રાજકોટ, ગોંડલ, જસદણ, અમરેલીમાં ભૂકંંપના આંચકા અનુભવાયા, રાજકોટથી 18 કિમી દૂર ભાયાસર ગામે કેન્દ્ર બિંદુ નોંધાયું

0
560
  • ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાજકોટ તાલુકાનું ભાયાસર ગામ ખાતે નોંધાયું
  • 2001ની જેમ આજે સવારે એક ચોક્કસ પ્રકારના ઘરેરાટીવાળા અવાજ સાથે ભૂકંપનો આચંકો

રાજકોટ. સૌરાષ્ટ્રના અલગ-અલગ શહેરોમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. ગોંડલ, રાજકોટ, જસદણ તેમજ અમરેલી સહિતમાં ભૂકંપના કારણે ધરા ધ્રુજી હતી. રાજકોટમાં સવારનાં 7 વાગ્યે 38 મિનિટની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. લગભગ 3થી 4 સેકન્ડ સુધી 4.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેથી લોકો ઘર તેમજ પોતાની દુકાનોની બહાર આવી ગયા હતા. ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાજકોટથી 18 કિલોમીટર દૂર ભાયાસર ગામે નોંધાયું છે. રાજકોટમાં કોઇ જગ્યા પર નુકસાની ન થઈ હોવાનું જિલ્લા વિકાસ અધિકારીએ ટ્વીટ કરી માહિતી આપી છે.

2001ની જેમ રાજકોટમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો
આજે વહેલી સવારે આવેલા ભૂકંપે 2001માં આવેલા ભૂકંપની યાદ તાજી કરાવી દીધી હતી. આજથી 19 વર્ષ પહેલા 26મી જાન્યુઆરી 2001ના રોજ બરાબર 8.45ના ટકોરે સમગ્ર દેશમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો અને આજે પણ વહેલી સવારે 8.38 કલાકે એક ચોક્કસ પ્રકારના ઘરેરાટીવાળા અવાજ સાથે ભૂકંપનો આચંકો અનુભવાયો હતો. જેથી લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતાં.

હજુ સુધી  જાનહાની કે કોઈ નુકસાનના સમાચાર સામે આવ્યા નથી
બીજી તરફ જસદણમાં પણ ધરતીકંપનો આંચકો અનુભવાતા લોકો શેરીમાંથી અને દુકાનમાંથી બહાર નીકળી ગયા હતા. અવાજ સાથે ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો. જેનાથી આજુબાજુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. એ જ રીતે જૂનાગઢ, જેતપુર તથા વીરપુરમાં પણ ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો. જોકે હજુ સુધી ક્યાંયથી પણ જાનહાની કે કોઈ નુકસાનના સમાચાર સામે આવ્યા નથી.

CM રૂપાણીએ જિલ્લા કલેકટરો સાથે ટેલીફોનીક વાતચીત કરી
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે સવારે સૌરાષ્ટ્રમાં અનુભવાયેલા 4.8ની તીવ્રતાના ભૂકંપના આંચકાની વિગતો રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગરનાં જિલ્લા કલેકટરો પાસેથી ટેલીફોનીક વાતચીત કરીને મેળવી હતી. મુખ્યમંત્રીએ આ જિલ્લાઓમાં છેવાડાના ગામો સુધી પણ આ ભૂકંપના આંચકાઓને કારણે જો કોઈ નુકસાન થયું હોય તો તેની વિગતો મેળવીને સત્વરે યોગ્ય કાર્યવાહી કરવાની સૂચનાઓ કલેકટરોને આપી હતી.

ગોંડલમાં ભુકંપનો તીવ્ર આંચકો 
સવારે 7:39 કલાકે ગોંડલમાં તીવ્ર માત્રા સાથે ભુકંપનો આંચકો આવતાં લોકો ઘરની બહાર દોડી ગયાં હતાં. સવારે સંગ્રામસિંહજી હાઇસ્કુલનાં મેદાનમાં તથાં અન્ય સ્થળે વોકિંગ કરી રહેલા લોકોએ પણ તિવ્ર આંચકો અનુભવ્યો હતો. સંગ્રામસિંહજી હાઇસ્કુલનો ટાવર પણ ધ્રુજી ઉઠ્યાંનું વોકીંગ કરી રહેલાં રણવીરસિંહ જાડેજાએ જણાવ્યું હતું. બીજી તરફ ગોંડલ તાલુકાના દાળીયા ગામે ભૂકંપના આંચકાથી મકાનની દિવાલોમાં તીરાડો પડી ગઈ હતી.