મહિલા પોલીસ અધિકારીનો સપાટો : ગાંજા સાથે આધેડની અટકાયત

0
121

થરાદમાં તાજેતરમાં નિમાયેલાં મહિલા આઈપીએસને નગરમાં એક શખસ ગાંજો રાખીને વેચાણ કરતો હોવાની ખાનગી બાતમી મળતાં તેમણે એસઓજી પોલીસને સાથે રાખી રેડ કરીને ગાંજાના ૪૭૭ ગ્રામ જથ્થા સાથે આધેડની અટકાયત કરી હતી. તેમજ તેમની સામે એનડીપીએસ એક્ટની જોગવાઇઓ મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવને લઇને અસામાજીક તત્વોમાં ભય સાથે ફફડાટની લાગણી પ્રસરવા પામી હતી.


થરાદની વિભાગીય કચેરીમાં તાજેતરમાં મદદનીશ એસ.પી. તરીકે નિમાયેલા આઈપીએસ પુજા યાદવને નગરની રાજેન્દ્રનગર સોસાયટીમાં આવેલ ગણપતિ મંદિરમાં રહેતા સુરેશકુમાર ઉર્ફે ભવાની મહારાજ ડાયાલાલ ત્રિવેદી માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરે છે તેવી ખાનગી બાતમી મળી હતી. આથી તેમણે પેટ્રોલિંગમાં રહેલા એસ.ઓ.જી પાલનપુરના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે.ઝાલા તથા સ્ટાફને થરાદ વિભાગીય કચેરી ખાતે બોલાવ્યા હતા.
જ્યાં શુક્રવારની બપોરના સુમારે સ્ટાફ સિકંદરખાન દોલતખાન, જીતેન્દ્રકુમાર કેવળભાઇ, અલ્પેશકુમાર જીવણજી, નરભેરામ વખતરામ અને ડ્રાઇવર બેચરભાઇ ઘેમરભાઇ તથા વનરાજસિંહ નવલસિંહ, અરજણભાઇ માનસંગભાઇ, પરસોત્તમભાઇ ભમરાજી સાથે મળીને મદદનીશ એસપી પુજા યાદવે સરકારી પંચો ભાંણજીભાઇ રૂપસીભાઇ તરક (ચૌધરી) થરાદ તાલુકા આરોગ્ય સુપરવાઈઝર અને ઐયુબખાન રહિમખાન મકવાણા (મુસ્લિમ) એમ.પી. એચ.ડબલ્યુ રહે. થરાદ કાજીવાસને સાથે રાખીને ગણપતિ મંદિરમાં આવેલી સુરેશભાઈ ત્રિવેદીની ઓરડીમાં રેડ કરી હતી દરમિયાન ઝીણવટભરી તપાસ કરતાં પાથરેલ ગાદલા નીચેથી કાળા કલરની પ્લાસ્ટિકની થેલીમાંથી ૪૭૭ ગ્રામ ગાંજો કિંમત રૂપીયા ૪૭૭૦ મળી આવ્યો હતો. પોલીસે તેને પરીક્ષણ માટે ડીએફએસ કચેરી ગાંધીનગર ખાતે મોકલી આપ્યો હતો. મોબાઈલ તપાસ અર્થે કબજે લીધો હતો. તેમજ સુરેશકુમાર ભવાની મહારાજ ત્રિવેદીની સામે એનડીપીએસ એક્ટ કલમ મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવને લઇને અસામાજીક તત્વોમાં ભય સાથે ફફડાટની લાગણી પ્રસરી જવા પામી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here