31મી ઓક્ટોબર સુધીમાં 50 ટકા ફી નહી ભરો તો 25 ટકા ફી માફીનો લાભ નહી મળે તેવા ખાનગી સ્કૂલ સંચાલકોના જુઠાણાનો રાજ્ય સરકારે ઠરાવ કરીને છેદ ઉડાડયો છે. ખાનગી સ્કૂલોની ફીમાંથી 25 ટકા ઘટાડાના સંદર્ભમાં સરકારે બુધવારે ઠરાવ પ્રસિદ્ધ કર્યો છે અને તેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, વાલી પોતાની અનુકુળતાએ શૈક્ષણિક વર્ષ-2020-21માં ફીની રકમ માસિક ધોરણે કે એકસાથે પણ ભરી શકશે. ફી ભરવામાં વિલંબ થાય તો શાળા વાલી કે વિદ્યાર્થી પાસેથી કોઈ દંડ વસુલી શકશે નહીં. જો કોઈ વાલીએ 100 ટકા ટયુશન ફી એડવાન્સ ભરી હોય તો તે વાલીને આગામી સમયમાં લેવાની થતી ફી સામે આવી વધારાની રકમ સરભર કરી આપવાની રહેશે.
સપ્તાહ પહેલા સરકારે ટયુશન ફીમાં ૨૫ ટકાનો કાપ મૂકવા અંગે કરેલી જાહેરાતમાં અનુરોધ કર્યો હતો કે, વાલીઓ 50 ટકા ફી 31મી ઓક્ટોબર સુધી ભરે. જોકે આ વાતનો ફાયદો ઉઠાવી ખાનગી સ્કૂલોના સંચાલકો વાલીઓને એવી ધમકી આપવા લાગ્યાં હતા કે, જો ૩૧મી ઓક્ટોબર સુધીમાં ફી નહી ભરવામાં આવે તો અમે ૨૫ ટકા ફી માફીનો લાભ નહી આપીએ. જોકે અત્યારે તો સરકારે આ મુદ્દે સ્પષ્ટતા કરી દીધી છે કે, ફી ભરવા માટે કોઈપણ પ્રકારનું દબાણ કરી શકાશે નહી. પરંતુ સવાલ એ થાય છે કે, ખાનગી સ્કૂલના સંચાલકો દ્વારા વાલીઓને 31મી સુધી ફી ભરવાનું ધમકી સાથે દબાણ કરશે તો હજુ રાજ્ય સરકાર હાથ જોડીને બેસી રહેશે કે પછી આવા સંચાલકો સામે કડક કાર્યવાહી કરશે ? કારણ કે સરકારની જાહેરાત પછી પણ ખાનગી સ્કૂલના સંચાલકો જુઠ્ઠાણા ચલાવી વાલીઓ પાસેથી ફી ઉઘરાવી રહ્યા છે.
31મી સુધી ફી ભરવી ઈચ્છનીય છે, દબાણ નહીં કરી શકાય।
પરિપત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, શૈક્ષણિક વર્ષ-2019-20ના બીજા સત્રની તમામ ફીની રકમ જો બાકી હોય તો તેમજ વર્તમાન શૈક્ષણિક વર્ષ-2020-21ના પ્રથમ સત્રની 25 ટકા કાપ કર્યા બાદની ટયુશન ફીની 50 ટકા રકમ 31મી ઓક્ટોબર સુધીમાં ભરપાઈ કરી આપે તે ઈચ્છનીય રહેશે. પરંતુ અસામાન્ય સંજોગોમાં સમયમર્યાદામાં ફી ભરવા માટે કોઈ વાલી અક્ષમ હોય તો, વાલી દ્વારા શાળા સંચાલક સમક્ષ કારણો સહિતની રજૂઆત કરવામાં આવે. આ રજૂઆતને શાળા સંચાલકે કેસ ટુ કેસ ગુણદોષને ધ્યાને લઈને સુચારૂ રીતે નિવારણ લાવવાનુ રહેશે.
