રાજકોટમાં કોંગ્રેસના કાર્યકરોની ટીંગાટોળી સાથે અટકાયત કરવામાં આવી
- ભાજપમાં ત્રેવણ હોય તો નરાધમોને જાહેરમાં ફાંસીએ ચડાવી દેઃ કોંગ્રેસના મહિલા નેતા
- રાજકોટના સિવિલ હોસ્પિટલ ચોકમાં સ્વયં સૈનિક દળના બેનર સાથે ધરણા
- ભાવનગરમાં પણ સ્વયં સૈનિક દળના બેનર સાથે ધરણા
ઉત્તરપ્રદેશના હાથરસમાં 19 વર્ષીય યુવતી પર ચાર શખ્સોએ ગેંગરેપ કર્યો હતો. બાદમાં પીડિત યુવતીનું મોત નીપજ્યું હતું. પરિવારની પરવાનગી વિના જ પોલીસે યુવતીના અંતિમસંસ્કાર પણ કરી નાખતા સમગ્ર દેશમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે રાજકોટમાં પણ ત્રિકોણ બાગ ખાતે કોંગ્રેસના કાર્યકરો મૌન સત્યાગ્રહ શરૂ કરી ધરણા પર બેસી ગયા હતા. જો કે, પોલીસે કાર્યકરોની અટકાયત કરતા ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. તેમજ પોલીસે ટીંગાટોળી સાથે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી હતી. જુનાગઢમાં કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવ્યા છે. જેમાં કોંગ્રેસે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજીનામું આપે તેવી માંગ કરી છે.
પોલીસે મૌન સત્યાગ્રહની મંજૂરી આપી નહોતી
રાજકોટ કોંગ્રેસ દ્વારા મૌન સત્યાગ્રહ અંગે પોલીસ પાસે મંજૂરી માંગી હતી પરંતુ પોલીસે મંજૂરી આપી નહોતી. કોંગ્રેસના કાર્યકરો ધરણા પર બેસે તે પહેલા જ ત્રિકોણ બાગ ખાતે પોલીસનો કાફલો ઉતારી ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસે ભાજપ વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસના મહિલા નેતા ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીમાં ત્રેવડ હોય તો આવા નરાધમોને સરાજાહેર ફાંસીએ ચડાવો અને આવા નરપીચાશોને દંડ આપો એટલી જ અમારી માંગ છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોક ખાતે સ્વયં સૈનિક દળના ધરણા
સિવિલ હોસ્પિટલ ચોકમાં સ્વયં સૈનિક દળના ધરણા
હાથરસની ઘટનાને લઈને રાજકોટના સિવિલ હોસ્પિટલ ચોક ખાતે સ્વયં સૈનિક દળના કાર્યકરો દ્વારા સવારના 10થી સાંજના 5 વાગ્યા સુધી ધરણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ધરણા પર બેસી સરકાર વિરૂદ્ધ રોષ ઠાલવી રહ્યા છે. બેનર સાથે ધરણા પર બેઠેલા કાર્યકરોની એક જ માંગ છે કે આરોપીઓને ફાંસીની સજા આપો.

રાજકોટમાં કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ
દેશમાં દીકરીઓની ઈજ્જત લૂંટાઈ રહી છેઃ સ્વયં સૈનિક દળના કાર્યકર
સ્વયં સૈનિક દળના એક મહિલા કાર્યકરે જણાવ્યું હતું કે, દીકરીઓની ઈજ્જત લૂંટી મારી નાખાવામાં આવે છે. દીકરીની લાશને પરિવારને સોંપ્યા વગર જ સળગાવી નાખવામાં આવી છે. ગુજરાતમાં પણ આવી જ પરિસ્થિતિ છે. દીકરીઓ રસ્તા પર ચાલી જતી હોય તો તેને ઉઠાવી લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવે છે અને મારી નાંખવામાં આવે છે. મહિલાઓની સુરક્ષા હવે દેશમાં રહી નથી. આવા નરાધમોને ફાંસીએ ચડાવી દ્યો તેવી જ અમારી માંગ છે.

રાજકોટમાં કોંગ્રેસના મહિલા કાર્યકરની અટકાયત
ભાવનગરમાં સ્વયં સૈનિક દળના બેનર સાથે ધરણા
હાથરસ દુષ્કર્મ અને રાપર હત્યાના વિરોધમાં સ્વયં સૈનિક દળ દ્વારા ભાવનગરમાં જશોનાથ સર્કલ ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ ધરણા યોજવામાં આવ્યા છે. જેમાં કાર્યકરો દ્વારા CM સહિતના પદાધિકારીઓના રાજીનામાની માંગ કરવામાં આવી હતી અને જો યોગ્ય પગલાં લેવાશે નહીં તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.