75 દિવસ બાદ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે મંદિરો ખુલ્યા, ભીડ ભંજન હનુમાન મંદિરમાં સેનેટાઈઝ ટનલમાંથી ભક્તો પ્રવેશ કરે છે, રૂપિયાને સેનેટાઈઝ કરવા યુવી મશીન મુકાયુ

0
385

કોરોના વાઈરસની મહામારી વચ્ચે અનલોક-1માં સરકારની ગાઇડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે 75 દિવસ બાદ મંદિરો સહિતના ધાર્મિકસ્થાનો ખુલ્લા મુકાયા છે. વડોદરા શહેરના મોટનાથ મહાદેવ અને ભીડ ભંજન હનુમાન સહિતના તમામ મોટા મંદિરો આજે અનલોક-1માં સરકારની ગાઇડલાઇન મુજબ ખુલી ગયા છે. જેથી પહેલા દિવસે જ લોકો ભગવાનના દર્શન માટે ઉમટી પડ્યા હતા. તો કાવી કંબોઇ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિરનું મંદિર પણ સોશિયલ ડિસ્ટન્સ સાથે ખુલ્યું છે. 

મંદિરમાં ગોળ કુંડાળા દોરીને ભક્તો પાસે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવાય છે
વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલા ભીડ ભંજન હનુમાન મંદિરમાં સેનેટાઈઝ ટનલ મુકવામાં આવી છે. જેથી તમામ ભક્તો સેનેટાઈઝ થયા બાદ જ મંદિરમાં પ્રવેશ કરી શકે. આ ઉપરાંત દાન પેટીની જગ્યાએ યુવી મશીન મુકવામાં આવ્યું છે. જેતી યુવી મશીનમાં રૂપિયા નાખતા જ સેનેટાઇઝ થઇ જાય છે. મંદિરમાં ગોળ કુંડાળા દોરીને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન જળવાઇ રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 

મોટનાથ મહાદેવ મંદિરમાં ભક્તોને 2 મિનીટથી વધુ સમય પૂજા નહીં કરવા દેવાય
વડોદરા શહેરના હરણીમાં વિસ્તારમાં આવેલા મોટનાથ મહાદેવના મંદિર ખુલતાની સાથે જ ભક્તો દર્શન માટે લાઈનો લગાવી હતી. મોટનાથ મંદિર પ્રશાસન દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટે ગોળ કુંડાળા દોરવામાં આવ્યા છે. જેમાં ઉભા રહીને જ લોકો લાઇનમાં ઉભા રહ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે દર્શન કર્યાં હતા. જેથી કરીને કોરોના વાઈરસના સંક્રમણથી ભક્તોને બચાવી શકાય. આ ઉપરાંત મંદિરના ગર્ભગૃહમાં માત્ર બે વ્યક્તિને જ એકસાથે પ્રવેશ આપવામાં આવે છે અને 2 મિનીટથી વધુ સમય પૂજા માટે લેવો નહીં તેમ પણ જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત માસ્ક પહેર્યા વિના ભક્તને પ્રવેશ આપવામાં આવતો નથી. અને ગર્ભગૃહમાં દર્શન કરવા જતા ભક્તોને એક સાથે બે ભક્તોને પૂજા માટે જવા દેવામાં આવે છે.

હરણી ભીડભંજન હનુમાન મંદિરના મહંત કહે છે કે, ભક્તોને સંક્રમણથી દૂર રાખવા તમામ પ્રયાસ કરીએ છીએ 
હરણી ભીડભંજન હનુમાન મંદિરોના મહંત હર્ષદગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, અમે લોકોએ ભક્તોની ચિંતા કરીને સોશિયલ ડિસ્ટન્સિંગનું ખાસ પાલન કરાવી રહ્યા છીએ. લોકો કુંડાળામાં જ ઉભા રહીને લાઇનમાં ઉભા રહે તે માટે અમે ભક્તોને વિનંતી કરી છે અમે મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તોને અપીલ કરીએ છે કે, તેઓ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને જ દર્શન કરે, જેથી તમામ ભક્તો સંક્રમણથી દૂર રહે.

ભક્તો કહે છે કે, 75 દિવસ બાદ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી, પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું
દર્શન કરવા માટે આવેલા ભક્ત રેખાબેન પટેલે જણાવ્યું હતું કે, 75 દિવસ બાદ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી છે. જોકે માસ્ક પહેરીને જ દર્શન કરવા માટે ગઇ હતી. અને લોકોથી દૂર રહીને ભગવાનના દર્શન કર્યાં હતા. આપણે બધાએ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને જ મંદિરમાં પ્રવેશ કરવો પડશે, તો જ કોરોનાના સંક્રમણથી બચી શકીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here