ઊંઝા APMC કાંડમાં મોટા સમાચાર, સૌમિલે 92 પેજના દસ્તાવેજી પુરાવા, વીડિયો ફૂટેજ અને ફોટોગ્રાફ્સ આપ્યા

0
72

ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશ પટેલ, સેક્રેટરી વિષ્ણુ પટેલ અને ધારાસભ્ય આશા પટેલ દ્ધારા આચરાવામાં આવેલા ૧પ કરોડના કથિત સેસ કેશ કૌભાંડના મામલે આક્ષેપ કરનાર સૌમિલ પટેલે અગાઉ રજૂ કરેલા પુરવાઓના વર્ગીકરણ અને લેખિત નિવેદન માટે માંગેલા ૧૦ દિવસના સમય બાદ સોમવારે સૌમિલે રજિસ્ટ્રારને તમામ ૯ર પેજના દસ્તાવેજી પુરાવાઓનું તબક્કાવાર વર્ગીકરણ, વીડિયો ફૂટેજ અને ફોટોગ્રાફ્સ સાથે પોતાનું અંતિમ લેખિત નિવેદન જે બાકી હતું તે જમા કરાવ્યું છે.

હવે રજિસ્ટ્રાર સૌમિલના આ પુરાવાઓની તપાસ કરી પોતાની તપાસનો અંતિમ રિપોર્ટ તૈયાર કરી ગાંધીનગર નિયામક વાય.એ.બલોચને સોંપશે અને ત્યાર બાદ આ કૌભાંડ મામલે સરકાર દ્ધારા શું કાર્યવાહી કરવામાં આવશે તેના ઉપર સૌ કોઈની નજર મંડાયેલી છે.

તો બીજી તરફ ઊંઝા એપીએમસીના જ ડિરેક્ટરો કૌભાંડ થયું હોવાની વાતને સમર્થન આપી ચૂક્યા છે તથા ઊંઝાના વેપારીઓ અને લોકો પણ કૌભાંડની માત્ર ખાતાકીય જ નહીં પણ સ્વતંત્ર તપાસ એજન્સી સી.બી.આઈ. અને સીટની રચના કરી તપાસ થાય તેવી માગણી પહેલા દિવસથી જ કરી રહ્યા છે.

ત્રણથી ચાર દિવસમાં તપાસ પૂર્ણ કરીશું

રજિસ્ટ્રાર હિતેષ પટેલે જણાવ્યું કે સૌમિલે મારી ઓફિસે તેના આખરી પુરાવા સોમવારે સબમિટ કરાવ્યા છે હવે તેની તપાસ કરી ૩ થી ૪ દિવસમાં રિપોર્ટ તૈયાર કરી ગાંધીનગર નિયામકને સુપરત કરીશું.

સેસ રોકડમાં લેવાતી, ૯૭ ટકા રોકડ ઘરભેગી થતી હતી

કૌભાંડનો આક્ષેપ કરનાર કર્મચારી સૌમિલ પટેલના જણાવ્યા મુજબ સેસ વિભાગમાં સેસ ભરવા આવતા વેપારીના માણસો બે રીતે સેસ ભરતા હતા. સેસની કેટલીક રકમ ચેક મારફતે લઈ અન્ય રકમ રોકડમાં ભરવા માટેની સ્લીપ બનાવી મારી પાસે મોકલાતા હતા અને ડમી પાવતી બનાવી તે વેપારીને બતાવ્યા બાદ તેનો નાશ કરી તે સેસની રકમ ૩ ટકા જ એપીએમસીના ચોપડે લેવાતી બાકીની ૯૭ ટકા સેસની રોકડ રકમ બારોબાર કનૈયાલાલ પટેલ, ફુલકેશ પટેલ કે કમલેશ પટેલમાંથી કોઈપણ એક વ્યક્તિને અપાવી રકમ બારોબાર ઘર ભેગી કરવામાં આવતી હતી.

સૌમિલ કહે, કૌભાંડ થયું, ચેરમેન-સેક્રેટરી કહે, નથી થયું

રજિસ્ટ્રાર હિતેષ પટેલ દ્ધારા આક્ષેપ કરનાર સૌમિલ પટેલ, ચેરમેન દિનેશ પટેલ અને સેક્રેટરી વિષ્ણુ પટેલના લેખિત નિવેદન લેવામાં આવ્યા હતા. જેમાં સૌમિલે કૌભાંડ થયું છે જ્યારે ચેરમેન અને સેક્રેટરીએ કૌભાંડ નથી થયું તેવા નિવેદન આપ્યા હતા બાદમાં રજિસ્ટ્રાર દ્ધારા હરાજીમાં ભાગ લેવા જતા એપીએમસીના કર્મચારીઓના પણ નિવેદન લેવાયા છે. તેમજ સમગ્ર એપીએમસીમાં ચાલતી પ્રક્રિયાની માહિતી મેળવતા જેમાં રોકડ સેસ વસૂલાતી હોવાના જવાબ લખાવ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે.

સેસ વિભાગના અન્ય બે કર્મીનાં નિવેદન લેવાઈ શકે

તપાસ અધિકારી રજિસ્ટ્રાર હિતેષ પટેલ દ્ધારા સૌમિલ પટેલના પુરાવાઓના વર્ગીકરણ, વીડિયો ફૂટેજ રજૂ કરાયા હતા તેમાં દેખાતા સેસ વિભાગમાં ફરજ બજાવતા સૌમિલ પટેલ સિવાયના એક ક્લાર્ક અને પટ્ટાવાળા સહિત બે કર્મીઓના નિવેદન લેવાની શક્યતાઓ છે.

પુરાવાઓની લેખિત સમજૂતી રજૂ કરી

સૌમિલ પટેલના જણાવ્યા મુજબ અગાઉ રજિસ્ટ્રારને રજૂ કરેલા પુરાવાઓ અંગે હાલમાં મેં તમામ ૯ર પેજના દસ્તાવેજી પુરાવાઓ, વીડિયો ફૂટેજ અને ફોટોગ્રાફ્સની વિસ્તૃતમાં લેખિત સમજૂતી રજૂ કરી છે. જેથી કૌભાંડનો ચિતાર તપાસ અધિકારીના ધ્યાન ઉપર આવી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here