રાજકોટના હૃદય સમાન રેસકોર્સ ગાર્ડન સહિતના શહેરના ૧૭૦ જેટલા બાગ-બગીચાઓ, પ્રદ્યુમન પાર્ક ઝૂ અને ગાંધી મ્યુઝિયમ સહિતના મહાપાલિકા હસ્તકના ફરવાલાયક સ્થળો નવરાત્રિ પર્વમાં તો નહીં જ પરંતુ દિવાળીના તહેવારોમાં પણ ખોલવા નહીં તેવી ગંભીર વિચારણા અધિકારી વર્તુળોએ શરૂ કરી છે. જો ફરવા લાયક સ્થળો ખોલવામાં આવે તો શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ ફરી ભયજનક હદે ફેલાવાની ભીતિ રહે છે.વિશેષમાં મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે એક વખત ફરવાલાયક સ્થળો ખોલી નાખવામાં આવે ત્યારબાદ કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરાવવું મુશ્કેલ બની જાય છે. એક સાથે હજારો લોકો ઉમટી પડે તેવી સ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન થઈ શકે નહીં તેમજ માસ્કનું ચેકિંગ કરવામાં અને દરેક મુલાકાતીઓના હાથ સેનિટાઈઝ કરાવવામાં પણ પહોંચી શકાય નહીં આથી નવરાત્રિ પર્વ નહીં પરંતુ દિવાળીના તહેવારોમાં પણ રેસકોર્ષ સહિતના ૧૭૦ બાગ-બગીચાઓ, ગાંધી મ્યુઝિયમ, પ્રદ્યુમન પાર્ક ઝૂ સહિતના ફરવા લાયક સ્થળો નહીં જ ખોલવા મોટાભાગના અધિકારીઓએ અભિપ્રાય વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત મહાપાલિકા હસ્તકના અન્ય ફરવા લાયક સ્થળો જેમાં આજી ડેમ અને ન્યારી ડેમ એ પણ ભીડ એકત્રિત ન થાય તે માટે વિશેષ તકેદારી લેવા વિજિલન્સ બ્રાન્ચને જાણ કરાઇ છે.
મહાપાલિકાના સૂત્રો એમ પણ જણાવ્યું હતું કે હાલમાં શાળાઓ બંધ હોય બાળકો ખૂબ ઓછા બહાર નીકળે છે પરંતુ બાગ બગીચા સહિતના ફરવા લાયક સ્થળો ખોલવામાં આવે કે તુરંત જ શહેરીજનો સહ પરિવાર બાળકો સાથે ઉમટી પડે તેવા સંજોગોમાં બાળકો પણ કોરોના સંક્રમિત થવાની ભીતિ રહે તે બાબતને ધ્યાને લઈને ફરવા લાયક સ્થળો આ વર્ષે દિવાળીના તહેવારોમાં પણ નહીં ખોલવા માટે અભિપ્રાય વ્યક્ત કરવામાં આવ્યો છે. જો કે આ અંગેનો અંતિમ અને સત્તાવાર નિર્ણય ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.