- વાલી મંડળે વેબસાઈટ પર ટ્યુશન ફીની માહિતી મુકવા તથા તેની નકલ મળી રહે તે માટે શિક્ષણમંત્રીને રજુઆત કરી
- શાળા સંચાલકોનું ફી ભરવા વાલીઓ પર દબાણ
ગુજરાતમાં સ્કૂલ ફી મુદ્દે ફરી વિવાદ સર્જાયો છે. રાજ્ય સરકારે તાજેતરમાં કરેલી ફી માફીની જાહેરાત પછી પણ FRCની વેબસાઈટ પર ટ્યુશન ફીની કોઈ માહિતી ઉપલબ્ધ કરવામાં આવી નથી. આ મુદ્દે વાલી મંડળે ફરીવાર શિક્ષણ મંત્રીને રજુઆત કરીને એફ.આર.સીને ગુજરાતની શાળાઓમાં મંજુર કરવામાં આવેલ નવી ટ્યુશન ફી બાબતના હૂકમો તાત્કાલિક અસરથી વેબસાઈટ પર ચારેય ઝોનમાં મુકવા તથા જે વાલી હૂકમની નકલ મેળવવા માંગતાં હોય તે તાત્કાલિક અસરથી રજુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
શિક્ષણ ફી મુદ્દે વાલીઓના મુદ્દાઓ પર કોઈ નિર્ણય નથી લેવાયો
સમગ્ર ગુજરાત વાલી મંડળે શિક્ષણ મંત્રીને એક પત્ર લખીને જાણ કરી છે કે 29 સપ્ટેમ્બરે ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ ખાતે મળેલી મીટિંગમાં જે સાત મુદ્દાઓની લેખિતમાં રજુઆત કરી હતી. જો આ મુદ્દાઓનું ધ્યાન રાખવામાં નહીં આવે તો શાળા સંચાલકો દ્વારા તેને વાલીઓ સુધી પહોંચાડવામાં આવશે જ નહીં. વાલી મંડળનું કહેવું છે કે 29 સપ્ટેમ્બરે જે રજુઆત કરવામાં આવી હતી તે વિશે આજ દિન સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જેને લઈને સમગ્ર ગુજરાતના વાલીઓ દ્વારા અમને વારંવાર રજુઆતો મળી રહી છે. અમને મળેલી રજુઆતમાં વાલીઓનું કહેવું છે કે શાળા સંચાલકો દ્વારા અમને કોઈપણ માહિતી આપવામાં આવતી નથી. તે ઉપરાંત એફ.આર.સીની વેબસાઈટ પર 2019-20 તથા 2020-21 દરમિયાન મંજુર કરવામાં આવેલી ટ્યુશન ફીની કોઈપણ માહિતી ઉપલબ્ધ નથી.
શાળાઓ દ્વારા વાલીઓ પર ફી ભરવા માટે દબાણ
શાળા સંચાલકો દ્વારા એક ઠરાવ કરીને 31 ઓક્ટોબર પહેલા તમામ ફી ભરી દેવામાં આવશે તો જ સરકાર દ્વારા જાહેર કરાયેલ 25 ટકાનો લાભ વિદ્યાર્થીઓ લઈ શકશે તેવુ વાલીઓ પર દબાણ ઉભું કરવામાં આવે છે. વાલી મંડળે શિક્ષણ મંત્રીને પત્રમાં એવું પણ જણાવ્યું છે કે જે સાત મુદ્દાઓની સરકાર સમક્ષ રજુઆત કરવામાં આવી છે તેમાં જે શંકાઓ સેવાઈ રહી હતી તે હવે સાચી પડી રહી છે.
શાળા સંચાલકોનો ઈતર પ્રવૃત્તિની ફી લેવાનો કારસો
વાલી મંડળના પત્રમાં શિક્ષણ મંત્રીને એવું પણ જણાવવામાં આવ્યું છે કે શાળા સંચાલકો વાલીઓને જે ફીની રકમ ભરવાની વાત કરી રહ્યાં છે તેમાં ઈતર પ્રવૃત્તિની ફી લેવાનો કારસો છે અને સંચાલકોનું એવું કહેવું છે કે આ તમામ રકમ માત્ર ટ્યુશન ફી જ છે. જેથી આવા સંજોગોમાં 2019-20 તથા 2020-21 દરમિયાનની ટ્યુશન ફીના હૂકમો FRCની વેબસાઈટ પર મૂકવા માટે તેમજ જે વાલીઓ તેની નકલ મેળવવા માંગતાં હોય તેમને તાત્કાલિક અસરથી રજુ કરવામાં આવે તેવી માંગ પણ વાલી મંડળે પત્ર દ્વારા શિક્ષણ મંત્રીને કરી છે.