ડિજીટલી ‘આત્મનિર્ભર’ થવા મોબાઈલ ઉત્પાદન રૂ.૧૦ લાખ કરોડને પાર થવાનું લક્ષ્યાંક

0
86
ઇન્સેન્ટીવ સ્કીમ હેઠળ ૧૬ કંપનીઓનો કરાયો સમાવેશ ઉત્પાદનનો ૬૦% હિસ્સો નિકાસ કરવામાં આવશે

કોરોના મહામારી બાદ ચાઈનાએ સમગ્ર વિશ્વમાંથી વિશ્વસનીયતા ગુમાવી છે. ચાઈના સમગ્ર વિશ્વમાં સસ્તા દરે પ્રોડક્ટ્સ આપવા માટે પ્રખ્યાત છે પરંતુ હાલ ચાઈનાએ જે રોટ વિશ્વસનીયતા ગુમાવી છે તેનો લાભ ભારતને ચોક્કસ મળી શકે છે. જેના ભાગરૂપે કેન્દ્ર સરકારે આત્મનિર્ભર થવા માટે આયોજનો કર્યા છે. ભારત પણ અનેકવિધ પ્રોડક્ટ્સ માટે ચાઈના પર નિર્ભર હતું પરંતુ આ નિર્ભરતાને સંપૂર્ણપણે દૂર કરી ભારત આત્મનિર્ભર બની શકે તે માટે હાલ પગલાંઓ લેવાઈ રહ્યા છે.

સમગ્ર વિશ્વમાં ભારતમાં સૌથી વધુ યુવાધન છે. જે ડિજિટલ માધ્યમોમાં ખૂબ જ સક્રિય છે. જે ભારતની તાકાત છે તેવું પણ કહી શકાય. હાલ સુધી મોબાઈલ સહિતના ટેકનોલોજી ઉપકરણો પણ ચાઈનાથી આવતા હતા પરંતુ આ પ્રકારની તમામ પ્રોડક્ટ્સ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. હવે જે પ્રોડક્ટ્સ અગાઉ ભારત આયાત કરી રહ્યું હતું તેનું ઉત્પાદન ઘર આંગણે જ થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મંગળવારે સરકારે ૧૬ જેટલી ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓને ભારતમાં ઉત્પાદનને વેગ આપવા હેતુસર રૂ. ૪૦ હજાર કરોડ નું પ્રોત્સાહન આપશે તેવું કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

૧૬ ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓમાં ૧૦ મોબાઈલના ઉત્પાદકોનો પણ સમાવેશ થાય છે. જેમાં સેમસંગ, ફોક્સકોન હોન હાઈ, રાઇઝિંગ સ્ટાર, વિસ્ટ્રોન અને પેગાટ્રોન સહિતની કંપનીઓનો સમાવેશ થાય છે. રૂ. ૧૫ હજારથી વધુ કિંમતના મોબાઈલ પર આ પ્રોત્સાહન યોજનાનો લાભ મેળવી શકાશે.

૧૦ મોબાઈલ કંપનીઓમાં જે ફોક્સકોન હોન હાઈ, વિસ્ટ્રોન અને પેગાટ્રોન કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તે એપલ આઈ ફોનના કરાર આધારિત ઉત્પાદકો છે. મોબાઈલ ફોનની વૈશ્વિક માંગમાં એકલા એપલ ને સેમસંગ અનુક્રમે ૩૭% અને ૨૨% નો હિસ્સો ધરાવે છે. આ પ્રોત્સાહન યોજનાના પરિણામે આ કંપનીઓનું ભારતમાં ઉત્પાદન ક્ષમતામાં અનેકગણો વધારો નોંધાય તેવી સંપૂર્ણ શકયતા છે. ઘરેલું મોબાઈલ ફોન ઉત્પાદકોમાં  ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય દ્વારા મંજૂરી આપી છે તે કંપનીઓમાં લાવા, ભગવતી (માઇક્રોમેક્સ), પેજેટ ઇલેક્ટ્રોનિક્સ, યુટીએલ નિયોલિન્સ અને ઓપ્ટિમસ ઇલેક્ટ્રોનિક્સનો સમાવેશ થાય છે. જેમણે આગામી પાંચ વર્ષમાં રૂ. ૧.૨ લાખ કરોડના ઉત્પાદનનો પ્રસ્તાવ મુક્યો છે તેવું મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે. સાથો સાથ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોમાં ઉપયોગમાં લેવામાં આવતા સ્પેર પાર્ટ્સના ઉત્પાદકોમાં ૬ કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં એટી એન્ડ એસ, એસન્ટ સર્કિટ્સ, વિઝીકોન, વાલસીન, સહાસરા અને નિયોલિંક સામેલ છે.

જે કંપનીઓનો સમાવેશ આ યોજના હેઠળ કરવામાં આવ્યો છે તે રૂ. ૧૦.૫ લાખ કરોડનું ઉત્પાદન કરશે જે પૈકી ૬૦% ઉત્પાદનનું નિકાસ કરવામાં આવનાર છે. કુલ ઉત્પાદનમાંથી રૂ. ૯ લાખ કરોડનું ઉત્પાદન એકલા હેન્ડસેટના ઉત્પાદકો કરશે. ઉપરાંત સ્પેર પાર્ટ્સ બનાવનાર ઉત્પાદકોએ રૂ. ૧૫ હજાર કરોડના ઉત્પાદનબો લક્ષ્યાંક રાખ્યો છે. આ કંપનીઓ જાતે જ રૂ. ૧૧ હજાર કરોડનું રોકાણ ભારતમાં કરશે.

ઉલ્લેખનીય બાબત એ છે કે, આ ઉદ્યોગ આગામી ૫ વર્ષમા ૨ લાખ જેટલી રોજગારીઓ ઉભી કરશે જેથી ભારતના યુવાનોને રોજગારીની તકો પુરી પાડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here