વડોદરા / મર્ડરનાં આરોપીએ જેલમાંથી છુટ્યા બાદ સાગરીતો સાથે સરઘસ કાઢ્યું, પોલીસની આબરુનું સરાજાહેર ચીરહરણ !!

0
557
  • આજવા રોડ પર ઇકો કારને ઓવર ટેક કરવાના મામલે થોડા સમય પહેલા એક બાઇક સવાર યુવકની હત્યા કરવામાં આવી હતી.
  • આ મામલે પાણીગેટ પોલીસે સુરજ કહાર સહીત 6 શખ્સોની ધરપકડ કરી હતી
  • સેન્ટ્રલ જેલમાંથી બહાર આવતાં સમયે સુરજ સંજય દત્તની સંજુ ફિલ્મ સ્ટાઇલમાં ટિકટોક બનાવ્યો
  • હત્યાના ગુાનમાં સંડોવાયેલા સુરજ કહાર જામીન પર બહાર આવ્યો હોવાનુ જાણવા મળી રહ્યું છે. 
  • સેન્ટ્રલ જેલથી વારસિયા સુધી જાહેર રસ્તા પર રેલી કાઢતો સુરજનો વિડિયો સોશીયલ મીડિયામાં વાઇરલ

વડોદરા. વડોદરા સેન્ટ્રલ જેલમાંથી જામીન ઉપર બહાર આવેલા હત્યાના આરોપીએ પોતાના વિસ્તારમાં ઓડી કારમાં પોતાના મિત્રો સાથે રેલી કાઢી પોલીસ તંત્રની આબરૂના લીરેલીરા ઉડાવ્યા હતા. જોકે, ક્રાઇમ બ્રાંચે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે અને તેને રેલી માટે ઉપયોગમાં લીધેલી કાર કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કલાદર્શન ચાર રસ્તા પાસે કાર ઓવરટેક કરવા મુદ્દે યવાનની હત્યા થઇ હતી
23 ફેબ્રુઆરીના રોજ વાઘોડિયા રોડ કલાદર્શન ચાર રસ્તા પાસે કારનો ઓવરટેક કરવા બાબતે કેવલ ઉર્ફ દેવલ જાદવને ઢોર મારમારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બનાવમાં પાણીગેટ પોલીસે સુરજ ઉર્ફ ચુઇ રમણલાલ કહાર (રહે. શીતળા માતાનો ખાંચો, વારસીયા) સહિત 6 હુમલાખોરો સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. બાદમાં તમામને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે તમામને જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.

આરોપીને જામીન મળતા તેના સાગરીતો ઓડી કાર લઇને જેલ પહોંચીને રેલી કાઢી હતી
આ હત્યાના બનાવમાં કોર્ટે 4 જૂનના રોજ સુરજ ઉર્ફ ચુઇ કહારને જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો. આરોપી જામીન ઉપર મુક્ત થયા બાદ તેના સાગરીતો અરૂણ માછી, અજય, નિતીન ભદોરીયા ઉર્ફ સુનિલ રાજપુત, સન્ની, શાહરૂખ અને શિવમ જતીન કહાર સહિત 10 જેટલા તેને ઓડી કાર લઇને જેલ ખાતે પહોંચ્યા હતા. અને તેને રેલી કાઢી વારસીયા વિસ્તારમાં આવ્યા હતા. ઉપરાંત વારસીયા વિસ્તારમાં પણ તેનો વરઘોડો કાઢ્યો હતો. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં ક્રાઇમ બ્રાંચ એકશનમાં આવી હતી. 

ક્રાઇમ બ્રાંચે સુરજ કહાર સહિત 10 સાગરીતો વિરૂદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો
આ બનાવ અંગે ડી.સી.પી. ક્રાઇમના જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આરોપીના વાઈરલ થયેલા વીડિયોના આધારે ક્રાઇમ બ્રાંચ દ્વારા સુરજ કહાર સહિત તેના 10 સાગરીતો વિરૂદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને સુરજ ઉર્ફ ચુઇ કહારની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે તેની ઓડી કાર પણ કબજે કરવામાં આવી છે. બાકીના તેના સાગરીતોની શોધખોળ ચાલી રહી છે.