ફેશન અને ફિટનેસ માટે જાણીતી મલાઈકા અરોરા કોરોના સામેની જંગ જીતીને ફરી કામે પરત ફરી છે. સ્વસ્થ થયા બાદ પણ મલાઈકાને વીકનેસ લાગવાની ફરિયાદ છે. આ સિવાય મલાઈકાએ એવું પણ જણાવ્યું કે તેના વાળ સામાન્ય કરતાં વધારે ઉતરી રહ્યા છે. આ સમસ્યાના ઉપાય માટે મલાઈકાએ સોશિયલ મીડિયા પર ટિપ્સ આપી છે જેને તે ખુદ ફોલો કરે છે.
ડુંગળીનો રસ ઉત્તમ ઉપાય
મલાઈકાએ #malaikastrickortip હેશટેગ સાથે વીડિયો શેર કરીને તેમાં ઘરગથ્થુ ઉપાય શેર કર્યો છે. તેણે કહ્યું કે, હેરફોલ એક એવી સમસ્યા છે જેને આપણે બધાએ ફેસ કરી હોય છે. કોઈને આ સમસ્યા અમુક સમયે જોવા મળે છે કોઈ માટે આ રોજની કહાની છે. પણ આપણે ડરવાની જરૂર નથી બસ એને યોગ્ય રીતે હેન્ડલ કરવાનું છે. હેલ્ધી ડાયટ મેન્ટેન કરવાની સાથે આપણે હેરફોલ કંટ્રોલ કરવા માટે અમુક સિમ્પલ DIY (ડુ ઈટ યોરસેલ્ફ) ટિપ્સ પણ યુઝ કરી શકીએ છીએ. મારી કોવિડ 19 રિકવરી બાદ મેં પણ સામાન્ય કરતાં વધુ હેરફોલની સમસ્યાનો સામનો કર્યો. મેં મારા રોજના વિટામિન્સ અને દવા સાથે ફરીવાર મારી એક સામગ્રીવાળી DIY હેરફોલ થેરાપી સ્ટાર્ટ કરી- ડુંગળીનો રસ.
કઈ રીતે કરશો?
મલાઈકાએ આ માટેની વિધિ જણાવી કે, એક તાજી ડુંગળી લો અને તેનો રસ કાઢી લો. રૂની મદદથી આ ડુંગળીના રસને તમારા સ્કાલ્પમાં લગાવો. થોડા સમય માટે એમ જ રહેવા દો. ત્યારબાદ વાળને પેરાબીન ફ્રી શેમ્પૂથી ધોઈ નાખો. તમને ફર્ક અઠવાડિયામાં જ દેખાશે અને મારા પર ભરોસો કરો તમે નાખુશ નહીં થાઓ. મલાઈકાએ ખુદ આ આખી પ્રોસેસ વીડિયોમાં કરીને બતાવી છે.
સેટ પર પરત ફરી એક્ટ્રેસ
કોરોના સામે જીત્યા બાદ મલાઈકા ફરીવાર ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર શોના જજ તરીકે સેટ પર પરત ફરી છે. કોરોના પોઝિટિવ આવ્યા બાદ મલાઈકા હોમ ક્વોરન્ટીન હતી. એકદમ સ્વસ્થ થયા બાદ જ એક્ટ્રેસ કામ પર પરત ફરી છે.