‘લક્ષ્મી બોમ્બ’ના હાલ આલિયા ભટ્ટની ફિલ્મ ‘સડક 2’ જેવા ના થાય તે માટે ટ્રેલરમાંથી લાઈક-ડિસ્લાઈકનું ઓપ્શન ગાયબ

0
143

અક્ષય કુમાર તથા કિઆરા અડવાણીની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં અક્ષય પોતાના બિંદાસ કોમેડી અંદાજમાં જોવા મળ્યો છે. 3 મિનિટ 40 સેકન્ડનું આ ટ્રેલર જોઈને ચાહકોને ‘ભૂલ ભૂલૈયા’ તથા ‘સ્ત્રી’ ફિલ્મ યાદ આવી જશે. આ ફિલ્મ નવ નવેમ્બરના રોજ OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે. જોકે, અક્ષય કુમારની આ ફિલ્મના ટ્રેલરમાંથી લાઈક-ડિસ્લાઈકનું ઓપ્શન હટાવી દેવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે ટ્રેલરને લાઈક કરતાં ડિસ્લાઈક્સ વધુ ના મળે તે માટે આ ઓપ્શન હટાવી દેવામાં આવ્યું છે.

મેકર્સે લાઈક-ડિસ્લાઈક હટાવ્યું
મેકર્સને આશા છે કે આ ફિલ્મને સારો રિસ્પોન્સ મળશે. જોકે, યુટ્યૂબ પરથી ફિલ્મના ટ્રેલરનું લાઈક્સ તથા ડિસ્લાઈક્સનું ઓપ્શન હટાવી દેવામાં આવ્યું છે. ટ્રેલર જોયા બાદ તમે ટ્રેલરને લાઈક અથવા ડિસ્લાઈક કરી શકો છો પરંતુ અત્યાર સુધી કેટલા લોકોએ આ ટ્રેલરને લાઈક કર્યું કે ડિસ્લાઈક કર્યું તે જોઈ શકાતું નથી.

ટ્રેલર રિલીઝ પહેલા જ બોયકોટની માગણી ઊઠી હતી
અક્ષય કુમારે હાલમાં જ બોલિવૂડના ડ્રગ્સ કલ્ચર અંગે વાત કરી હતી. અક્ષયે કહ્યું હતું કે બોલિવૂડમાં ડ્રગ્સની સમસ્યા છે પરંતુ ઈન્ડસ્ટ્રીના દરેક લોકોને એક જ દૃષ્ટિકોણથી જોવા ખોટું છે. આ વીડિયો બાદ ચાહકો નિરાશ થયા હતા અને ત્યારબાદ અક્ષયની ‘લક્ષ્મી બોમ્બ’નો બોયકોટ કરવામાં આવે તેવી ડિમાન્ડ કરવામાં આવી હતી. આ જ કારણથી ફોક્સ સ્ટારે લાઈક-ડિસ્લાઈક ઓપ્શન હટાવી દીધું હોવાની ચર્ચા છે. અક્ષય કુમાર જેવા સુપરસ્ટારની ફિલ્મની નેગેટિવ પબ્લિસિટી ફિલ્મના પર્ફોર્મન્સ પર અસર કરી શકે છે. જોકે, ટ્રેલરનું કમેન્ટ સેક્શન ઓપન છે.

‘સડક 2’ તથા ‘ખાલી પીલી’ને લાઈક્સ કરતાં ડિસ્લાઈક વધુ મળ્યા
આલિયા ભટ્ટની ફિલ્મ ‘સડક 2’ને 13 મિલિયનથી વધુ લોકોએ ડિસ્લાઈક કર્યું છે. આ અત્યાર સુધીનો રેકોર્ડ છે. આ ઉપરાંત અનન્યા પાંડે તથા ઈશાન ખટ્ટરની ફિલ્મ ‘ખાલી પીલી’ના ટ્રેલરને પણ લાઈક્સ કરતાં ડિસ્લાઈક્સ વધુ મળી છે. ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતના મોત બાદથી ચાહકોમાં સ્ટાર કિડ્સ પ્રત્યે આક્રોશ છે. સુશાંતના મોત બાદથી બોલિવૂડમાં નેપોટિઝમને મહત્ત્વ આપવમાં આવતું હોવાની વાત ચર્ચાઈ હતી. આથી જ ચાહકોને સ્ટાર કિડ્સ પ્રત્યે રોષ છે.

