કોરોનાએ 7 દર્દીના 70 ટકા ફેફસાં ડેમેજ કરી નાખ્યા ત્યાં સુધી લક્ષણો દેખાયાં જ નહીં: લોહીની નળીમાં ગઠ્ઠા જામી જતાં 3ને લકવાની અસર

0
333
  • ડો. તેજસ કરમટા, ડો. જયંત મહેતા અને ડો. અર્ચિત રાઠોડ

રાજકોટમાં કોરોનાનો પ્રથમ કેસ માર્ચ મહિનામાં આવ્યો હતો અને ત્યારથી અત્યાર સુધીમાં શહેર અને જિલ્લા સહિત 9000 કરતા વધુ કેસ વધી રહ્યા છે. પહેલા તાવ શરદી અને ગળામાં બળતરા જેવા લક્ષણો હતો પછી સ્વાદ અને ગંધ ન આવવી તે મુશ્કેલી આવી હતી પણ અત્યારે તો કદી ન આવી હોય તેવી નબળાઈ, હૃદયના ધબકારા અનિયમિત થવા, માથાનો દુ:ખાવો પણ થાય છે. કેટલાક કિસ્સાઓમાં તો કોરોનાનો ચેપ ફેફસાને 70 ટકા સુધી ડેમેજ કરી નાંખે ત્યાં સુધી દર્દીને ખબર પણ રહેતી નથી. કોરોનાની સારવારમાં અગ્રતા ધરાવતા તબીબો ડો. તેજસ કરમટા, ડો. જયંત મહેતા અને ડો. અર્ચિત રાઠોડે આ બધી બાબતો પોતાના અનુભવના આધારે જણાવી છે.

ફેફસામાં કોરોનાની અસર ક્યાં સુધી લાગે છે તેમજ ટીબીથી કઈ રીતે અલગ છે તે સમજો
ચારેય બાજુ અસરઃ 
કોરોના દર્દીના ફેફસાંમાં જે સફેદ ડાઘા દેખાય છે તે ડેમેજ થયેલો ભાગ છે.
90 ટકા ફેફસાં ફેલઃ આ દર્દીના ફેફસાંમાં ન્યૂમોનિયાના ઘણા પેચ દેખાય છે. 90 ટકા સુધી ફેફસાં ડેમેજ થતાં કામ કરતા બંધ થયા છે. આવી સ્થિતિમાં દર્દી દાખલ થાય તો બચવાના ચાન્સ ખૂબ ઓછા છે.
ટીબીઃ ફેફસાંમાં ડાબી બાજુ જે સફેદ ભાગ છે તે ઈન્ફેકશન છે. બીજે દેખાતું નથી. ટીબીમાં એક જ જગ્યાએ ડેમેજ થાય છે.

70 ટકા ફેફસા ડેમેજ થાય પછી દર્દી આવે છે, પગની નળીઓ પણ જામી જાય છે
કોરોનામાં ફેફસા ડેમેજ થઈ ગયા સુધી કોઇ લક્ષણો જ હોય તે પહેલા સાંભળ્યું જ હતું પણ હવે તો જોવા મળી રહ્યું છે. હાલમાં એવા 7 તો સારવાર લઈ રહ્યા છે જેમને સામાન્ય ખાંસી આવતી હતી ઓક્સિજન પણ નોર્મલ હતું સિટી સ્કેન કરતા ખબર પડી કે 70 ટકા ફેફસા ડેમેજ છે. આવા દર્દીઓને પછી એકદમથી માયોકાર્ડિટીસ એટલે કે હૃદયની નળી બ્લોક થઈ જતા હુમલા આવે છે. આ ઉપરાંત બીજી સમસ્યા થતા રિકવર થઈ શકતા નથી. એક દર્દી તો 90 ટકા ડેમેજ ફેફસા સાથે આવ્યા હતા. આ ઉપરાંત થ્રમ્બોસિસ એટલે કે શરીરના અલગ અલગ અંગોમાં લોહી પહોંચાડતી નળીઓમાં લોહીના ગઠ્ઠા થઈ જાય છે. પગની નસમાં થાય તો પગ કામ કરવાના બંધ કરે છે લકવો પણ લાગી જાય છે. – ડો. અર્ચિત રાઠોડ

કદી ન અનુભવેલી નબળાઈ આ રોગમાં જોવા મળી છે
સામાન્ય બીમારીઓમાં જે નબળાઈ આવે છે તેના કરતા વધુ અને કદી ન અનુભવી હોય તેવી નબળાઈવાળા કેસ આવી રહ્યા છે. તેનું કારણ છે કે શરીરમાં ઓક્સિજન ઘટતું હોય છે. જો કોઇ એમ કહે કે બહુ નબળાઈ છે તો કોરોનાની તપાસ કરાવવી. છેલ્લા 10 દિવસમાં આવા ઘણા દર્દી આવ્યા. બીજી તરફ પહેલા લોકોને તાવ બહુ આવતો હવે તાવ નથી આવતો એકાદ દિવસ જ આવે છે. જ્યારે સિટી સ્કેન થાય ત્યારે જ ઘણામાં ખબર પડી જાય છે. કેમ કે ન્યૂમોનિયા, ટી.બી. કે પછી અન્ય બેક્ટેરિયલ ઈન્ફેક્શન હોય તો ફેફસાના ઉપરના ભાગ, નીચે અથવા તો વચ્ચે પેચ જોવા મળે છે. કોવિડની ટિપિકલ પેટર્ન જોવા મળી છે કે ફેફસાના ચારે બાજુ ન્યૂમોનિયાના પેચ જોવા મળે છે, બધી બાજુ કવર થાય તો કોરોના જ હોય છે. – ડો. જયંત મહેતા

ઈન્ફેક્શન પછી પગ ખોટા પડવા, લકવાની અસર જોવા મળી
કોરોનામાં ઘણા લક્ષણો જેવા કે તાવ, શરદી, ગળામાં બળતરા, ઝાડા, સ્વાદ કે ગંધ ન આવવી તે બધી બાબતો તો જોવા મળે છે પણ હવે અલગ અલગ અસર પણ દેખાઈ છે. જેમ કે અમુક કિસ્સાઓમાં જ્ઞાનતંતુઓ પર અસરને કારણે બે પગ ખોટા પડી જાય છે જેને જીબીએસ પણ કહેવાય છે. આ ઉપરાંત લકવો લાગી જવો. જે દર્દી સામાન્ય લક્ષણો ધરાવતા હોય અને હોમ આઈસોલેટ હોય તેવા દર્દીઓને પણ લકવો થાય છે. કોવિડની સમસ્યા સાથે જે લોકો આવે છે તેમાં 10માંથી 2 કે 3 લોકો એવા નીકળે છે કે જેમાં કોરોના નહીં પણ બીજુ ઈન્ફેક્શન નીકળે છે. કોરોનાના સિટી સ્કેનમાં અલગ પેટર્ન હોય છે જેને ગ્લાસ પેટર્ન ઓપેસિટી કહેવાય છે. બીજુ એ જોવા મળે છે કે ઘરમાં કોઇ એક વ્યક્તિને કોરોના પોઝિટિવ આવે તો અન્ય 4માંથી 2 સભ્યોને કોઇ લક્ષણ ન હોય તો પણ પોઝિટિવ નીકળે છે. – ડો. તેજસ કરમટા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here