સુરતઃ આટલી કઠોરતા પણ સારી નહીં ‘સાહેબ’, રૂ. 400નો દંડ થતાં છોકરો રડી પડ્યો, પણ મહેનત કર્યા વગરનો રૂપિયો ન લીધો

0
258

નિયમો પાલનની જડતા સરકારી અધિકારીઓ કે કર્મચારીઓમાં ત્યારે જોવા નથી મળતી જ્યારે કોઈ નેતા કે ધનીક બિઝનેસમેન દ્વારા તેના સરેઆમ લીરેલીરા ઉડતા હોય. જોકે હજુ પણ સરકારમાં કેટલાક અધિકારીઓ કર્મચારીઓ છે જેમની માનવતાએ તંત્રને હજુ થોડું જીવંત રાખ્યું છે. સુરતમાં લારી ચલાવીને પેટીયું રળતા એક છોકરાને નગરપાલિકાના સાહેબોએ રૂપિયા 400નો દંડ ફટકાર્યો, જોકે નિયમોના પાલનની જડતામાં સાહેબોને એટલી સામાન્ય સમજ ન પડી કે તે રૂપિયા તેણે કેવી રીતે ભેગા કર્યા હશે અને તેના માટે આ 400ની કિંમત કેટલી છે. છોકરો રીતસર રડી પડ્યો જ્યારે તેને દંડ થયો. કદાચ પોતે મોટો ગુનો કરી દીધો છે તેવું જાણી તેનું હૃદય ફફડી ગયું હશે.

સુરતનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયો સાથે વાયરલ થઈ રહેલા મેસેજમાં કહેવાઈ રહ્યું છે કે તે વરાછા કચારગામનો વીડિયો છે. આ વીડિયો જોનારા લગભગ તમામ તંત્ર સામે ફીટકાર વરસાવી રહ્યા છે. કારણ ભૂખનું દર્દ લગભગ દરેક સમજી ચુક્યા હતા, પણ સાહેબોને તો નિયમો પડાવવાની જવાબદારી સોંપાઈ છે… નિષ્ઠાથી નિભાવવી પડે… અહીં વીડિયોમાં લોકો કહી રહ્યા છે કે ગઈકાલે પણ અધિકારીઓ આવ્યા હતા અને દંડ ફટકાર્યા હતા. મોટા ધંધાદારીઓ રોજ હજારોથી લઈ કરોડોની ઉલટસુલટ કરી નાખતા હોય છે તેવાઓ સામે પણ આવી જ નિષ્ઠાથી તંત્ર કામ કરે તેવી લોકોએ અપેક્ષાઓ વ્યક્ત કરી છે. સાથે જ આ 15 વર્ષના છોકરાને કરેલા દંડ મામલે તંત્ર પર ફીટકાર વરસાવી છે. આ ઘટનામાં તો ઉપરથી જ્યારે એક વ્યક્તિ તે છોકરાને 500ની નોટ આપે છે અને તારે રડવાની જરૂર નથી લે આ રૂપિયા લઈ લે તેવું કહે છે તો છોકરો આંસુ લુછી નાખે છે પણ મહેનત વગરનો રૂપિયો અડતો પણ નથી, તેનું મન કચવાય છે તેવું સ્પષ્ટ વીડિયોમાં જોઈ શકાય છે. તંત્રમાં બેસેલા લગભગ ઘણા સાહેબોએ આ છોકરા પાસેથી શિખવા જેવું છે.

આ મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ પણ ઘટનાને વખોડી કાઢતાં કમિશનરને રજૂઆત કરવાની તૈયારી દર્શાવી છે. તેમણે કહ્યું કે હાલ ગરીબ લોકો માટે બે ટાણાંનું જમવાનું કેવી રીતે ઊભું કરવું તે યક્ષ પ્રશ્ન છે ત્યારે આવી રીતે દંડ લેવાય તે માણસ તરીકે ન્યાયી નથી લાગતું. કિશોર વયના આ છોકરાએ કોઈ ગુનો કર્યો હોય તો તેને સમજાવવો જોઈતો હતો, આ રીતે 400 રૂપિયાનો દંડ તેના માટે ઘણો ઊંચો છે.

સુરતઃ આટલી કઠોરતા પણ સારી નહીં ‘સાહેબ’, રૂ. 400નો દંડ થતાં છોકરો રડી પડ્યો, પણ મહેનત કર્યા વગરનો રૂપિયો ન લીધો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here