ભાજપના તમામ ઉમેદવારો જાહેર થતાં હવે પ્રચાર ફૂલ ફોર્મમાં શરૂ થશે, કોંગ્રેસે ડાંગ અને કપરાડા બેઠક માટેના ઉમેદવારો જાહેર કર્યા

0
89
  • અઠવાડિયાના અંતે વર્ચ્યુઅલ સભાઓ થશે, ઉમેદવારોએ પોતાની રીતે પ્રચાર શરૂ કરી દીધો
  • કોંગ્રેસ પોતાના બાકી રહેલા ત્રણ ઉમેદવારોને સીધા ફોર્મ ભરવા મોકલે તેવી શક્યતા

ભાજપે વિધાનસભાની પેટાચૂંટણી માટેના પોતાના તમામ આઠ ઉમેદવારો ઘોષિત કરી દીધાં છે. આખરે લીંબડી બેઠક પર પણ કિરીટસિંહ રાણાનું નામ જાહેર થતાં હવે તમામ ઉમેદવારો જાહેર થઇ ગયા છે. બુધવાર સુધીમાં રાણા સિવાયના તમામ ઉમેદવારોના ફોર્મ ભરાઇ ગયા હતા જ્યારે રાણા ગુરુવારે પોતાનું ફોર્મ ભરશે. આમ હવે ભાજપમાં ચૂંટણીનો પ્રચાર ફૂલ ફોર્મમાં શરૂ થઇ જશે.

આ દરમિયાન બાકીના ઉમેદવારોએ પોતાના વિસ્તારોમાં લોકસંપર્ક શરૂ કરી દીધો છે અને તેઓ ગામેગામ ફરીને પોતાનો પ્રચાર કરી રહ્યા છે. આ સપ્તાહના અંતિમ દિવસોમાં એટલે કે નવરાત્રિના શરુઆતના દિવસોમાં ભાજપના મોટા નેતાઓની વર્ચ્યુઅલ રેલી એટલે કે ઇન્ટરનેટના માધ્યમથી ચૂંટણીસભા યોજાશે. તે ઉપરાંત ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ માસના અંતે આવવાના હોઇ તેમની હાજરીને પણ ચૂંટણીપ્રચાર સાથે ભાજપ જોડી શકે છે.

કોંગ્રેસે ડાંગ અને કપરાડા બેઠક માટેના ઉમેદવારો જાહેર કર્યા
કોંગ્રેસે બુધવારે રાત્રે બાબુભાઈ વરઠાને કપરાડા જ્યારે સૂર્યકાંત ગાવિતને ડાંગ બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે. જ્યારે લીંબડી બેઠક પર જ્ઞાતિઓ વચ્ચેની ખેંચતાણ અને પોતાના જ સ્થાનિક નેતાઓની જીદ્દને કારણે હજુ ઉમેદવાર નક્કી કરી શકાયો નથી. પાર્ટી ગુરુવારે આ ઉમેદવારને નામ જાહેર કર્યાં વગર ફોર્મ ભરાવડાવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here