આગામી તારીખ ૧૬ થી અમલમાં આવે તે મુજબ રાજ્ય સરકારની તહેવારોની ગાઈડ લાઈન પ્રમાણે રાજકોટ જિલ્લા કલેકટર રમ્યા મોહને તહેવારોની ઉજવણી સંદર્ભે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ જાહેરનામામાં જણાવાયા મુજબ ગરબા, દુર્ગા પૂજા, દશેરા, દિવાળી, ઈદ, શરદ પૂનમ, બેસતુ વર્ષ, ભાઈબીજ અને નવા વર્ષની ઉજવણી જેવા તહેવારોની ઉજવણી ઘરમાં બેસીને કરવી પડશે.
કલેક્ટરે પોતાના જાહેરનામામાં જણાવ્યું છે કે ચોક્કસ શરતોને આધીન રહીને કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સામાજિક, શૈક્ષણિક, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રાજકીય સમારોહ યોજી શકાશે પરંતુ તેમાં કોવીડની ગાઈડલાઈનનું પૂરેપૂરું પાલન કરવાનું રહેશે. આવા પ્રકારના પ્રસંગમાં જો ચા, નાસ્તો કે જમવાની વ્યવસ્થા રાખવામાં આવેલી હશે તો એ કાર્યક્રમના સ્થળે રાખી શકાશે નહીં. અન્યત્ર આ પ્રકારની વ્યવસ્થા કરવી પડશે અને ત્યાં પણ એક સાથે ૫૦ થી વધુ વ્યક્તિઓ એકત્રિત ન થાય અને દરેક વ્યક્તિ વચ્ચે છ ફૂટનું અંતર જળવાય તેની કાળજી રાખવાની રહેશે. જયા કાર્યક્રમ યોજાઈ ત્યાં તબીબી સુવિધા તુરત જ ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા પણ કરવાની રહેશે.
જ્યારે આવા કાર્યક્રમો યોજવાનું થાય ત્યારે સ્થળની ક્ષમતાના ૫૦ ટકાથી વધુ નહીં અને મહત્તમ ૨૦૦ ની મર્યાદામાં યોજી શકાશે. લગ્ન સમારોહ, રિસેપ્શનમાં જગ્યાની ક્ષમતાના ૫૦ ટકા અથવા ૧૦૦ વ્યક્તિ બેમાંથી જે ઓછુ હશે તે રાખી શકાશે. પાર્ટી પ્લોટ, ખુલ્લા મેદાનો, કોમન પ્લોટ કે અન્ય ખુલ્લા સ્થળોએ જ્યારે કાર્યક્રમ યોજવાનું થાય ત્યારે જગ્યાની ક્ષમતાના ૫૦ ટકા અથવા ૧૦૦ વ્યક્તિ બે માંથી જે ઓછું હોય તે રાખવાના રહેશે. મૃત્યુ બાદની અંતિમ ક્રિયા અને ધાર્મિક વિધિમાં ૧૦૦ વ્યક્તિની મર્યાદા નક્કી કરવામાં આવી છે.મેળા, રેલી, પ્રદર્શન રાવણ દહન, રામલીલા, શોભાયાત્રા, ગરબા અને સ્નેહમિલન જેવા સામૂહિક કાર્યક્રમો પ્રતિબંધિતની સૂચિમાં મુકાયા છે.