સુશાંત સિંહ રાજપૂતના મોત બાદથી અનેક ન્યૂઝ ચેનલે એ-લિસ્ટર્સના મૌન પર સવાલ ઊભા કર્યા હતા. આ દરમિયાન અનેકવાર સલમાનનું નામ પણ લેવામાં આવ્યું હતું. હવે લાંબા સમય બાદ સલમાન ખાને નેશનલ TV પર આ તમામ લોકોને જવાબ આપ્યો છે.
રિયાલિટી શો ‘બિગ બોસ 14’ના પહેલા ‘વીકેન્ડ કા વાર’માં સલમાને તમામ સ્પર્ધકોને ખુલીને ગેમ રમવાની સલાહ આપી હતી. આ વર્ષે ચાહકોને સ્પર્ધકોના ઠંડા વર્તન સામે પણ વાંધો પડ્યો છે. આ મુદ્દે પણ સલમાને તમામ સ્પર્ધકોની ઝાટકણી કાઢી હતી.
બૂમો પાડવાથી કંઈ નથી થતું: સલમાન ખાન
આ દરમિયાન શોમાં સલમાન ખાને પરોક્ષ રીતે ન્યૂઝ ચેનલ પર TRPના નામે જે રમત રમવામાં આવી હતી, તેનો જવાબ આપતા કહ્યું હતું, ‘અમારી ફિલ્મ કોણ જુએ છે? જનતા. અમને બધાને TRP જોઈએ છીએ પરંતુ એનો અર્થ એવો નથી કે તમે કંઈ પણ કરો. તમે ફૅક ન્યૂઝ ચલાવીને અને બૂમો પાડીને સારા બની શકતા નથી. તમે વફાદાર રહીને અને સાચા રહીને મોટા તથા સારા બની શકો છો. આ જ કારણ છે કે લોકો તમને લાંબા સમય સુધી જુએ છે. મારે જે પણ કહેવું હતું મેં ઈનડાયરેક્ટલી કહી દીધું છે.’
ઉલ્લેખનીય છે કે સુશાંતના મોત બાદ ઘણી ન્યૂઝ ચેનલે ફૅક ન્યૂઝ ચલાવીને ઈન્ડસ્ટ્રીના એ-લિસ્ટેડ કલાકારોના નામ ખરાબ કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં જ બોલિવૂડનાં 38 પ્રોડક્શન હાઉસ અને સંસ્થાઓએ ન્યૂઝ ચેનલ્સ સામે દિલ્હી હાઇર્કોટમાં કેસ દાખલ કર્યો હતો. દાખલ થયેલી FIRમાં રિપબ્લિક ટીવી અને તેના અર્નબ ગોસ્વામી તથા પ્રદીપ ભંડારી ઉપરાંત ટાઇમ્સ નાઉ ચેનલના નવિકા કુમાર તથા રાહુલ શિવશંકરનાં નામો સામેલ છે.
TRP કૌભાંડ
ઉલ્લેખનીય છે કે રિપબ્લિક ટીવી હજુ ગયા અઠવાડિયે જ પૈસા આપીને ઊંચા TRP ખરીદવાના મુંબઈ પોલીસ દ્વારા કરાયેલા કેસમાં સંડોવાયેલું છે. હવે અત્યાર સુધી શાંત રહેલું બોલિવૂડ પહેલી જ વાર એકસાથે સામે આવ્યું છે. ત્યારે દિલ્હી હાઇકોર્ટ આ મુદ્દે કેવું વલણ લે છે એ જોવાનું રસપ્રદ બની રહેશે.