કોરોના વાયરસના સમગ્ર વિશ્વભરના દેશોમાં ઝડપથી પ્રસરી રહ્યા છે. લોકોને કોરોના ચેપથી બચવા માટે માસ્ક અને હેન્ડગ્લવ્સ પહેરવાની સલાહ આપવામાં આવી રહી છે. તેવામાં લોકો ઘરના દરવાજાના લોક અને હેન્ડલ અને લિફ્ટનું બટન દબાવતી વખતે પણ સાવચેતી રાખી રહ્યા છે. જો કે આ જગ્યાઓએથી કોરોનાનો ચેપ ફેલાય છે તેવા ભયને વૈજ્ઞાનિકોએ દૂર કર્યો છે.
યુએસ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં કરાયેલા એક સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસનું સંક્રમણ આવી સપાટીથી ફેલાતું નથી. આ રિસર્ચ સાથે જોડાયેલા પ્રોફેસર મોનિકા ગાંધીએ કહ્યું હતું કે સપાટી દ્વારા કોરોના વાયરસ ફેલાય તે મુદ્દો વાસ્તવમાં ખતમ થઈ ગયો છે. તેમણે કહ્યું કે જમીન પર પડેલા કોઈપણ વાયરસમાં વ્યક્તિને બીમાર કરવાની શક્તિ હોતી નથી. તેમ છતાં જરૂરી છે કે લોકો માસ્ક પહેરે જેથી આવી જગ્યાએ સ્પર્શ કર્યા પછી તેઓ મોં કે આંખને હાથ ન અડાડે.
આ રિસર્ચ પરથી એ વાત પણ સ્પષ્ટ થઈ છે કે કોરોનાનો ફેલાવો રોકવા માટે કોઈ વસ્તુને સ્પર્શ ન કરવા કરતાં વધુ કારગર રસ્તો સોશિયલ ડિસ્ટેંસિંગ અને માસ્ક પહેરવાનો છે. તેનો એક અર્થ એવો પણ થાય છે કે સમગ્ર વિશ્વમાં લોકો જે રીતે વસ્તુઓ પર એન્ટિ બેક્ટેરિયલ સ્પ્રેનો છંટકાવ કરે છે બિનજરૂરી હોઈ શકે છે.