પાંચ દિવસ સુધી બિલ ઓફ એન્ટ્રી ક્લિયર થતી નથી
ફેસલેસ એસેસમેન્ટને કારણે ૪-૫ દિવસ અટવાતી બિલ ઓફ એન્ટ્રીને કારણે ડેમરેજ ચઢવાનું જોખમ વધ્યું
અમદાવાદ, આયાતકારોની બિલ ઑફ એન્ટ્રીના ફેસલેસ એસેસમેન્ટની કેન્દ્ર સરકારે શરૃ કરેલી વ્યવસ્થાને પરિણામે આયાતકારોની બિલ ઑફ એન્ટ્રી ચાર પાંચ દિવસ સુધી ક્લિયર જ થતી નથી અને તેમને ગુડ્સની સાચવણી માટે મળતા ડેમરેજ ફ્રી સ્ટોરેજનો સમય વેડફાઈ રહ્યો છે અને તેમના કન્સાઈનમેન્ટ ક્લિયર થવામાં મુશ્કેલીઓ વધી રહી છે.
સીબીઆઈસીએ ચોથી સપ્ટેમ્બર ૨૦૨૦ના આ માટે પરિપત્ર કર્યો હતો અને ૩૧મી ઓક્ટોબર સુધીમાં દેશના દરેક પોર્ટ પર સો ટકા આ સિસ્ટમ લાગુ કરી દેવાની સૂચના આપી છે. પોર્ટ પર આવતા ગુડ્સને પાંચ દિવસ સુધી ડેમરેજ ફ્રી સાચવવાનો શિરસ્તો છે. એર પોર્ટ પર આ સમયગાળો માત્ર ૨૪ કલાકનો જ આપવામાં આવે છે.
આ સ્થિતિમાં કન્સાઈનમેન્ટની આયાત કરનારાઓની બિલ ઑફ એન્ટ્રી ૧૨ કલાકમાં ક્લિયર થવાને બદલે ૧૨૦ કલાક સુધી ક્લિયર જ થતી નથી. કારણ કે આકારણી અધિકારીઓ તેમની ફાઈલ પર તરત પ્રોસેસ જ ચાલુ કરતાં નથી. તેથી પોર્ટ પરથી કન્સાઈનમેન્ટ પાંચ દિવસમાં ન ઉપાડી લેવા બદલ ડેમરેજ ચઢાવવામાં આવી રહ્યું છે.
ફેસલેસ એસેસમેન્ટ માટે ટુ-કે, ફાઈવ-એ, જેવા ગુ્રપો બનાવીને ગુજરાતની બિલ ઓફ એન્ટ્રી એસેસમેન્ટ માટે ચેન્નઈ કે દિલ્હી મોકલવામાં આવી રહી છે. ગુ્રપની બિલ ઓફ એન્ટ્રી કયા શહેરના કયા ઓફિસર પાસે આકારણી માટે મોકલવામાં આવી છે તેનું નામ પણ આશ્ચર્યજનક રીતે જાહેર કરવામાં આવે છે. પરિણામે આયાતકારો જે તે શહેરના તે ઑફિસરનો સીધો સંપર્ક પણ કરતાં થઈ ગયા છે.
પરિણામે કરપ્શન બંધ કરવા માટે જાહેર કરવામાં આવેલી આ યોજના થકી જ કરપ્શનના દ્વાર ખોલી આપવામાં આવી રહ્યા છે. બીજું, કન્ટેઈનરમાં પાંચ દિવસ સુધી કાચો માલ પડી રહે છે તેથી મેન્યુફેક્ચરર્સની પ્રોડક્શન લાઈન ચાલુ થતું નથી. તેથી તેમના પ્રોડક્શન શિડયુલ ખોરવાઈ રહ્યા છે. ત્રીજું, પ્રોડક્શન શિડયુલ ખોરવાતા ફિનિશ્ડ પ્રોડક્ટ્સ આવવામાં વિલંબ થાય છે. તેની અસર હેઠળ તેમણે કરવાની નિકાસ પણ વિલંબમાં મૂકાય છે.