- જેલરે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી
રાજકોટ મધ્યસ્થ જેલમાં મોબાઈલ ફોન અને તમાકુ સહિતની ચીજવસ્તુઓ મળવી હવે સામાન્ય બની ગઈ છે. ત્યારે ફરી વધુ એક વખત જેલમાં યાર્ડ નં.1માં પાણીના પાઈપમાંથી એક મોબાઈલ અને ચાર્જર મળી આવ્યું છે. આથી જેલરે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરવામાં આવી છે.
સ્થાનિક જડતી સ્કવોડના જેલરે તપાસ હાથ ધરતા મોબાઈલ મળી આવ્યો
જેલર ગ્રુપ-2 ડી. પી.રબારીએ પ્રદ્યુનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરૂદ્ધ પ્રિઝન એકટની કલમ 42, 43, 45ની પેટા કલમ 12 મુજબ ફરિયાદ નોંધાવી છે. રબારીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, 8 ઓક્ટોબરે સ્થાનિક જડતી સ્કવોડના જેલર કે. એ. વાઢેરની રાહબરીમાં કર્મચારીઓને સાથે રાખી નવી જેલ-2 યાર્ડ નં. 1ની અંદર ઓચિંતા જડતી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન ડાબી બાજુએ આવેલી પાણીની પાઇપની અંદર છુપાવેલો સેમસંગ કંપનીનો બ્લુ રંગનો સીમકાર્ડ વગરનો મોબાઇલ ફોન તથા એનએસી કંપનીનું એક ચાર્જર સિપાહી વહેસિંહ ઠાકોરને મળી આવ્યા હતા.
જેલમાં અગાઉ પણ પ્રતિબંધિત વસ્તુઓના દડાના ઘા થયા હતા
મોબાઇલ ચાલુ હાલતમાં હોય જેલમાં કોણે કોણે ઉપયોગ કર્યો? ક્યાંથી આવ્યો? કોઇ ગુનાહિત પ્રવૃતિમાં વપરાયો કે કેમ? કોઇ કેદી કે જેલ કર્મચારીઓ સંડોવાયા છે કે કેમ? તે સહિતના મુદ્દે તપાસ કરાવવાની હોવાથી ફરિયાદ નોંધાવાઇ છે. PI એલ. એલ. ચાવડાની રાહબરીમાં PSI બી. વી. બોરીસાગર વધુ તપાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ જેલામાં અગાઉ પણ તમાકુ, મસાલા સહિતની પ્રતિબંધિત વસ્તુઓનો પ્લાસ્ટિકમાં વીંટાળેલા દડાના ઘા થય હતા.