રાજકોટ સિવિલના અધિક્ષકે કોરોના દર્દીના ભોજનના નામે પોતાના ખિસ્સા ભર્યા

રૂ. 28.50 લાખનો બોજ આપી રચ્યો કમિશનનો કારસો

0
336

રાજકોટ: મહામારીને નાથવા માટે માત્ર સરકાર જ નહીં પરંતુ એક એક નાગરિક પોતાની રીતે જોડાઇ ગયો હતો, શરૂઆતમાં દર્દી અને કોરોના વિભાગના તમામ કર્મચારીને હોસ્પિટલના રસોડામાંથી જમવાનું અપાતું હતું, પરંતુ એક પ્રકારના ભોજનથી દર્દી અને ડોક્ટર ત્રસ્ત થાય નહીં તે માટે પ્રેમવતીમાંથી વિનામૂલ્યે દર્દી-ડોક્ટર માટે જમાડવાનું શરૂ થયું હતું. દર્દીઓ પણ હોસ્પિટલની સુવિધાથી સંતુષ્ટ હતા, પરંતુ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો.મનીષ મહેતાના માનસમાં કંઇક જુદું ચાલી રહ્યું હતું.

હોટેલની હોસ્પિટલમાં એન્ટ્રી થયા બાદ મામલો કલેક્ટર સુધી લઇ જવામાં આવ્યો
પ્રેમવતીમાંથી આવતા ભોજનનો વિરોધ શરૂ કરાયો હતો, તે સાથે જ ડો.મહેતાએ જાહેરાત કરી હતી કે, શહેરની એક લક્ઝરિયસ હોટેલ દ્વારા કોવિડ વોર્ડમાં વિનામૂલ્યે ભોજન આપવામાં આવશે અને દરરોજ બંને ટાઇમ 15-20 ડીશ ભોજન આવવા લાગ્યું હતું, હોટેલની હોસ્પિટલમાં એન્ટ્રી થયા બાદ મામલો કલેક્ટર સુધી લઇ જવામાં આવ્યો હતો. કલેક્ટર રૈમ્યા મોહને વર્તમાન સ્થિતિ અને કોઇપણ ભોગે કોરોના પર જીત મેળવવાના ઇરાદે કોરોના વોર્ડ સાથે જોડાયેલા તમામ લોકો માટે હોટેલમાંથી પૈસા ચૂકવીને જમવા મગાવવાની મંજૂરી આપી હતી, તા.11 મેની કલેક્ટર સાથેની મિટિંગને આગળ ધરી ડો.મહેતાએ હોટેલને રૂ.230 ઉપરાંત જીએસટી લેખે હોસ્પિટલના તમામ દર્દી માટે ભોજનનો કોન્ટ્રાક્ટ આપી દીધો હતો.

એક ડિશ દીઠ અમુક ટકા કમિશન હોવાની ચર્ચા થઇ રહી છે
તા.20 મેથી હોસ્પિટલનું રસોડું બંધ થઇ ગયું હતું, અને મહિને ઓછામાં ઓછા 12 હજાર દર્દીના ભોજનનો હોટેલને ઓર્ડર આપી દેવામાં આવતા કરોડો રૂપિયાનો પોતાની સત્તા ન હોવા છતાં ડો.મહેતાએ ગેરઉપયોગ કરી કૌભાંડ આચર્યું હતું. સિવિલ હોસ્પિટલમાં વર્ષોથી રસોડું ધમધમેછે. દિવ્ય ભાસ્કરે ઊંડાણથી તપાસ કરતાં દર મહિને 700 દર્દી અને તેની સાથેના પરિવારજનોને બંને સમય જમવાનું દેવામાં આવતું હોવા છતાં તેનો કરિયાણા અને દૂધ સહિતની વસ્તુઓનો ખર્ચ સરેરાશ દર મહિને રૂ.9.50 લાખ તેમજ ત્રણ સરકારી અને 9 કોન્ટ્રાક્ટબેઇઝ કર્મચારી સહિત કુલ રૂ.1.50 લાખ મળી કુલ 11 લાખમાં 700થી વધુ લોકો અનલિમિટેડ જમતા હતા, જ્યારે તા.20થી 31 સુધીમાં 5000થી વધુ ડિશ હોસ્પિટલમાં આપી તેનું રૂ.13.50 લાખ બિલ કરી દેવામાં આવ્યું હતું. 11 દિવસમાં 5 હજાર ડિશ મુજબ ગણવામાં આવે તો મહિને સરેરાશ 15000 ડિશનું બિલ રૂ.40.50 લાખ થાય, સરકારી રસોડામાં જે ખર્ચ રૂ.11 લાખ થતો હતો તેની સામે રૂ.40.50 લાખનું તગડું બિલ બનાવવાનું કૌભાંડ આચરી સરકારને દર મહિને રૂ.28.50 લાખના ખાડામાં ઉતારવામાં આવશે, જેમાં તબીબી અઘિક્ષકનું એક ડિશ દીઠ અમુક ટકા કમિશન હોવાની ચર્ચા થઇ રહી છે.

રસોડું બંધ કરાવ્યું, હોટેલને કોન્ટ્રાક્ટ આપી દેવાયો, વાર્ષિક ટેન્ડર બહાર પાડ્યું: અંતે પાપ છાપરે ચડી પોકાર્યું

  • સિવિલના રસોડાનો 1 મહિનાનો 700 દર્દીના જમવાનો સરેરાશ ખર્ચ રૂ.11 લાખ.
  • 20 મેથી સિવિલનું રસોડું બંધ કરાવી હોટેલને કોન્ટ્રાક્ટ અાપ્યો તેનું 11 દિવસનું 5000 ડીશનું બિલ રૂ.13.50 લાખ થયું.
  • આ મુજબ ગણતરી કરવામાં આવે તો હોટેલનું એક મહિનામાં 15000 ડિશનું બિલ રૂ.40.50 લાખ થાય.
  • સિવિલના રસોડાનું માસિક બિલ રૂ.11 લાખ જેની સામે હોટેલનું માસિક સરેરાશ રૂ.40.50 લાખ થાય તો સરકારી તિજોરીને મહિને રૂ.28.50 લાખનો વધુ ખર્ચ થાય.

ખોટુ હશે તો તપાસ કરાવીશું
કલેક્ટર રૈમ્યા મોહને જણાવ્યું હતું કે, કોવિડ વોર્ડમાં દાખલ દર્દી, ક્વોરન્ટાઇન વ્યક્તિઓ તેમજ કોવીડ વોર્ડના ડોક્ટર અને નર્સીંગ સ્ટાફને પૌષ્ટિક ખોરાક આપવા માટે હોટેલમાંથી ભોજન મગાવવાની સુચના આપી હતી પરંતુ પુરી હોસ્પિટલના તમામ દર્દીઓ માટે જો હોટેલનું બીલ મુકવામાં આવશે તો તેનો ખર્ચ કોવીડની ગ્રાન્ટમાંથી કરી શકાશે નહી, આ મામલે કંઇ ખોટું થયું હશે તો તપાસ કમિટી રચીને તપાસ કરવામાં આવશે.

બેઠકમાં નિર્ણય કરાયો’તો
સિવિલ અધિક્ષક ડો.મનિષ મહેતાએ જણાવ્યું હતું કે, હોસ્પિટલના દર્દીઓને ભોજનમાં ફેરફાર કરવો નહી તેવા વિચાર સાથે તમામને એક સરખું ભોજન આપવાનો વિચાર કર્યો હતો અને કલેક્ટરની અઘ્યક્ષતામાં મળેલી બેઠકમાં પુરી કમિટીએ આ નિર્ણય લીધો હતો, હોસ્પિટલના રસોડામાં થતાં મહિનાના 11 લાખના ખર્ચ સામે હોટેલના ખર્ચથી લાખો રૂપિયાનો સરકારી બોજ વધશે તેવા પ્રશ્નનો ડો.મહેતા ઉત્તર આપી શક્યા નહોતા.

