લાગવા માંડી છે. તેઓ આડી વાતો કરી રહ્યા હતા. અમે કંઈક કહેવા માગીએ તો ખખડાવી નાખતા હતા. ગઈકાલે પપ્પાને અહીંથી ઉઠાવીને લઈ ગયા હતા અને તેમને કહ્યું કે મીડિયાની સામે એવું કહી દો કે હવે બધું બરાબર છે અને કોઈ દબાણ નથી. પીડિતાના ભાભીનું કહેવું હતું કે DM એવી ધમકી પણ આપીને ગયા છે કે કેસ પરિવાર પર ઊંધો પણ પડી શકે છે.

પીડિતાનાં ભાભીએ DMને મૃતદેહને રાતે સળગાવી દેવા અંગે ચર્ચા પણ કરી. તેમણે જણાવ્યું હતું કે અમારી દીકરીના મૃતદેહને રાતે શા માટે સળગાવી દેવામાં આવ્યો, અમને બતાવ્યો શા માટે નહીં તો તેમણે કહ્યું, બોડીનું પોસ્ટમાર્ટમ થયું હતું, બોડી એટલી ખરાબ થઈ ચૂકી હતી કે તમે જોઈ ના શકત.

તેમણે જણાવ્યું હતું કે જ્યારે મેં તેમને કહ્યું, અમે કેવી રીતે ન જોઈ શકીએ, તેમણે કહ્યું, તમે લોકો પોસ્ટમાર્ટમનો અર્થ પણ સમજો છો કે નહીં? તેઓ અમને અર્થ સમજાવી રહ્યા હતા કે પોસ્ટમાર્ટમ કેવી રીતે થાય છે. માથામાં હથોડા મારે છે, માથું ફોડી નાખે છે, બધું કાઢી લે છે. ગળાથી માંડી પેટ સુધી બધું ચાકુ વડે કાપી નાખી છે. બોડી પેક હતી એને ખોલીને બતાવત તો કેટલી મુશ્કેલી થાત.

પીડિતાના ગામમાં મીડિયાવાળા પહોંચીને પરિવારની હાલત પૂછી રહ્યા છે, જોકે પોલીસ તેમને ગામમાં આવવાથી પણ રોકી રહી છે.

પીડિતાના ગામમાં મીડિયાવાળા પહોંચીને પરિવારની હાલત પૂછી રહ્યા છે, જોકે પોલીસ તેમને ગામમાં આવવાથી પણ રોકી રહી છે.

તે જણાવે છે, DM કહી રહ્યા હતા કે પહેલી વાત તો દુષ્કર્મ થયું જ નથી અને જો તો કોરોનાથી મરી જાત તો તમને વળતર મળત? એ લોકો એવી વાતો કરી રહ્યા હતા જાણે આપણે કોઈ માણસના મરવાની રાહ જોઈ રહ્યા હતા. આવી ઘટના પછી અમને તેમના વળતરની જરૂર છે? જો તેમની પોતાની દીકરી હોય અને તેની સાથે આવું થાત તો શું તે વળતર લેત? જ્યારે મેં તેમને આ વાત કહી તો ઉશ્કેરાઈ ગયા, અમને ખખડાવવા લાગ્યા.

વળતર નહીં, ન્યાય જોઈએ છે…
પીડિતાની ભાભી કહે છે, આજે બે લોકોને મોકલ્યા હતા અમારા ઘરે સમજાવવા માટે. તેો કહી રહ્યા હતા કે અમે તમારી જાતિના નથી, હાલ જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે. જે હાલ મળી રહ્યું છે એ લઈ લો, પછી નહીં મળે. આગળ કંઈ થશે કે નહીં એની પણ ખબર નથી.

જ્યારે મેં તેમને પૂછ્યું કે શું સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા પચ્ચીસ લાખ રૂપિયાનું વળતર પરિવારને મળી ગયું છે તો જવાબમાં જણાવ્યું, અમારા ઘરની બહાર કોઈ આવતું જતું નથી તો અમને કેવી રીતે ખબર પડશે. અમે તો સરકાર પાસે પૈસા નહોતા માગ્યા. અમારી તો બસ એક જ માગ હતી કે તે લોકોને ફાંસીની સજા આપો અને યોગ્ય ન્યાય મળે. આ ઉપરાંત પૈસા, મકાન અથવા આ બધું અમે ક્યારેય નથી માગ્યું, તેમને આ બધું પપ્પા સામે મૂકી દીધું અને પપ્પા પાસેથી હસ્તાક્ષર કરાવી લીધા છે. ઘણા બધા લોકોની વચ્ચે ઊભા કરીને પપ્પા પર દબાણ કરીને આ બધું કરાવવામાં આવ્યું હતું.