ફિલ્મના ટ્રેલર રિલીઝ પહેલા શું કહ્યું હતું લીડ એક્ટર્સે?
ફિલ્મના ટ્રેલર રિલીઝ પર કિઆરાએ કહ્યું હતું, ‘જ્યાં સુધી ચિનગારી નહીં લાગે તો બોમ્બ કેવી રીતે ફૂટશે? હું તથા અક્ષય કુમાર આવી રહ્યા છીએ. #લક્ષ્મીબોમ્બના ટ્રેલરની સાથે માત્ર ત્રણ કલાકમાં. તૈયાર રહો.’ અક્ષય કુમારે કહ્યું હતું, ‘હું અને કિઆરા #લક્ષ્મીબોમ્બ ટ્રેલરની રાહ જોઈ રહ્યાં છીએ. માત્ર ત્રણ કલાક બાકી રહ્યા. ટ્રેલર આજે 12.30 વાગે આવશે.

હસાવશે, ડરાવશે તથા પરિવારની સાથે ધમાલ મચાવશે
આ ફિલ્મના ટ્રેલર સાથે જોડાયેલી અન્ય પોસ્ટ શૅર કરતા ગુરુવાર, 8 ઓક્ટોબરના રોજ બંને સ્ટાર્સે કહ્યું હતું, ‘હસાવશે, ડરાવશે અને તમારા ઘરના લોકોની સાથે મળીને સૌથી મોટી ધમાલ જોશો આવતીકાલે.

થોડાં દિવસ પહેલા ટીઝર આવ્યું હતું
16 સપ્ટેમ્બરના રોજ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. અક્ષય કુમાર સાડીમાં જોવા મળ્યો હતો અને બેકગ્રાઉન્ડમાં અવાજ સંભળાતો હતો કે ‘આજ સે તેરા નામ લક્ષ્મણ નહીં લક્ષ્મી હોગા.’

અક્ષયે કહ્યું હતું, ‘આ દિવાળીએ તમારા ઘરમાં ‘લક્ષ્મી’ની સાથે સાથે એક ધમાકેદાર ‘બોમ્બ’ પણ આવશે. ‘લક્ષ્મી બોમ્બ’ નવ નવેમ્બરના રોજ, માત્ર ડિઝની પ્લસ હોટસ્ટાર પર’. ટીઝરમાં સ્ક્રીન પર લખાઈને આવતું હતું, ‘જ્યારે સમાજથી હાંકી કઢાયેલો વ્યક્તિ એકદમ હિંસક બની જાય છે.

તમિળ ફિલ્મની હિંદી રીમેક
આ ફિલ્મમાં અક્ષય તથા કિઆરા ઉપરાંત તુષાર કપૂર, શરદ કેલકર, અશ્વિની કલ્સેકર જેવા કલાકારો છે. ફિલ્મને ડિરેક્ટર રાઘવ લોરેન્સે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ તમિળ ફિલ્મ ‘કાંચના’ની હિંદી રીમેક છે. ‘લક્ષ્મી બોમ્બ’ પહેલા 22 મે, 2020ના રોજ રિલીઝ થવાની હતી પરંતુ કોરોનાને કારણે લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને થિયેટર બંધ થઈ ગયા હતા. હવે 15 ઓક્ટોબરના રોજ થિયેટર ખુલી રહ્યા છે.

ગયા વર્ષે નવરાત્રિ દરમિયાન ફર્સ્ટ લુક શૅર કર્યો હતો
અક્ષયે ગયા વર્ષે નવરાત્રિ દરમિયાન 3 ઓક્ટોબરના રોજ ફિલ્મનો ફર્સ્ટ લુક શૅર કરીને કહ્યું હતું, ‘નવરાત્રિ આંતરિક દેવીને નમન કરવા તથા પોતાની અસીમ શક્તિઓનો ઉત્સવ મનાવવા અંગે છે. આ શુભ અવસર પર હું લક્ષ્મીના રૂપમાં મારો લુક તમારી સાથે શૅર કરી રહ્યો છું. એક એવી ભૂમિકા જેને લઈ મને ઉત્સાહ તથા ડર બંને છે…પરંતુ પછી જીવન ત્યાંથી જ શરૂ થાય છે, જ્યારે આપણે કમ્ફર્ટ ઝોનનો અંત લાવીએ છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here