- ચામુંડા માતા મંદિરમાં પ્રસાદરૂપે ભોજન નહીં અપાય, જે શ્રદ્ધાળુઓ નૈવેદ્યપેકેટ લઈને જશે એ માતાજીને ધરાવી તેમને પરત કરાશે
નવરાત્રિ દરમિયાન સમૂહમાં 200 વ્યકિતની મર્યાદા કોવિડ-19ની ગાઇડલાઇન્સનું પાલન કરીને પૂજા-અર્ચના કરવાની રાજય સરકારે છૂટ આપી હતી, પણ પ્રસાદી એ આપણી પરંપરા છે, એના પર પણ સરકારે પ્રતિબંધ મૂકી દીધો હતો. રેસ્ટોરાં અને લારી-ગલ્લા પર ખાદ્ય પદાર્થ વેચાણ કરવાની છૂટ છે, ત્યારે આ પ્રતિબંધથી લગભગ બધા નાગરિકોએ દુઃખ અનુભવ્યું હોવાથી ‘દિવ્ય ભાસ્કરે’ 14મી જૂને લોકલાગણી સ્વરૂપે આ સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા. છેવટે રાજય સરકારે વ્યકિતદીઠ પેકિંગમાં પ્રસાદી આપી શકાશે તેવો બુધવારે મળેલી કેબિનેટમાં નિર્ણય લીધો છે, જેથી અંબાજીમાં મોહનથાળનાં 4 લાખ પેકેટ બનશે અને કાગળના બોક્સમાં મળશે, જ્યારે કાગવડ ખોડલધામમાં સુખડી પ્રસાદ અને ભોજન પ્રસાદ ભાવિકોને અપાશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં મળેલી કેબિનેટની વિગત આપતાં ગૃહ રાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે પ્રસાદી વહેંચણીની ગાઇડલાઇન્સનું સ્વંયશિસ્તથી પાલન થાય એ આવશ્યક છે. કોવિડ-19ની ચેપ ફેલાતાં એક નાની એવી ભૂલ હજારો નાગરિકો માટે ઘાતક નીવડી શકે છે. આવા સંજોગોમાં પ્રસાદી વિતરણ માટે સોશિયલ ડિસ્ટન્સ,માસ્ક, પ્રસાદી સ્વમેળે લેવા જેવી બાબતોનું પાલન કરવાનું રહેશે.
મંદિરોની તૈયારીઓ
- અંબાજી: શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા છેલ્લા કેટલાક સમયથી દસ રૂપિયાવાળા પ્રસાદનાં નાનાં પેકેટ બંધ કરી દેવાયાં છે જ્યારે 250 ગ્રામના પેકેટમાં મોહનથાળનો પ્રસાદ 50 રૂપિયામાં આપવામાં આવશે. અંબાજી આવતા માઈભક્તોને દર્શન કર્યાં બાદ કાગળના ખોખામાં વર્ષોથી પરંપરાગત રીતે પ્રસાદ અપાય છે. આ વખતે નવરાત્રિ દરમિયાન અઢીસો ગ્રામ પ્રસાદનાં 4 લાખ પેકેટ તૈયાર કરવાનું મંદિર ટ્રસ્ટનું આયોજન છે.
- ખોડલધામ: ખોડલધામ કાગવડ મંદિર ખાતે સુખડી પ્રસાદ અને ભોજન પ્રસાદ ભાવિકોને અપાશે. સુખડીનો પ્રસાદ પેકેટમાં અપાશે. ભોજન પ્રસાદ દરમિયાન કોવિડ-19ની ગાઇડલાઇન્સનું પૂરેપૂરું પાલન કરાશે. મંદિરમાં ધ્વજારોહણ કાર્યક્રમમાં 100 વ્યક્તિને પ્રવેશે પણ આપવામાં આવશે.
- ચોટીલા: ચામુંડા માતા મંદિરમાં ભોજન પ્રસાદ નહીં અપાય. જોકે જે શ્રદ્ધાળુઓ નેવૈદ્યપેકેટ લઈને જશે એ માતાજીને ધરાવી પ્રસાદરૂપે પરત કરાશે.
- ઊંઝા: ઉમિયા માતાજી મંદિરમાં લૉકડાઉનથી જ પ્રસાદ બંધ છે. નવરાત્રિ દરમિયાન સરકારની ગાઈડલાઇન્સ મુજબ માત્ર આરતી જ, પ્રસાદ નહિ. મંદિરમાં માત્ર ભેટ કૂપનનો પ્રસાદ પ્લાસ્ટિક પેકિંગમાં અપાશે.