પ્રથમ તબક્કામાં જિલ્લાની ૬૨ ગ્રામ પંચાયતો પર ૨૨ પ્રકારની વન-ડે ગવર્નન્સ સેવાઓ પુરી પાડવામાં આવશે
નાની સેવાઓ માટે તાલુકા મથકે જવાની જરૂર નહીં રહે
મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાજ્યની ૨૦૦૦ કરતા વધુ ગ્રામ પંચાયતોમાં ડિજિટલ સેવા સેતુનું રાજ્યવ્યાપી લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં પણ કૃષિ, પંચાયત અને પર્યાવરણ રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો. ગોધરા તાલુકાના ગડુકપુર ગ્રામ પંચાયત ખાતે યોજાયેલા કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી બોલતા રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે વન ડે ગર્વનન્સની સેવાઓ લોકોને ઘરઆંગણે ઉપલબ્ધ કરાવવાના સફળ પ્રયાસ અંતર્ગત ઓફલાઇન સેવાસેતુના પાંચ તબક્કા બાદ કોરોના કટોકટીને ધ્યાનમાં લઈને ડિજિટલ સેવાસેતુની શરૂઆત કરવામાં આવી રહી છે. જે અંતર્ગત શરૂઆતના તબક્કે ૨૨ સુવિધાઓ ભારતનેટ કનેક્ટિવિટી હેઠળ ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમ જણાવતા મંત્રીએ ઉમેર્યું હતું કે પ્રથમ તબક્કામાં પંચમહાલ જિલ્લાના ૬૨ ગામોમાં આ સુવિધા કાર્યરત કરાઈ છે. જે ક્રમશઃ જિલ્લાના તમામ ગામોમાં ઉપલબ્ધ કરાવાશે તેમજ સેવાઓની સંખ્યા પણ વધારીને ૫૦ સુધી લઈ જવાશે. મંત્રીએ જણાવ્યું હતું કે વૈશ્વિક મહામારી કોરોનાના કહેર વચ્ચે પણ છેવાડાના માનવીને મળતી સેવાઓ ન ખોરવાય તે માટે દેશમાં પ્રથમ તેવી આ ક્રાંતિકારી પહેલ કરવામાં આવી છે. કોઈપણ વચેટિયાની મદદ વગર ગ્રામજનોના કામો ઝડપથી પૂર્ણ થાય અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ‘આત્મા ગામડાંનો પણ સુવિધા શહેરોની’નું સપનું સાકાર કરવાની દિશામાં ડિજિટલ સેવાસેતુ મહત્વનું કદમ બની રહેશે તેવો દ્રઢ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્ય અને શાસક પક્ષના નેતા કકુલ પાઠકે ગ્રામ્યસ્તરે આ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવતા ગ્રામ્યજનોએ તાલુકા મથક- શહેર જવાની જરૂર નહીં પડે અને તેમના સમય-શક્તિનો બચાવ થશે એમ જણાવી આ સંવેદનશીલ પહેલ માટે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં ડિજિટલ સેવા સેતુના લાભાર્થીઓને મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે દાખલા- પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રાંત અધિકારી વી.આર. સક્સેનાએ શાબ્દિક સ્વાગત અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી આભાર પ્રવચન કર્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી અધિકારી જે.ડી. ચારેલ, ગોધરા મામલતદાર બી.વી પરમાર સહિતના અધિકારીઓ-પદાધિકારીઓ અને ગ્રામજનો સોશિયલ ડિસ્ટનસિંગના પાલન સાથે ઉપસ્થિત રહ્યા હતા.
૨૨થી વધુ સેવાઓ ગ્રામ પંચાયત સ્તરે ઉપલબ્ધ કરાવાશે (શ્રબોક્સ)
રેશનકાર્ડમાં નામ ઉમેરવું- કાઢવું, રેશનકાર્ડનું સરનામું સુધારવું, નવું રેશનકાર્ડ કાઢવું- રેશનકાર્ડ જુદુ કરવું, રેશનકાર્ડના વાલી માટેની અરજી, ડુપ્લીકેટ રેશનકાર્ડ માટેની અરજી, આવકનો દાખલો, વિધવા સર્ટિફિકેટ, હંગામી રહેઠાણનો દાખલો, અનામતમાં ના હોય તેવી જાતિનો દાખલો, રીલીજીયસ માઈનોરિટી સર્ટીફીકેટ, ભાષા આધારિત માઈનોરિટી સર્ટિફિકેટ,સિનિયર સીટીઝન સર્ટિફિકેટ, આવકના દાખલાનું સર્ટિફિકેટ, મુખ્યમંત્રી કૃષિ સહાય, આવકના દાખલાનું એફિડેવિટ, વિધવા સહાય સંબંધિત એફિડેવિટ, જાતિના દાખલાનું એફિડેવિટ, રેશનકાર્ડ માટેનું એફિડેવિટ, નામ બદલવા માટેનું એફિડેવિટ તેમજ અન્ય તૈયાર એફિડેવિટ સહિતની સેવાઓ ગ્રામ પંચાયતસ્તરે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
અહેવાલ- ગણપત મકવાણા, પંચમહાલ