ચિલ્ડ્રન યુનિવર્સિટીમાંથી કોઈ પણ પ્રકારની જાણ કર્યા વિના કાઉન્સિલર બહેનોને નોકરીમાંથી છૂટી કરી, હાઈકોર્ટમાં પિટિશન દાખલ

0
72
  • કાઉન્સિલર બહેનો રાજ્યના અલગ અલગ જિલ્લામાં સગર્ભા મહિલાઓને પ્રશિક્ષણ આપતી હતી અગાઉ પણ યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયા મુદ્દે વિવાદ થયો હતો

રાજ્ય સરકાર હસ્તક રહેલી ચિલ્ડ્રન યુનિવર્સિટીની કાઉન્સિલર બહેનોને કોઈપણ જાતની જાણ કર્યા વિના માત્ર એક ફોન કોલ કરીને નોકરીમાંથી છુટી કરી દેવામાં આવી છે. ત્યારે આ કાઉન્સિલર મહિલાઓએ નોકરીમાંથી છુટા કરવાના વિરોધમાં હાઈકોર્ટમાં એક પિટિશન દાખલ કરી છે. આ અંગે હાઈકોર્ટે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરને નોટીસ પાઠવી છે. સમગ્ર કેસની સુનાવણી 25 નવેમ્બરે કરવામાં આવશે.

કયા કારણોસર કાઉન્સિલર મહિલાઓને નોકરીમાંથી છુટી કરવામાં આવી
હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી પિટિશનમાં અરજદાર મહિલાઓએ જણાવ્યું છે કે તેમનામાંથી કેટલીક મહિલાઓ ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં 5 વર્ષ અથવા તો 10 વર્ષથી કોન્ટ્રાક્ટ બેઝ પર સેવા આપે છે. તેમણે યુનિવર્સિટી તંત્ર સામે એવો આક્ષેપ કર્યો છે કે કદાચ તેઓ કોન્ટ્રાક્ટ બેઝ પર હોવાથી તેમના સ્થાને હવે નવા કર્મચારીઓને લાવવાની માંગ કરવામાં આવી છે. આ મહિલાઓમાંથી એક મહિલા કોરોના પોઝિટીવ હોવાથી તેઓ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ છે ત્યારે તેમણે નોકરીમાંથી છુટા નહીં કરવાની વિનંતી કરી તે છતાં પણ તંત્ર દ્વારા તેમને છુટા કરવાની અમલવારી કરવામાં આવી છે.

આ મહિલાઓ સગર્ભા મહિલાઓને પ્રશિક્ષણ આપે છે
રાજ્ય સરકાર હસ્તકની ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં કાર્યરત આ કાઉન્સિલર મહિલાઓ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં સગર્ભા મહિલાઓને પ્રશિક્ષણ આપવાનું કામ કરે છે. તે ઉપરાંત બાળકની સાર સંભાળ તથા અજન્મા બાળકથી લઈને 18 વર્ષના બાળકનો વિકાસ થાય તે પ્રકારે યુનિવર્સિટી કામગીરી કરી રહી છે અને કામગીરીનો વ્યાપ વધે તેને લઈને આજે નેશનલ સેમિનારનું આયોજન કર્યું છે. તપોવન પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, જેમાં સગર્ભા માતાઓને બાળકનો ત્રણ વર્ષ સુધી ઉછેર કેવી રીતે કરવો તેની માહિતી આ મહિલાઓ દ્વારા સગર્ભા મહિલાઓને પુરી પાડવામાં આવે છે.

અગાઉ પણ ભરતી પ્રક્રિયાનો વિવાદ થયો હતો
થોડા સમય પહેલાં એટલે કે ફેબૃઆરી 2020માં જ રાજ્ય સરકાર હસ્તકની ચિલ્ડ્રન યુનિવર્સિટી ભરતી પ્રક્રિયા મુદ્દે વિવાદમાં આવી હતી. આ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલી ભરતીમાં ઉમેદવારોએ મોટા પાયે સેટિંગ થયું હોવાની ભીતિ વ્યક્ત કરી હતી. અહીં પ્રોફેસરો, એસોસિએટ, આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર, મીડિયા મેનેજર તેમજ રિસર્ચ આસિસ્ટન્ટ જેવા પદ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન મોટા ભાગના ઉમેદવારોને ખોટી રીતે ગેરલાયક ઠેરવવામાં આવ્યાં હોવાની પણ ચર્ચાઓ થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here