મેડિકલ રિપોર્ટ પર સવાલ
યુપી પોલીસના ADG પ્રશાંત કુમારે એક નિવેદનમાં કહ્યું હતું કે મેડિકલ રિપોર્ટમાં દુષ્કર્મ અથવા યૌન હિંસાની પુષ્ટિ થઈ નથી. પરિવારનું કહેવું છે કે તેમને મેડિકલ રિપોર્ટ પર વિશ્વાસ નથી. પીડિતાની ભાભી કહે છે, ‘પોસ્ટમાર્ટમ રિપોર્ટ, હોસ્પિટલનો રિપોર્ટ, બધું બદલી દેવાયું છે. અમને એક રિપોર્ટ પણ આપવામાં આવ્યો નથી. ના મેડિકલ રિપોર્ટ, ના તો પોસ્ટમાર્ટમ રિપોર્ટ. અમને કહેવામાં આવ્યું છે કે કોઈ રિપોર્ટ આવશે તો તમે લોકો તો વાંચી પણ નહીં શકો, અમારા પરિવારને તો ગાંડો જ સમજી રહ્યા છે’

પીડિતાના ભાઈએ જણાવ્યું, સફદરગંજ હોસ્પિટલમાં અમારી સામે પોસ્ટમાર્ટમ થાત અને અમારી આંખો સામે જે રિપોર્ટ મળત તો એની પર જ અમે વિશ્વાસ કરત, પરંતુ અમને તો સામેલ જ નહોતા કર્યા. હવે રિપોર્ટ પર કેવી રીતે વિશ્વાસ કરી લઈએ? અમને કહેવામાં આવ્યું હતું કે અમને રિપોર્ટ મળશે, પણ તેમણે હજી નથી આપ્યો. સીધું મીડિયામાં જણાવી દીધું કે દુષ્કર્મ નથી થયું, એટલે કે જે નિવેદન આપ્યાં એ ખોટાં હતાં, મરી રહેલો માણસ ખોટું બોલી રહ્યું હતું.?

ભારે પોલીસની હાજરથી પરિવાર પરેશાન થઈ ગયો છે

પીડિતાના ગામમાં ભારે સંખ્યામાં પોલીસદળ તહેનાત છે.

પીડિતાના ગામમાં ભારે સંખ્યામાં પોલીસદળ તહેનાત છે.

પીડિતાના ભાભીએ કહ્યું, સવારથી મારી ત્રણ દીકરી રડી રહી હતી. એક વખતમાં દસ પોલીસવાળા આવી રહ્યા હતા. આંગણામાં પોલીસ જ પોલીસ હતી, ધાબા પર પણ પોલીસ જ પોલીસ. બહાર ગેટની બહાર પણ પોલીસ. તેઓ કહી રહ્યા હતા કે ઘરેથી વિડિયો બનાવીને બહાર જઈ રહ્યો છે. અમે શા માટે વિડિયો બનાવીશું. અમને કહીને ગયા છીએ કે જે વિડિયો બનાવશે તેની પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

આટલા દિવસથી અમે દુર્ઘટનાને કારણે ખાવાપીવાનું બનાવી શકતા નથી. હવે જે સગાં-વહાલાં આવ્યાં છે તેમને પણ સવારનું જમવાનું સાંજે ત્રણ વાગ્યે મળી રહ્યું છે, એ પણ તો માણસ છે. અમે લોકો નથી ખાતા, વાંધો નહીં, પણ તેમને તો કરીને આપો. રાતનું જમવાનું બાર વાગ્યે મળે છે, એ કેવી રીતે ચાલશે?

ગામ છોડીને જવા માગે છે પરિવાર
પીડિતાના ભાભીએ કહ્યું, અમારે ગામ છોડીને હવે જવું જ પડશે. દુનિયા વિશાળ છે, ક્યાંય પણ રહીશું. ભીખ માગીને પણ રહેવું પડશે તો રહીશું. આમ પણ લોકો ધમકીઓ આપી રહ્યા છે. નાના દિયર માટે કહે છે કે એક ઘરેથી દીકરો જશે તો બીજા ઘરેથી પણ જશે.

આખા પરિવારનો કોરોના ટેસ્ટ કરાવવા માગે છે તંત્ર
તંત્રએ ત્રણ પોલીસકર્મીઓમાં કોરોનાનાં લક્ષણ જોયા પછી ગામને ક્વોરન્ટીન કરી દીધું છે. સાથે જ પીડિતાના પરિવારનું કહેવું છે કે તંત્ર આખા પરિવારનો કોરોના ટેસ્ટ કરાવવા માટે ભાર આપી રહ્યું છે. પીડિતાની ભાભીએ કહ્યું, કોરોના તપાસવાળા લોકો ગઈકાલે પણ આવ્યા હતા, આજે પણ આવ્યા હતા અને આવતીકાલે પણ આવશે. કહી રહ્યા હતા તમારું આખું ઘર સેનિટાઈઝ કરાશે, તમામનો કોરોના ટેસ્ટ કરાવી લો. અમને કહ્યું કોઈને કોરોના નથી થયું. તેમનો હેતુ છે કે કોઈને પણ કોરોના જાહેર કરી દે પછી તો ઘરે અમારું જ રાજ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here