વીરપુર: જલિયાણ જોગીના દ્વાર ખુલ્યા, ટોકન સિસ્ટમથી દર્શન શરુ કરાયા

0
730

વીરપુર: દેને કો ટુકડા ભલા લેને કો હરી કા નામ સૂત્રને જીવનમંત્ર બનાવનાર પૂજ્ય જલારામબાપાનું નીજ મંદિર બસો વર્ષથી શ્રદ્ધાળુઓ માટે ક્યારેય બંધ રહ્યું ન હતું. પરંતુ કોરોના મહામારીના હિસાબે સરકાર દ્વારા પોણા ત્રણ મહિના પૂર્વે લોકડાઉન જાહેર કરતા દેશભરના મંદિરોને લોકદર્શનાર્થે બંધ કરવામાં આવ્યા હતા. જેમાં સરકારે અનલોક-1માં 8 જુનથી મંદિરો નિયમોને આધિન શ્રદ્ધાળુઓ માટે ખોલવાની છૂટ આપી હતી. જેમાં ગત સોમવારેથી ઘણા મંદિરો લોકદર્શનાર્થે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. પરંતુ વીરપુર ખાતેના જલારામ મંદિર દ્વારા સરકારી ગાઈડ લાઈનનું ચૂસ્તપણે પાલન કરાવવાની તૈયારીઓ કરવા માટે શ્રદ્ધાળુઓ માટે 15 જુનથી મંગળ મંદિરના દ્વાર ખોલવાનો નિર્ણય ગાદીપતિ રઘુરામબાપા દ્વારા કરવામાં આવ્યો હતો.આજે પ્રથમ દિવસે ફક્ત વીરપુરવાસીઓને દર્શન કરવાની ખાસ વ્યવસ્થા ગાદી પતિ દ્વારા કરવામાં આવી હતી. દર્શન કરવા માટે સૌપ્રથમ ટોકન લેવું ફરજિયાત કરવામાં આવ્યું છે.

અવિરત નામ દેશ-વિદેશમાં આસ્થાનું કેન્દ્ર રહેલા સંત જલારામબાપાના દર્શન માટે વીરપુર ગ્રામજનોની લાગણીઓને ધ્યાનમાં લઈને જલારામ મંદીરના ગાદીપતિ રઘુરામબાપાના આદેશ અનુસાર આજથી મંગલ મંદિરના દ્વાર ખુલ્યા હતા. જેમાં વીરપુર ગામવાસીઓની લાગણીને માન આપી રઘુરામબાપા દ્વારા આજે રવિવારના રોજ ફક્ત વીરપુરવાસીઓ માટે મંગલ મંદિરના દ્વાર ખુલ્લા મુક્યા હતા. અને સોમવારથી તમામ શ્રદ્ધાળુઓ માટે દ્વાર ખુલ્લા મુકાશે. જેમાં સરકારની ગાઈડ લાઈનનું ચૂસ્તપણે પાલન કરી સોશિયલ ડિસ્ટન્સિંગના પાલનની અને સેનિટેશનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક દર્શનાર્થીઓને સૌ પ્રથમ વીરપુરમાં આવેલ માનકેશ્વર મંદિરની બાજુમાં રજીસ્ટ્રેશન કાર્યાલયેથી પોતાનું રજીસ્ટ્રેશન કરાવી ટોકન મેળવીને સેનિટાઈઝ ચેમ્બરમાં સેનેટાઇઝ થયા બાદ જ મંદિરમાં પ્રવેશ મળશે. ઉપરાંત મોઢા પર માસ્ક બાંધવું પણ ફરજીયાત કરવામાં આવ્યું છે.

બાપાના દર્શન સવારે 7થી બપોરના 1 વાગ્યા સુધી અને બપોરે 3 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી જ થઈ શકશે. અને 10 વર્ષથી નીચેની વયના બાળકો તેમજ 60 વર્ષથી ઉપરની વયના વૃદ્ધો તેમજ સગર્ભા મહિલાઓને મંદિરમાં પ્રવેશ નહીં મળી શકે. ઉપરાંત કોઈ પણ જાતનો પ્રસાદ મંદિરમાં સાથે લઈ જવાની મનાઈ કરવામાં આવી છે. સરકારની આગલી ગાઈડલાઈન સુધી પ્રસાદ ભોજનાલય બંધ પણ રહેશે. તેમજ લોકોએ પોતાના બૂટ-ચપ્પલ અને મોબાઈલ વગેરે વસ્તુ મંદિરની બહાર મુકીને દર્શન માટે આવવાનું રહેશે.

રામકૃષ્ણ આશ્રમ રાજકોટ લોકડાઉનના 85 દિવસ પછી ભક્તજનો માટે દર્શન તા.15 જુન રોજ ખોલવામાં આવી રહ્યો છે. મંદિરમાં દર્શનનો સમય સવારે 9.30થી 11.15 અને સાંજના 4.30 થી સાંજના 6 .30 વાગ્યા સુધીનો રહેશે. 65 વર્ષથી ઉપરના ભક્તો અને 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હમણાં તેઓને આશ્રમમાં પ્રવેશ આપવામાં નહીં આવે. આશ્રમમાં પ્રવેશ કરનાર દરેક ભક્તજનો માટે માસ્ક પહેરીને આવવું ફરજિયાત છે. હેન્ડ સેનિટાઇઝર આશ્રમના ગેટ પર ઉપલબ્ધ રેહશે. આશ્રમમાં પ્રવેશ કરતા પેહલા થર્મલ ગનથી ચકાસણી કરવામાં આવશે. શરીરનું તાપમાન 99 ડીગ્રીથી વધુ જણાતા આશ્રમમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. ભક્તજનોએ ઓછામાં ઓછું 3 ફુટનું અંતર જાળવવું ફરજિયાત છે. કોઈ પણ પ્રકારના મોટા સમાન સાથે આશ્રમ પરિસરમાં પ્રવેશવાની મનાઈ છે. નાની હેન્ડ બેગ લઈ જઇ શકાશે. આશ્રમ પરિસરમાં ફોટા પાડવાની સખત મનાઇ છે. આશ્રમ પરિસરમાં થૂંકવા પર સખત પ્રતિબંધ છે. આશ્રમ પરિસરમાં કોઈ પણ જગ્યાએ બિન જરૂરી ફરવાની કે પ્રદક્ષિણા કરવાની મનાઈ રહેશે. સુરક્ષા હેતુને ધ્યાનમાં રાખીને આશ્રમમાં ચરણામૃત કે કોઈ પણ પ્રકારના પ્રસાદનું વિતરણ બંધ રહેશે.

(રિપોર્ટર: ગૌરવ ગાજીપરા-વીરપુર)