રોજના 1300 કેસ પણ સંચાલકોની કમાણી માટે સરકારને સ્કૂલો શરૂ કરવાની ઉતાવળ
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધતુ જાય છે. રોજના 1300થી વધુ પોઝિટિવ કેસ નોધાઈ રહ્યાં છે પરંતુ સંચાલકોને બખ્ખા કરાવવા માટે સરકારને સ્કૂલો શરૂ કરવાની ઉતાવળ આવી છે. નવેમ્બરમાં સ્કૂલો શરૂ કરવાની ચર્ચા, એ સંચાલકો ફી વસુલી શકે તેના માટેનું ખુદ સરકારનું જ એક ષડયંત્ર હોવાનું નિષ્ણાંતો માની રહ્યાં છે. શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાં જો સંક્રમણ શરૂ થશે તો તેને રોકવુ ઘણું મૂશ્કેલ છે. જેથી પરિસ્થિતિ સાવ થાળે ન પડી જાય ત્યાં સુધી સ્કૂલો શરૂ કરવી હિતાવહ ન હોવાનું તબીબો જણાવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સંચાલકો ફી વસુલી શકે તેના માટે સરકારે ૩૧મી સુધી ફી ભરવાનો અનુરોધ કરી મોકળુ મેદાન કરી આપ્યું. હવે નવેમ્બરમાં સ્કૂલો શરૂ થશે તેમ કહી ફી વસુલવાનો રસ્તો વધુ ક્લિયર કરી આપ્યો છે. પરંતુ સંચાલકોના શોષણનો ભોગ બનેલા શિક્ષકો માટે સરકારના પેટનું પાણી પણ હલતુ નથી. શિક્ષકોને છુટા ન કરવાની ડાહી ડાહી વાતો કરતી સરકારે હજુ સુધી શિક્ષકોના પગાર અને ફરજ પરથી દુર કરવાના મુદ્દે એકપણ શાળા સંચાલક સામે કાર્યવાહી કરી ન હોવાનું ખુદ શિક્ષકો જણાવી રહ્યાં છે.
નેતાઓ સામે ઊપજતું નથી, વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સિંગથી ભણાવશે
સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સ્કૂલો શરૂ કરવામાં આવશે તેવી ચર્ચા થઈ રહી છે, પરંતુ મહત્વની વાત તો એ છે કે, ભાજપની ગુજરાત સરકાર તેમના ધારાસભ્યો, નેતાઓ પાસે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવી શકતી નથી તો શાળામા આવતાં બાળકો પાસે કેવી રીતે પાલન કરાવી શકશે. તાજેતરમાં જ ડીસાના ધારાસભ્યએ જેવી રીતે સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાડયાં છે તેના પરથી કહી શકાય કે, સરકાર વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સિંગના પાઠ ભણાવી શકશે ?
તમામ ટયૂશન ફી જ હોવાનું કહી સંચાલકોનો ઈત્તર પ્રવૃત્તિની ફી લેવાનો ખેલ
રાજ્ય સરકાર દ્વારા ખાનગી સ્કૂલોની ટયુશન ફીમાથી ૨૫ ટકા અને ઈત્તર પ્રવૃત્તિની સંપૂર્ણ ફી માફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ કેટલીક ખાનગી સ્કૂલો દ્વારા ઈત્તર પ્રવૃતિ અને ટયુશન ફી બંનેની કુલ ફીમાંથી 25 ટકા માફી આપવાનુ કારસ્તાન ઘડી રહી હોવાનું વાલી મંડળ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જેથી વાલી મંડળ દ્વારા શિક્ષણ વિભાગ સમક્ષ માગ કરી છે કે, ફી નિર્ધારણ કમિટી (એફઆરસી) દ્વારા ખાનગી સ્કૂલોની જે ટયુશન ફી મંજૂર કરવામા આવી છે તેની યાદી વેબસાઈટ પર સત્વરે મુકવામાં આવે. જેથી વાલીઓને પણ સ્કૂલની ટયુશન ફી કેટલી છે તેની સાચી માહિતી મળી શકે. ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે કે, હાલમાં શાળા સંચાલકો દ્વારા ટયુશન ફી અંગેની કોઈ માહિતી આપવામાં આવતી નથી.
ફી અંગે સરકારે કરેલી સ્પષ્ટતાઓ
- રાજ્યની એકપણ સ્કૂલ વર્ષ-2020-21ના શૈક્ષણિક વર્ષની ફીમાં વધારો કરી શકશે નહી
- કોઈપણ સ્કૂલ ઈત્તર પ્રવૃત્તિની વૈકલ્પિક ફી લઈ શકશે નહી
- જે વાલીઓએ વૈકલ્પિક ફી ભરી હોય તેમને મજરે આપવાની રહેશે
- શૈક્ષણિક વર્ષ-2020-21માં માત્ર ટયુશન ફી જ લઈ શકાશે
- વર્ષ-2019-20માં મંજૂર થયેલી ટયુશન ફી ગણીને તેમાથી 25 ટકાની માફી આપવાની રહેશે
- ખાનગી સ્કૂલો ચાલુ વર્ષમાં 75 ટકા જ ટયુશન ફી વસુલી શકશે
- 2020-21માં ફીની રકમ માસિક ધોરણે કે એકસાથે પણ ભરી શકશે
- ફી ભરવામાં વિલંબ થાય તો સંચાલકો કોઈ દંડ વસુલી શકશે નહી
- 31મી સુધી 50 ટકા ફી ભરવી તે ઈચ્છનિય છે, ફોર્સ નથી
- કોઈ વાલી ફી ભરી શકે તેમ ન હોય તો તેને રાહત આપવી