- સોમવારે રાજકોટમાં 95 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં આજે બપોર સુધીમાં 28 કેસ નોંધાયા છે. મોતની સંખ્યામાં છેલ્લા 5 દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં 24 કલાકમાં 5ના મોત થયા છે. જ્યારે શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા 7376 પર પહોંચી છે. જેમાંથી 900 દર્દીઓ રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સોમવારે 95 દર્દી કોરોના મુક્ત થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.
ગુરુવારથી રાજકોટના મુખ્ય ગાર્ડન ખૂલશે
લોકડાઉન બાદ મનપાએ ગાર્ડન ખોલવા માટે તૈયારી શરૂ કરી છે. જો કે શરૂઆતમાં માત્ર શહેરના મુખ્ય ગાર્ડન જ ખોલવામાં આવશે. સોસાયટીના ગાર્ડન હજુ બંધ જ રહેશે. આ ઉપરાંત પ્રદ્યુમ્નપાર્ક ઝૂ, મહાત્મા ગાંધી મ્યુઝિયમ 20 ઓક્ટોબર બાદ ખોલવામાં આવશે. ગાર્ડનમાં પ્રવેશ માટે મનપાએ નિયમ નક્કી કર્યા છે અને તે મુજબ લોકોને પ્રવેશ આપવામાં આવશે.
આ નિયમ મુજબ જ ગાર્ડનમાં પ્રવેશ આપવામાં આવશે
- માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ફરજિયાત
- ગાર્ડનમાં એક તરફ વોકિંગ કરી શકાશે, સામસામે વોકિંગ નહીં કરી શકાય
- બગીચામાં ટોળાંમાં બેસી મેળાવડા નહીં કરી શકાય
- હીંચકા, લપસિયાનો ઉપયોગ ન કરવા સૂચના અપાશે
- પ્રદ્યુમ્નપાર્ક ઝૂમાં 10 વર્ષથી નાના બાળકો અને 60 વર્ષથી મોટા વડીલો પ્રવેશ ન કરે તેવી વિનંતી કરાશે
- બગીચામાં થૂંકવું, પાન-માવો ખાઈને ધુમ્રપાન કરવા પર પ્રતિબંધ રહેશે.
- 10 વર્ષથી નાના બાળકો અને 65 વર્ષથી મોટા વડિલોના સ્વાસ્થ્ય માટે બગીચામાં પ્રવેશ ન કરે તે ઇચ્છનિય છે.
- બગીચો સવારે 6થી 12 અને બપોરે 3થી 7 સુધી ખુલ્લો રહેશે.
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના 120થી વધુ કર્મચારીઓ દ્વારા માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં સેનિટાઈઝ કરાયું
હાલ સમગ્ર વિશ્વ કોરોના વાયરસ સામે ઝઝૂમી રહ્યું છે. કોરોના સામે રક્ષણ મેળવવા સૌ નાગરિકોએ પોતાની ફરજ સમજીને માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને સેનિટાઈઝેશન તેમજ વારંવાર હાથ ધોવાની પ્રક્રિયા કરવાની રહે છે. રાજકોટ શહેરને કોરોના વાયરસમાંથી મુક્ત કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અવિરત કામગીરી કરવામાં આવે છે. કોરોનાકાળ વચ્ચે પણ રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના 120થી વધુ કર્મચારીઓ દ્વારા દરરોજ જાહેર થતા માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં હેન્ડપંપ વડે સેનિટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.