1.) કોરોના મહામારીને કારણે અમદાવાદ સહિત દેશભરથી કોલકાતા તેમ જ હાવડા જતી ટ્રેનો ઘટાડી દેવાઈ હતી, પરંતુ હવે રેલવેએ સપ્તાહમાં ત્રણ દિવસ દોડતી અમદાવાદ – હાવડા એક્સપ્રેસ દરરોજ દોડાવાશે, એમ ડીઆરએમ દીપક ઝાએ જણાવ્યું હતું. આજથી અમદાવાદ – હાવડા એક્સપ્રેસ નિયમિત ધોરણે દરરોજ દોડાવાશે.
2.) આજે કેબિનેટની બેઠકમાં નવરાત્રી, શાળા-કોલેજો અને મલ્ટિપ્લેક્સ અંગે ચર્ચા
આજે કેબિનેટ બેઠક મળવાની છે. આ બેઠકમાં કેન્દ્રની અનલોક-5ની ગાઈડલાઇન્સ પ્રમાણે નવરાત્રી યોજવી કે નહીં, 15 ઓક્ટોબરથી શાળા-કોલેજો શરૂ કરવી કે નહીં અને કેન્દ્રની સૂચના મુજબ મલ્ટિપ્લેક્સ ગુજરાતમાં શરૂ થઇ શકશે કે નહીં એ અંગે ચર્ચા કરાશે, સાથોસાથ ગુજરાતમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ અને કોરોનાને કાબૂમાં લેવા સરકારની કામગીરીની સમીક્ષા કરાશે.
3.) નામાંકિત વકીલ યતીન ઓઝાને હાઈકોર્ટ સંભળાવી શકે છે સજા
ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિયેશનના પ્રમુખ અને નામાંકિત વકીલ યતીન ઓઝા સામે થયેલી સુઓમોટો અરજી અંગે આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન હાઈકોર્ટે યતીન ઓઝાને દોષિત જાહેર કર્યા છે અને આજે હાઈકોર્ટ યતીન ઓઝાને સજા સંભળાવી શકે છે. ઓઝાએ ગુજરાત હાઇકોર્ટના જજ સહિતના લોકો સામે ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો દાવો કર્યો હતો, જેને પગલે હાઇકોર્ટે યતીન ઓઝા સામે કન્ટેમ્પ્ટ પિટિશન ફાઇલ કરી હતી.
4.) હાથરસ મામલે અમદાવાદમાં કાલે કોંગ્રેસની પ્રતિકારયાત્રા
હાથરસ ગેંગરેપના પડઘા ગુજરાતમાં પડ્યા છે. ગુજરાત વિવિધ સંગઠનો દ્વારા હાથરસની ઘટનાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે બપોરે 4 વાગ્યા કોચરબ આશ્રમથી ગાંધી આશ્રમ સુધી હાથરસ પીડિતાને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા પ્રતિકારયાત્રા કરવામાં આવશે, જેમાં લીંબડીના ધારાસભ્ય નૌશાદ સોલંકી, જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ જોડાશે