- દર વર્ષે 3થી 4 હજાર શિક્ષકો પણ નિવૃત થાય છે પણ ભરતી થાય તો ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ પર, વહીવટી માળખું વેરવિખેર
- સરકારમાં ઇજનેરો, કાયદાના નિષ્ણાંતો અને ટેક્નિકલ સ્કિલ ધરાવતા અધિકારીઓની મોટી ખોટ પડી રહી છે
ગુજરાત સરકારની વિશાળ કર્મચારી ફોજ નિવૃત્તિના આરે છે. છેલ્લા પાંચ વર્ષમાં પ્રતિવર્ષ સરેરાશ 15 હજાર થી 17 હજાર કરતાં વધુ કર્મચારીઓ વય નિવૃત્ત થયા છે. 2019માં નિવૃત્તિનો આંકડો સૌથી વધુ 19,700 કર્મચારીનો હતો. જ્યારે 2020માં આ આંકડો 17500ની આસપાસ જોવા મળી રહ્યો છે.
આઠ લાખ કરતા વધુ કર્મીઓ પૈકીનાની 2005થી નિવૃત્ત થનારની સંખ્યા વધી
આઠ લાખ કરતાં વધુ કર્મચારીઓનું સંખ્યાબળ ધરાવતી ગુજરાત સરકારમાં 2005 પછી નિવૃત્તિની સંખ્યા વધતી જાય છે. નિવૃત્ત થયેલા આ કર્મચારીઓમાં સરકારની વિવિધ કચેરીઓ, શિક્ષકો, પ્રોફેસરો, ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓના કર્મચારીઓ, બોર્ડ-કોર્પોરેશનના કર્મચારીઓ તેમજ વિવિધ પંચાયતના કર્મચારીઓનો સમાવેશ થાય છે.
ભરતી સામે અનેકગણા કર્મીઓ નિવૃત્ત થાય છે
રાજ્ય સરકાર દર વર્ષે જેટલા કર્મચારીઓની ભરતી કરે છે, તેનાથી અનેકગણા કર્મચારીઓ નિવૃત્ત થાય છે. ગુજરાત સરકારના વહીવટમાં કાર્યકુશળ અને સિનિયર અધિકારીઓની એક મોટી ફોજ નિવૃત્તિના આરે છે, ત્યારે સરકારના વિભાગોને અનુભવી વિભાગીય વડા મળવા મુશ્કેલ જણાઇ રહ્યાં છે.
વહીવટી સેવામાં સિનિયર ઓફિસરોની મોટી ટીમ નિવૃત્તિની તરફ
ગુજરાત વહીવટી સેવાના સિનિયર ઓફિસરોની પણ આવી જ હાલત છે. એક મોટી ટીમ નિવૃત્તિના પથ પર છે. બીજી તરફ સરકારમાં વર્ગ-1થી વર્ગ-3ના કર્મચારીઓની નિવૃત્તિનો આંકડો પ્રતિવર્ષ 18 હજાર કરતાં વધી ગયો છે જે સરકાર માટે ગંભીર બાબત છે.
શિક્ષકો સામે વિદ્યાસહાયકોની ભરતી પણ સચિવાલયમાં ભરતી નથી થતી
પેન્શન એન્ડ પ્રોવિડન્ટ ફંડ (PP fund)ની કચેરીના જણાવ્યા પ્રમાણે સરકારી કર્મચારીઓની જેમ પ્રતિવર્ષ 3000થી 5000 જેટલા સરકારી શિક્ષકો પણ નિવૃત્ત થઇ રહ્યાં છે. નિવૃત્ત થતાં શિક્ષકો સામે રાજ્ય સરકાર શિક્ષણમાં વિદ્યા સહાયકોની નિયુક્તિ કરી રહી છે, પરંતુ સચિવાલય તેમજ અન્ય સરકારી કચેરીઓના કર્મચારીઓની નિવૃત્તિ સામે એટલી ભરતી થતી નથી. આગામી બે વર્ષમાં પણ કર્મચારીઓની નિવૃત્તિનો આંકડો 34 હજાર કરતાં પણ વધારે જોવા મળશે.
નિવૃત્તિ કર્મીથી સરકારને નિષ્ણાંત અધિકારીઓની મોટી ખોટ
ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિના જણાવ્યા અનુસાર દર વર્ષે હજારો કર્મચારીઓ નિવૃત્ત થતા હોવા છતાં નવા કર્મચારીઓ લેવામાં આવતા નથી, પરિણામે વહીવટી માળખું વેરવિખેર બન્યું છે. સરકારમાં ઇજનેરો, કાયદાના નિષ્ણાંતો અને ટેક્નિકલ સ્કિલ ધરાવતા અધિકારીઓની મોટી ખોટ પડી રહી છે. પ્રતિવર્ષ 17 હજારની નિવૃત્તિ સામે સરકારમાં માત્ર વર્ષે 15 થી 20 ટકા નવા કર્મચારીની ભરતી થતી હોય છે, જેના કારણે હયાત કર્મચારી પર કામનું ભારણ વધારે છે.