રાજકોટમાં બનેલું ધમણ વેન્ટિલેટર કોરોના માટે નિષ્ફળ, ચોંકાવનારો ખુલાસો !!

0
660

અમદાવાદ. રાજકોટમાં બનેલા સ્વદેશી વેન્ટિલેટર ધમણ-1 કોરોનાના દર્દીઓની સારવાર માટે અસરકારક નહીં હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગુરુવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી, જેમાં સિવિલના તબીબો દ્વારા આ અંગે લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને જણાવાયું હતું કે, ધમણ-1 અને એજીવીએ વેન્ટિલેટરનો કોવિડ-19ના દર્દીઓમાં ધાર્યુ પરિણામ મળી શકતું નથી. આથી સિવિલની 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં 50 અને કિડની હોસ્પિટલ માટે 50 એમ કુલ 100 હાઈ-એન્ડ આઈસીયુ વેન્ટિલેટરની તાત્કાલિક જરૂરિયાત હોવાથી તે ફાળવવામાં આવે.
એક્સપર્ટની સલાહ લીધા વગર જ ઇનસ્ટોલ થયા હતા
1200 બેડની કોવિડ હોસ્પિટલમાં હાલ 75 ધમણ-1 વેન્ટિલેટર કાર્યરત છે. આ વેન્ટિલેટર ઉપર કોરોનાના ગંભીર દર્દીઓને મૂકતાની સાથે તેમનું મૃત્યુ નીપજતું હોવાનું ડૉક્ટરોના ધ્યાને આવ્યું હતું. આ અંગે તબીબોમાં અંદરો અંદર ક્યારનો ગણગણાટ શરૂ થઈ જ ગયો હતો, પણ કોઈ અત્યાર સુધી બોલવા તૈયાર નહતું. આરોગ્ય વિભાગના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે, નિષ્ણાત તબીબોના અભિપ્રાય વગર જ ધમણ-1ને સરકારી હોસ્પિટલમાં ઈન્સ્ટોલ કરાયા હતા. ચર્ચા એવી પણ છે કે, ધમણ-1 વેન્ટિલેટરને ટ્રાયલ માટે અહીં ઉપયોગમાં લેવાયા હતા. સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 350થી વધુ મૃત્યુ થયા છે. મહત્વનું છે કે, રાજકોટની એક કંપનીએ ફકત 10 દિવસમાં જ ધમણ-1 વેન્ટિલેટર તૈયાર કર્યું હતું અને હવે એડવાન્સ ધમણ-2 અને ધમણ-3 પણ તૈયાર થવાનું છે. ધમણ-1ની કિંમત આશરે એક લાખ રૂપિયા છે જ્યારે સામાન્ય વેન્ટિલેટરની કિંમત આશરે સાત લાખ હોય છે, પરંતુ હવે સિવિલ હોસ્પિટલના તબીબોએ ધમણ-1ને રિજેક્ટ કર્યું છે.
સપોર્ટિવ ટ્રિટમેન્ટ જ આપી શકાય
સિવિલના સુપરિન્ટેડેન્ટ ડૉ. જે.પી. મોદીના જણાવ્યાનુસાર હાઈ-એન્ડ વેન્ટિલેટરનું મોડ ચેન્જ કરી શકાય, બાયપેપના દર્દીને તેના પર મૂકી શકાય છે. જ્યારે ધમણ બાયપેપનું હાયર વર્ઝન છે દર્દીને ઈન્ક્યુબેટ કરવા ઉપયોગી થઈ શકે. એટલે સપોર્ટિવ ટ્રિટમેન્ટ આપી શકાય છે. હાઈફ્લો ઓક્સિજન આપી શકાતો નથી. ધમણમાં હાઈફ્લો મિટર લગાડવાની જરૂર પડે છે. ધમણનો ઉપયોગ સામાન્ય શ્વાસની તકલીફમાં થઈ શકે. સિવિલમાં પૂરતી સંખ્યામાં હાઈ-એન્ડ વેન્ટિલેટર ઉપલબ્ધ છે.
વેન્ટિલેટર જેવું ફંક્શનિંગ નથી
ધમણ-1 વેન્ટિલેટર સામાન્ય વેન્ટિલેટર જેવું નથી, પણ સાદા ઓક્સિજન કરતા સારું છે. ગુરુવારે નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મિટિંગ મળી હતી, તેમા તબીબો દ્વારા ઓરિજિનલ વેન્ટિલેટરની સરખામણીએ ધમણ વેન્ટિલેટરનું ફંકશનિંગ નથી તેવી રજૂઆત કરી હતી. મહામારીની પરિસ્થિતિમાં હોસ્પિટલોની જરૂરિયાતના આધારે આ સ્વદેશી વેન્ટિલેટર તૈયાર કરાયું હતું. – ડૉ. એમ.એમ.પ્રભાકર, માજી સુપરિન્ટેન્ડેન્ટ, સિવિલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here