- જામનગર કોર્ટે આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં
જામનગર જિલ્લાના ધ્રોલમાં રાજપૂત યુવાનની સરાજાહેર હત્યા કરવાના કેસમાં પોલીસ દ્વારા 6 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારે મુખ્ય શાર્પ શૂટર રોહિતસિંહ ઉર્ફે સોનું ઠાકોર ઉત્તર પ્રદેશમાં પોતાના વતનમાં ભાગી છૂટ્યો હતો. જેનો જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે પીછો કરી પકડી પાડયો છે. હાલ તો આરોપીને જામનગર લાવીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ 5 દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો છે.
અદાલતે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
રાજપૂત યુવાનની હત્યા કેસમાં મૂળ ઉત્તરપ્રદેશના વતની રોહિતસિંહ ઉર્ફે સોનું રામપ્રસાદ અને શાર્પ શૂટર દ્વારા ફાયરિંગ કરીને હત્યાની ઘટનાને અંજામ અપાયો હતો. જેથી ક્રાઈમ બ્રાંચની ટીમે તપાસ ઉત્તર પ્રદેશ સુધી લંબાવી હતી અને આરોપી રોહિત સિંહ ઉર્ફે સોનુ ઠાકોરને પકડી પાડયો છે અને જામનગર લઈ આવ્યા પછી વધુ પૂછપરછ માટે અદાલત સમક્ષ રજૂ કર્યો હતો. પોલીસે 10 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જેમાં અદાલતે પાંચ દિવસની રિમાન્ડની માગણી મંજૂર કરી છે.
6 માર્ચના રોજ ક્ષત્રિય યુવાનની ફાયરિંગ કરી હત્યા કરાઈ હતી
ઘટનાની વિગત અનુસાર જામનગર જિલ્લાના ધ્રોલમાં તારીખ ગત 6 માર્ચના બપોરના સમયે ત્રિકોણ બાગ પાસે દિવ્યરાજસિંહ ઉર્ફે દીવુભા જદૂવિરસિંહ જાડેજા નામના ક્ષત્રિય યુવાનની સરાજાહેર ફાયરિંગ કરી હત્યા નીપજાવી હતી, જે ચકચારી હત્યા પ્રકરણમાં જામનગરની ક્રાઈમ બ્રાંચની ટીમે તપાસ હાથ ધરીને અનિરુદ્ધસિંહ સોઢા, મુસ્તાક રફીક પઠાણ, અજીતભાઈ વિરપાલ સિંહ ઠાકુર, અખિલેશ ઉર્ફે બબલુ શ્રીરામ ઠાકુર, રામદેવસિંહ જાડેજા અને નરેન્દ્રસિંહ ઉર્ફે કાનોની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી.