વિરમગામમાં 2.88 કરોડના ખર્ચે બનેલા સ્વામી વિવેકાનંદ ટાઉનહોલનું મુખ્યમંત્રીએ ગાંધીનગરથી ઇ-લોકાર્પણ કર્યું

0
112
  • માળખાકીય સુવિધાઓ વધારીને નગરોને રહેવાલાયક, માણવાલાયક બનાવવાની રૂપાણીની પ્રતિબદ્ધતા
  • નગરપાલિકાઓ વિકાસકામોનાં આયોજન કરે, રાજ્ય સરકાર નાણાં પૂરાં પાડવા તૈયાર: વિજય રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ જિલ્લાના વિરમગામમાં 2.88 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા ટાઉનહોલનો ઇ લોકાર્પણ ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કર્યો હતો.મુખ્યમંત્રીએ રાજ્યના નગરોમાં માળખાકીય સુવિધા વધારીને ઇઝ ઓફ લિવિંગ દ્વારા નગરોને રહેવા લાયક માણવા લાયક બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ગુજરાતના નગરો સ્માર્ટ સિટી બને અને વિશ્વના નગરો શહેરોની સરખામણીએ ઊભા રહે તેવું સુદ્રઢ નગર વિકાસ આયોજન વિકસાવ્યું છે.

રાજ્યમાં શહેરી જનસંખ્યા 45 ટકાથી વધુ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, અંમારી સરકાર જ્યારથી સત્તામાં આવી ત્યારથી રાજ્યના શહેરો-નગરોનો વિકાસ આયોજન બદ્ધ અને ઝડપી થયો છે.રાજ્યમાં શહેરી જનસંખ્યા 45 ટકાથી વધુ છે. આમ રાજ્યમાં 50 ટકા લોકો ગામડામાં અને 50 ટકા લોકો નગરોમાં વસે છે ત્યારે રાજ્ય સરકાર નગરોમાં માળખાકીય સેવાઓ વ્યાપક બનાવી ઇઝ ઓફ લિવિંગ વધારવા માટે કટિબદ્ધ છે.

લોકો છેલ્લા શ્વાસ સુધી રહેવા પસંદ કરે તેવા નગરોનું નિર્માણ કરવાની નેમ
રાજ્યના નગરો રહેવાલાયક, માણવાલાયક અને જીવવાલાયક બને તે માટે સરકાર પ્રતિબદ્ધ છે. વ્યક્તિ પોતાના વતન, પોતાના ગમતા નગરમાં છેલ્લા શ્વાસ સુધી રહેવું પસંદ કરે તેવા નગરોનાં નિર્માણની નેમ મુખ્યમંત્રીએ આ અવસરે વ્યક્ત કરી હતી. રાજ્યના નગરોમાં સમસ્યાઓની ભરમાર ન હોય પરંતુ વ્યથાની જગ્યાએ વ્યવસ્થાઓ હોય તેવું વાતાવરણ બનાવ્યું છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

નગરપાલિકાના વિકાસ કામોના રાજ્ય નાણાં પૂરા પાડશે
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિરમગામમાં નિર્માણ પામેલા ટાઉન હોલનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, નગરપાલિકાઓ વિકાસ કામોના આયોજન કરે રાજ્ય સરકાર આ માટેના નાણાં પૂરા પાડશે. રાજ્ય સરકાર વિરમગામના ઐતિહાસિક મુનસર તળાવનો વિકાસ સંવર્ધન ઈચ્છે છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.

સ્વામી વિવેકાનંદ ટાઉનહોલ પણ વિરમગામની ઓળખ બનશે
મુખ્યમંત્રીએ કહ્યું કે, ગામ નગરના તળાવ, જાહેર સ્થળો, જાહેર ભવનો, રસ્તા, ગટર વ્યવસ્થા, પાણી વિતરણ વ્યવસ્થા આ બધી નગરની ઓળખ હોય છે. સારા પ્રસંગો ઉજવવા કે કાર્યક્રમો કરવા ટાઉનહોલ સુવિધા ઉપયોગી બનતી હોય છે. ટાઉનહોલ શબ્દ અંગ્રેજોના વખતથી પ્રચલિત છે. ઐતિહાસિક સંભારણા ટાઉનહોલમાં ગુંજતા હોય છે. ટાઉનહોલની સભાઓ, મેળાવડાઓ યાદગાર અને ઐતિહાસિક બની જતા હોય છે. વિરમગામનો સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ પણ વિકાસ કાર્યક્રમો અને વિકાસચર્ચાનું કેન્દ્ર બની રહે તેવી મુખ્યમંત્રીએ આશા વ્યક્ત કરી હતી.

જનસુખાકારીની જવાબદારી સરકારની
મુખ્યમંત્રીએ કહ્યું કે, નગરપાલિકાના સત્તાધીશો ભવિષ્યનો વિચાર કરી વિકાસકાર્યો અને વિકાસ આયોજનો કરે જેથી માનવી ત્યાં સુવિધાનો સંકલ્પ સાકાર થાય. નગરોમાં આવશ્યક તમામ સુવિધાઓ, જનસુખાકારીના તમામ પ્રકલ્પો ખૂણે-ખૂણે પહોંચાડવાની જવાબદારી રાજ્ય સરકારની છે. આ માટે રાજ્ય સરકાર નગરપાલિકાના પડખે ઊભી છે. શુદ્ધ પેયજળ નાનું ઝુંપડું હોય કે મોટો બંગલો તમામ સુધી પહોંચે તેવું આયોજન થવું જોઈએ.

તમામ સુવિધાથી સજ્જ બે માળનો ટાઉનહોલ
નગરપાલિકાના પ્રમુખ રેખાબેન પંડ્યાએ આ પ્રસંગે વિરમગામના નવનિર્મિત ટાઉનહોલનું નામ ‘સ્વામી વિવેકાનંદ ટાઉનહોલ’ જાહેર કર્યું હતું. રૂ. 288.70 લાખના ખર્ચે નિર્માણ પામેલો ટાઉન હોલ બે માળનો છે તથા આવશ્યક તમામ સુવિધાઓથી સજ્જ છે તેમ તેઓએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here