રાજકોટ DEO કચેરીમાં કોંગ્રેસ સેવાદળે નકલી રૂપિયાની નોટો ઉડાડી
- પોલીસે કોંગ્રેસ સેવાદળના કાર્યકરોની ટીંગાટોળા સાથે અટકાયત કરી હતી
રાજ્ય સરકાર દ્વારા સ્કૂલમાં 25 ટકા ફી માફીની જાહેરાત કરી છે. પરંતુ રાજ્યભરમાં આ નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે. રાજકોટમાં આજે કોંગ્રેસ સેવાદળ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. કાર્યકરોએ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ નકલી રૂપિયાની નોટો ઉડાડી હતી. તેમજ અધિકારીને બ્લેન્ક ચેક આપી વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસ સેવાદળે સરકાર શિક્ષણ માફિયાઓને છાવરતી હોવાના આક્ષેપો કર્યા હતા. આ સમયે કાર્યકરો અને પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી.
ટીંગાટોળી સાથે અટકાયત કરવામાં આવી
કોંગ્રેસ સેવાદળના કાર્યકરોએ ભાજપ તેરી તાનાશાહી નહી ચલેગી નહીં ચલેગીના સુત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે કાર્યકરોની ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી. રાજકોટ શહેર કોંગ્રેસ સેવાદળ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ યોજતા પોલીસે 15 કાર્યકરોની અટકાયત કરી હતી. હાઈકોર્ટની ટકોર બાદ પણ ખાનગી શાળા ફી ઉઘરાવતા વિરોધ કરવામાં આવ્યો હતો.
ફી મુદ્દે વાલીઓને મુશ્કેલી હોય તો શાળા સંચાલકને મળે: મંડળ
ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે સરકારના નિર્ણય આવકારી વાલીઓને 31મી ઓક્ટોબર સુધીમાં ફી ભરી દેવા અપીલ કરી છે અને જો કોઇ મુશ્કેલી હોય તો શાળા સંચાલક અથવા સંચાલક મંડળનો સંપર્ક કરે તેવો અનુરોધ કર્યો છે. જીનિયસ ગ્રૂપ ઓફ ઇન્સ્ટિટ્યૂટના સંચાલક ડી.વી. મહેતાએ જણાવ્યું હતું કે, સરકારનો અનુરોધ વાલીઓ 31 ઓક્ટોબર સુધીમાં ફી ભરે તેવો જ છે. સાથે જ શાળાના તમામ શિક્ષકોના અને અન્ય કર્મચારીઓના પગાર દિવાળી પહેલા શક્ય બને તે માટે વાલીઓ ફરજિયાત 31 ઓક્ટોબર પહેલા ફી ચૂકવે તે જરૂરી છે.