- રાજકોટ ડેરી સાથે 912 દૂધ મંડળીઓ જોડાયેલી છે
રાજકોટ ડેરીમાં ચેરમેન પદ માટેની ચૂંટણી જાહેર થતાં રસાકસી ચાલી રહી હતી. ત્યારે રાજકોટ ડેરીના ચેરમેન પદની ચૂંટણી બિનહરીફ થતાં આજે ગોરધન ધામેલિયાને ચેરમેન બનાવવામાં આવ્યાં છે. 17 વર્ષ બાદ ચેરમેન બદલાયા છે મહત્વનું છે કે છેલ્લા 17 વર્ષથી ગોવિંદ રાણપરીયા ચેરમેન પદે શાસન ચલાવી રહ્યાં હતા. હવે ગોરધન ધામેલિયાને નવા ચેરમેન બનાવવામાં આવ્યાં છે.
મંત્રી જયેશ રાદડિયાની બેઠકમાં નિર્ણય લેવાયો
રાજકોટ ડેરીના ચેરમેન પદ માટે રવિવારે આગેવાનોની બેઠક મળી હતી જેમાં સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાના જૂના સાથીદાર એવા ગોરધન ધામેલિયાને ચેરમેન બનાવવા સહમતી બની હતી. ત્યારે આજે ચેરમેન પદની ચૂંટણી બિનહરીફ થતાં ગોરધન ધામેલિયાને ચેરમેન બનાવવામાં આવ્યાં છે. સમગ્ર મામલે ગોવિંદ રાણપરિયાએ નિવેદન આપ્યું હતું કે ગોરધન ધામેલિયા પર આખરી મહોર મારવામાં આવી છે. મંત્રી જયેશ રાદડિયાની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે ગોરધન ધામેલિયા સહકારી ક્ષેત્રે અનેક જવાબદારી નિભાવી ચૂક્યા છે.
પશુપાલકોને ફાયદો થાય તેવા પ્રયાસો કરીશું- ધામેલિયા
ગોરધન ધામેલિયાએ નિવેદન આપતા કહ્યું કે પશુપાલકોને ફાયદો થાય તેવા પ્રયાસો કરીશું. સૌરાષ્ટ્રમાં દૂધની ડેરી પશુપાલકોને સૌથી વધુ ભાવ આપી રહ્યાં છે. સાથે જ ભ્રષ્ટાચારના આરોપોને તથ્યહીન ગણાવ્યા હતા અને જણાવ્યું હતું કે ભારતીય કિસાન સંઘને પણ સાથે રાખીને ચાલશું. મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ ડેરી છે. જે 750 કરોડનું ટર્ન ઓવર કરી રહી છે. સાથે જ કિસાન સંઘના આરોપોને રાજકીય ગણાવ્યા હતા.
ભારતીય કિસાન સંઘના આરોપો ચૂંટણીલક્ષી હતા-રાણપરીયા
મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય કિસાન સંઘ દ્વારા રાજકોટ ડેરીના પૂર્વ ચેરમેન ગોવિંદ રાણપરિયા પર આક્ષેપ કર્યો હતો કે ડેરીમાં ભ્રષ્ટાચાર, ભરતીમાં સગાવાદ અને પશુપાલકોને ભાવફેર આપવામાં આવે છે. જેને લઈને મામલો ગરમાયો હતો. ત્યારે આજે રાણપરીયાએ નિવેદન આપતા કહ્યું કે ભારતીય કિસાન સંઘના આરોપો ચૂંટણીલક્ષી હતાં. મહત્વનું છે કે રાજકોટ ડેરી સાથે 912 દૂધ મંડળીઓ જોડાયેલી છે.