હૈદરાબાદના અનેક વિસ્તારોમાં સતત વરસાદ વરસવાના કારણે અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે. અહીં રસ્તાઓ પર પાણી ભરાયા છે જ્યારે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી સ્થિતિ ખરાબ થઈ છે. વરસાદે રાજ્ય સરકારના તમામ દાવાઓનો પર્દાફાશ કર્યા છે. તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં આજ સુધીમાં 14 લોકોનાં મોત નીપજ્યાં છે.
હૈદરાબાદ લોકસભા બેઠકના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે, ભારે વરસાદના કારણે બંદલાગુડાના મોહમ્મદિયા હિલ્સમાં દિવાલ ધરાશાયી થતાં નવ લોકોનાં મોત નીપજ્યાં હતાં. તેમણે કહ્યું કે ખાનગી બાઉન્ડ્રીની દિવાલ પડી જતાં 9 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 2 લોકો ઘાયલ થયાં હતાં. ઘટના સ્થળની મુલાકાત દરમિયાન મેં શાહાબાદમાં ફસાયેલી બસના મુસાફરોને લિફ્ટ આપી હતી.
એક અલગ ઘટનામાં, એક 40 વર્ષીય મહિલા અને તેની 15 વર્ષની પુત્રીનું મોત નીપજ્યું. મંગળવારે ભારે વરસાદને કારણે ઇબ્રાહીમપટ્ટનમ વિસ્તારમાં આવેલા તેના જૂના મકાનની છત પડી હતી. મંગળવારથી તેલંગાણાના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. હૈદરાબાદના ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે.
ભારે વરસાદને કારણે હૈદરાબાદનું જીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે લોકો ઘરોમાં કેદ થયા છે. વાહન વ્યવહાર પણ અટકી ગયો હતો. નીચાણવાળા વિસ્તારોમાં ઘરોની અંદર પાણી ભરાયું હતું. હાલ અહીં બચાવ કામગીરી ચાલી રહી છે.