હવે ચાર્જ વસૂલી છીએ
હોટેલ સંચાલકે જણાવ્યું હતુંકે, શરૂઆતમાં કોરોના વોર્ડમાં હોટેલ દ્વારા વિનામુલ્યે ભોજન આપવામાં આવતું હતું અને તે અમારી હોટેલના સેવાકિય પ્રવૃતિના ખર્ચમાંથી ભોગવવામાં આવતું હતું, પરંતુ હવે દિવસો વધતાં ખર્ચ પોષાય તેમ નહી હોવાથી કોન્ટ્રાક્ટ મુજબ ભાવ વસુલી રહ્યાછીએ, હોસ્પિટલ દ્વારા જાહેર કરાયેલા ટેન્ડર અંગે તેમણે કહ્યું હતું કે, વાર્ષિક કોન્ટ્રાક્ટ માટે ટેન્ડર ભરવું કે કેમ તે નિર્ણય હજું સુધી કર્યો નથી.

ષડયંત્રની આ રીતે શરૂઆત કરવામાં આવી
કોરોનાના વોર્ડમાં દાખલ દર્દી અને મેડિકલ સ્ટાફ માટે પ્રેમવતીમાંથી આવતું ભોજન બંધ કરાવીને એક લકઝરિયસ હોટેલમાંથી મફતમાં ભોજન મગાવવાનું શરૂ કર્યું અને એવો ત્રાગડો રચ્યો કે જાણે કોરોના રહે ત્યાં સુધી હોટેલમાંથી જ મફત ભોજન મળશે.

20 મેથી સિવિલનું રસોડું બંધ કરાવી દીધું
થોડા દિવસ હોટેલનું વિનામૂલ્યે ભોજન કોરોના વોર્ડમાં અપાવ્યા બાદ 11 મેની કલેક્ટર સાથેની બેઠકને આધાર બનાવી ડો.મહેતાએ તા.20થી સિવિલનું રસોડું બંધ કરાવી તમામ દર્દીઓ માટે હોટેલનું રૂ.270 લેખે જમવાનું મગાવવાનું શરૂ કર્યું.

ષડયંત્રનો તબીબી અધિક્ષકે આ રીતે અમલ કર્યો
સિવિલનું રસોડું બંધ કરવા સંદર્ભે કોઈ સુચના ન હોવા છતાં નિર્ણય કરાયો. ત્યારબાદ લકઝરી હોટેલમાંથી ભોજન મગાવવાનું શરૂ કર્યું. કરાર અંગેના તમામ ડોક્યુમેન્ટ પોતાની પાસે જ રાખ્યા અને કલેક્ટરનો હવાલો આપી ષડયંત્ર ચાલુ રાખ્યું.

કરોડો રૂપિયા કમાવવા આખા વર્ષનું ટેન્ડર બહાર પાડ્યું
સિવિલમાં સરેરાશ 700 દર્દી દાખલ થતાં હોય છે. એ ગણતરી મુજબ કોરોના પહેલાં મહિનાનું બિલ 11 લાખ થતું હતું જયારે ડો.મહેતાએ કોન્ટ્રાક્ટ આપ્યા બાદ આ બિલ 56.70 લાખનું થશે. આ આંકડો જ કૌભાંડ થયાની ચાડી ખાય છે.

700 દર્દી માટે મહિને 11 લાખનો ખર્ચ થતો હતો
હોસ્પિટલમાં સરેરાશ દરરોજ 700 દર્દી દાખલ હોય છે અને તેને અત્યાર સુધી હોસ્પિટલના રસોડામાથી જમવાનું આપવામાં આવતું હતું તેનો મહિનાનો ખર્ચ 11 લાખ થતો હતો. 700 દર્દીઓને અનલિમિટેડ જમવાનું આપવામાં આવતું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here